રાજકોટ પર પાણીના બીલનું કુલ દેવુ 946 કરોડ: સૌનીના બીલ પણ ચડ્યા!
રાજકોટને પીવાનું પાણી પુરુ પાડતા જળાશયો દર વર્ષની જેમ આ વર્ષે પણ છલકાઈ ગયા છે. ન્યારી ઓવરફલો, આજી ગમે ત્યારે ઓવરફલો થાય તેમ છે અને ભાદર ડેમ આવતુ પુરુ વર્ષ રાજકોટ શહેર અને જિલ્લાની તરસ છીપાવે એવો ભડભાદર ડેમ થઇ ગયો છે. છતા રાજકોટ શહેરની વાત કરીએ તો વિશાળ મહાનગર હવે પાણીની બાબતમાં ઓવરફલો ડેમોની જેમ નર્મદા નીર પર પણ નિર્ભર રહ્યું છે. જે પાણી દર વર્ષે સરકાર પુરુ પાડતી હોય હવે પાણી કાપ ભુતકાળ બની ગયો છે. પરંતુ રાજકોટ ઉપર આજની તારીખે વિવાદીત, વર્ષો જુના અને વ્યાજ સહિતના પાણીના દેણાની રકમ 946 કરોડ રહેલી છે તે રેકર્ડ પર બોલે છે.
સાડા ત્રણ દાયકા પહેલા રાજકોટને ટ્રેન મારફત પાણી મોકલવાની નોબત આવી તેવું સંકટ ઉભુ થયું હતું. આ બાદ અવારનવાર સરકાર પાસેથી પાણી લેવાનું થયું છે. આજી-1 ડેમ આજની તારીખે પણ મનપાની માલિકીનો નથી અને સિંચાઈ વિભાગ ડેમ સંભાળે છે. થોડા સમય અગાઉ મનપાની માલિકીના ન્યારી-1 ડેમની ઉંચાઈ વધારવામાં આવી હતી. જો કે કામ પણ સિંચાઈ વિભાગમાં નાણા ભરીને કરાવવું પડ્યું હતું. ભાદર-1 ડેમ વર્ષો અગાઉ સિંચાઇનો ડેમ હતો. પરંતુ રાજકોટને રોજ આ ડેમમાંથી પણ હવે નિયમિત પીવાનું નિયત પાણી આપવામાં આવે છે. વર્ષો અગાઉ રાજ્ય સરકારે રાજકોટની વધેલી વસ્તી અને વિસ્તાર જોતા પાઇપલાઇન મારફત નર્મદા પાણી આપવાનું ચાલુ કર્યું હતું. આજી અને બેડી ખાતે આ પાણી આવે છે. ન્યારી ખાતે પણ લાઇન મુકવામાં આવી છે.
આ પાણી રાજકોટને પ્રતિ એક હજાર લીટર રુા. 6ના ભાવે અપાય છે. જેનું વર્ષે 29 કરોડ જેવું બીલ કોર્પોરેશન નિયમિત ચૂકવે છે. આ પૂર્વેના અને તે બાદનાં કરોડોના વિવાદી લેણા ચૂકવવામાં આવ્યા નથી. વ્યાજની રકમ પણ ખુબ મોટી છે. રાજકોટથી માંડી ગાંધીનગર સુધી અઢી દાયકાથી ભાજપ સરકાર હોય પૈસાના વાંકે પાણી રોકવામાં આવ્યું નથી પરંતુ કોંગ્રેસ સરકાર વખતનું ટ્રેનથી આવેલું પાણી સહિતના બીલ ઝીરો પણ કરવામાં આવ્યા નથી. હવે થોડા વર્ષો અગાઉ સૌની યોજના સાથે રાજકોટના ડેમોનું સીધુ કનેકશન કરી દેવામાં આવ્યું છે. આજી ડેમમાં સૌનીનું પાણી અવતરણ કરવા ખુદ વડાપ્રધાન રાજકોટ આવ્યા હતા. રાજકોટનો પાણી પ્રશ્ર્ન ભુતકાળની બની ગયાની સાચી ખુશી વચ્ચે થોડા વર્ષોથી સરકાર આ પાણીના બીલ પણ મોકલી રહી છે. જે આજ સુધી ચૂકવવામાં આવેલ નથી. પ્રારંભે આ પાણીના બીલ નહીં આવે તેવી વાત હતી,
પરંતુ અત્યાર સુધીમાં આજી ડેમમાં ઠલવાયેલા સૌનીના પાણીના 80 કરોડ અને ન્યારીમાં ઠલવાયેલા પાણીના 26 કરોડના બીલ મનપાને મળી ચૂક્યા છે. આ વ્યાજ, પેનલ્ટી સહિતનું બીલ ચૂકવવાની શાસકોને કોઇ ચિંતા નથી પરંતુ સતત સૌની યોજનાના બીલ મળતા હોય તાજેતરમાં સામેથી આપવામાં આવેલા પાણીના બીલ નહીં મોકલવા વિનંતી કરવી પડી છે. આજ સુધીનાં લગભગ સાડા ત્રણ દાયકાના પાણીના દેણાની રકમ 946 કરોડ પર રહેલી છે. રાજકોટ મહિને પાઇપલાઇન પેટે મળતા નર્મદા નીરના 2.40 કરોડના બીલ ચૂકવે છે. આ સ્થિતિમાં પાણી માટે ડેમ જેટલા જ નર્મદા નીર પર આધારીત થઇ ગયેલા મહાપાલિકા પરનું પાણીનું દેણુ એક હજાર કરોડ નજીક પહોંચવા આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.