દેશભરમાં વિજળી મોંઘી થવાની શક્યતા, લોકસભામાં બિલ રજુ
- ચોમાસુ સત્ર ચાર દિવસ વહેલુ સમાપ્ત, સંસદની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત- કેન્દ્રનું વિજળી બિલ દેશ માટે ખતરનાક, ગરીબો પર બોજ વધશે, કંપનીઓ-સરકારને ફાયદો થશે : કેજરીવાલ- સત્રના અંતિમ દિને રાજ્સભાના અધ્યક્ષ પદેથી નાયડુને પીએમ મોદી, વિપક્ષના નેતાઓએ ભાવૂક વિદાય આપી- લોકસભામાં છ બિલ રજુ, સાત બિલ પસાર કરાયા વિપક્ષના વિરોધને પગલે વિજ બિલ કમિટી પાસે મોકલાયુંનવી દિલ્હી : એક તરફ પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યા છે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે. ત્યારે હવે આમ જનતાએ વિજળીના મોંઘા બિલ માટે પણ તૈયાર રહેવુ પડી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં એક એવુ બિલ રજુ કરાયું છે જે સસ્તી વિજળી આપતી કંપનીઓ અને રાજકીય પક્ષો પર લગામ લગાવશે. કેન્દ્રના આ બિલનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. સરકારની એવી દલીલ છે કે ઓછા ભાવે વિજળી આપવાથી સરકારને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સસ્તી વિજળી ચૂંટણીઓમાં પણ એક મહત્વનો મુદ્દો રહ્યો છે. હાલમાં જ પંજાબમાં આમ આદમી પાર્ટીએ સસ્તી વિજળીનું વચન આપ્યું હતું જેને પુરુ પણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેમાં પંજાબની જેમ સસ્તી વિજળીના વચનો રાજકીય પક્ષો આપી શકે છે. આ સ્થિતિ વચ્ચે આવી સસ્તી વિજળીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો લાવવા જઇ રહી છે. જે માટે એક બિલ તૈયાર કરાયું છે જેને લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. જોકે આ બિલનો વિરોધ થવા લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્રના આ બિલથી આમ નાગરિકોની મુશ્કેલીઓ વધશે, જ્યારે સરકાર અને કંપનીઓને ફાયદો થશે. સાથે જ વિજળી સપ્લાયમાં પણ આ બિલને કારણે અનેક અડચણો આવી શકે છે. સોમવારે આ બિલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું, જેનો વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો, પરીણામે લોકસભા અધ્યક્ષે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે વિપક્ષના વિરોધો પર ચર્ચા કરવા મોકલ્યું હતું. જ્યારે આ ચોમાસુ સત્ર દરમિયાન જે પણ બિલ પસાર કરાયા તેમાં બાયોમાસ, ઇથેનોલ અને ગ્રીન હાઇડ્રોજન જેવા વિજળી સ્ત્રોના ઉપયોગને ફરજિયાત કરનારા એક બિલને પસાર કરાયું હતું. બીજી તરફ સોમવારે સંસદમાં ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હતો કેમ કે સત્ર પુરુ થવાને ચાર દિવસ બાકી રહ્યા હતા તે પૂર્વે જ કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે અને આ ચોમાસુ સત્રને સોમવારે સમાપ્ત કરી દેવામાં આવ્યંુ હતું. ચોમાસુ સત્રની શરૂઆત ૧૮મી જુલાઇએ થઇ હતી, આ દરમિયાન લોકસભામાં કુલ છ બિલ રજુ કરવામાં આવ્યા હતા અને સાત બિલને મંજૂર કરાયા હતા. સોમવારે રાજ્યસભાના અધ્યક્ષ પદેથી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને વિદાય આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયડુની કામગીરી અને સેવાના વખાણ કર્યા હતા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ નાયડુનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા વિજળી નિયમોથી આ બદલાવો આવશે* નવા નિયમોના અમલ બાદ પૈસા વાળા ગ્રાહકો ખાનગી કંપનીઓને પ્રાથમિક્તા આપશે* સરકારી વિજ કંપનીઓ સબ્સિડીના આધારે વિજળીનો લાભ લેતા ગ્રાહકો પર ચાલશે.* એવામાં વિજળી ક્ષેત્રમાં ખાનગી કંપનીઓનું પ્રમાણ વધશે, સાથે વિજ ટેરિફ વધવાની શક્યતાઓ છે. * આ કાયદાના સુધારાથી રાજ્યોના વિજળી વિતરણ વેપારમાં ખાનગી કંપનીઓને ફાયદો થશે.* ખાનગી કંપનીઓ એવા ક્ષેત્ર અને સર્કલ પર વધુ ધ્યાન આપશે કે જ્યાં નફો વધુ છે. * જોકે જે વિસ્તારમાં નફાની શક્યતા ઓછી હોય ત્યાં વિજળી વિતરણ સંકટ પેદા થવાની ભીતિ છે. * ખાનગી કંપનીઓને પોતાની રીતે વિજળીના ભાવ નક્કી કરવાની છૂટ મળી જશે તેથી વિજળી મોંઘી થવાની શક્યતાઓ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.