રાજકોટમાં ગેસની લાઈન લીકેજ થતાં મકાનમાં આગ ભભુકી: દંપતી દાઝ્યું - At This Time

રાજકોટમાં ગેસની લાઈન લીકેજ થતાં મકાનમાં આગ ભભુકી: દંપતી દાઝ્યું


રાજકોટ શહેરમાં પેડક રોડ પર મકાનમાં ગેસ લીકેજ થતા દંપતી દાઝ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પતિ સવારે ચા બનાવવા જતા દીવાસળી સળગાવતા જ આગ ભભુકી ઉઠી હતી. પત્નિ બચાવવા જતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં પેડક રોડ પર આવેલા ગાંધી સ્મૃતિ મારુતિ મધરલેન્ડ સ્કૂલની સામેની શેરીમાં ચામુંડા પ્રોવિઝન સ્ટોર સામે રહેતા સંજયભાઈ જયંતીભાઈ સિતાપરા (ઉ.વ.50) અને તેમના પત્ની (ઉ.વ.48) બંને વહેલી સવારે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સંજયભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેથી વહેલી સવારે ચા બનાવવા જતા દીવાસળી સળગાવતા જ એકાએક આગ ભભુકી ઉઠી હતી.
જેમાં સંજયભાઈ આગની લપેટમાં આવતા રાડો નાખતા પત્ની ગીતાબેન તેમને બચાવવા દોડી જતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં બંને આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગતાં ઘર વખરી પણ બળીને ખાક થઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.