ભગવતીપરામાં માતા-પુત્રના ઝઘડામાં પાડોશી બરબસીયા બંધુએ યુવકને ધારીયું ઝીંકી દીધુ
ભગવતીપરામાં માતા-પુત્રના ઝઘડામાં રાડો કેમ પાડો છો કહીં બરબસીયા બંધુએ યુવકને ધારીયું ઝીંકી દેતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ભગવતીપરામાં ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નં.01 માં રહેતાં જયેન્દ્રભાઈ ભુપતભાઈ ડાંગર (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાજન બીજલ બરબસિયા અને કાળુ બીજલ બરબસીયાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આઇપીસી 324,323,504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે છુટક ટ્રક ડ્રાઈવિંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના અઢી વાગ્યાના આસપાસ તે ઘરે આવેલ અને આવીને તેમની વિજયાબેનને જમવાનું આપવાનું કહેલ જેથી તેમની માતાએ વઘારેલી રોટલી આપેલ જે વઘારેલી રોટલી ઠંડી થઈ ગયેલ હોય જેથી માતાને કહેલ કે, તમે આ ઠંડી વઘારેલી રોટલી કેમ આપો છો ? જેથી તેણીએ કહેલ કે, તારે ગરમ જમવું હોય તો તું સમયસર ઘરે આવતો જા આ બાબતે માતા-પુત્ર વચ્ચે દલીલો ચાલતી હોય જેથી પાડોશમાં રહેતો કાળુ બરબસીયા તથા તેનો ભાઈ સાજન બરબસીયા બંને ભાઈઓ બહાર નીકળેલ અને કહેવા લાગેલ કે, કેમ તુ શેરીમાં રાડો પાડે છે ? જેથી મે કહેલ કે હું મારા માતા સાથે વાતો કરું છું તારે શું વાંધો છે કહેતા બંન્ને ભાઈઓ ગાળો આપવા લાગેલ અને સાજન તેના ઘરમાં જઈ ધારીયું લઈ અને કાળુ લોખંડનો પાઈપ લઈ આવી સાજને માથાના ભાગે ધારીયુ મારી દિધેલ અને કાળુએ આંખના ભાગે લોખંડનો પાઈપ મારી દેતાં માથામાંથી લોહી નીકળવા લાગ્યો હતો.
બનાવ સ્થળે દેકારો થતાં બંને આરોપી નાસી છૂટ્યા હતાં. બાદમાં યુવકને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.