ભારત અને ચીનના સબંધોને લઈને વિદેશ મંત્રી જયશંકરે ચિંતા વ્યક્ત કરી…જાણો શું કહ્યું
- એશિયાની શતાબ્દી ત્યારે જ બની શકે છે જ્યારે ભારત અને ચીન એક સાથે આવે :જયશંકર નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવાર ભારત અને ચીન વચ્ચે અનેક પગલાંની વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવતો જણાતો નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ આ વાત તરફ સીધો ઈશારો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જો આ બંને દેશ સાથે નહીં આવે તો તે એશિયાની શતાબ્દી બની શકશે નહીં. જયશંકરે રશિયા પાસેથી તેલની આયાત અને મ્યાનામરના જંટા સાથે સંબંધોને પણ વાજબી ઠેરવ્યા હતા.થાઈલેન્ડની ચુલાલોંગકો યુનિવર્સિટીમાં તેમણે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના સંબંધો આ વાત પર નિર્ભર છે કે, બંને દેશો તેમના હિતોને કેવી રીતે સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. તેમણે ચીનના નેતા દેંગ જિયાપિંગની વાતને યાદ કરતાં કહ્યું હતું કે, એશિયાની શતાબ્દી ત્યારે જ બની શકે છે જ્યારે ભારત અને ચીન એક સાથે આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભારત અને ચીનના સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે?જયશંકરે કહ્યું હતું કે, આ સમયે બંને દેશોના સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેનું કારણ સરહદ પર ચીનની કાર્યવાહી છે. લદ્દાખમાં LAC સાથેની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ચીન યથાસ્થિતિ બદલવા માટે એકપક્ષીય પ્રયાસો કરે છે. આ કારણે ભારત અને ચીનના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા છે.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત થઈ ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે. જો કે, અહીં જયશંકરે કહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ પર તણાવ ઓછો નહીં થાય અને શાંતિ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકશે નહીં. બીજી તરફ જયશંકરને જ્યારે રશિયાથી તેલ આયાત કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ અઘરો નિર્ણય છે. તેલની આયાત પર કોઈ પ્રતિબંધ નથી અને માત્ર આપણે જ નથી જેઓ રશિયા પાસેથી તેલ આયાત કરીએ છીએ, તેમાં અનેક દેશોનો સમાવેશ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આપણે આપણા દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.