ચૂંટણીપંચે મતદાર ફોર્મમાં સુધારો કર્યો,આ તારીખે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
અમદાવાદ,તા. 8 ઓગસ્ટ 2022, સોમવારમુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ ફોર્મમાં સુધારો કરી વધુ સરળ બનાવવામાં આવ્યાછે. મતદાર (Voter) તરીકેની લાયકાતની વર્ષમાં ચાર તારીખોના કારણે તા.1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિ રહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા કેટલાક સુધારાઓનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે.મતદાર તરીકે નામ દાખલ કરાવવુભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સંબંધિત કાયદા અને નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા દ્વારા હવે મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધાવવા કે સુધારા-વધારા કરાવવાનું સરળ થયું છે. સૌથી મહત્વનો સુધારો યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સબંધિત છે.મતદાર નોંધણી નિયમ, ૧૯૬૦ તેમજ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ ૧૪(બી) માં સુધારો કરવામાં આવતા હવે ૧લી ઓકટોબર સુધીમાં જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ આગામી ખાસ સંક્ષિપ્ત સુધારણા -ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે.આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૭મી જૂન, ૨૦૨૨ના જાહેરનામાથી મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ના નિયમ ૧૪, ૧૫ અને ૧૬માં સુધારા દ્વારા ફોર્મ નં. ૧, ૨, ૨(ક), ૩, ૬, ૭, ૮, ૧૧, ૧૧(ક), ૧૮ અને ૧૯ માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જે ૧લી ઓગષ્ટ, ૨૦૨૨થી અમલમાં આવ્યા છે.જે પૈકી સુધારવામાં આવેલ ફોર્મ-૬ માત્ર મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે. સાથે જ અનાથ નાગરિકના કિસ્સામાં કાયદેસરના વાલી અને ત્રીજી જાતિના કિસ્સામાં ગુરૂની વિગતો પણ સબંધની વિગતોના કોલમમાં આપી શકાશે તથા દિવ્યાંગ મતદારો દિવ્યાંગતાની વિગતોના પ્રમાણપત્ર સાથે તેનો ફોર્મ-૬માં ઉલ્લેખ કરી શકશે. અગાઉ સ્થળાતરથી અન્ય વિધાનસભા મતવિભાગમાં જતા મતદારો માટે પણ ફોર્મ-૬નો ઉપયોગ થતો હતો તે જોગવાઈ હવે દૂર કરવામાં આવી છે.બિન નિવાસી ભારતીયોબિન નિવાસી ભારતીયો કે જે ભારતના નાગરિક છે પરંતુ શિક્ષણ કે રોજગારના હેતુઓ માટે ભારતની બહાર વસવાટ કરે છે તેઓ ફોર્મ-૬(ક) ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે, જે જોગવાઈ યથાવત રાખવામાં આવી છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મતદારયાદીમાં નોંધાયેલ નામની સામે આધાર નંબરની વિગતો પૂરી પાડવા એટલે કે, મતદાર ઓળખપત્રને આધાર નંબર સાથે લિંક કરાવવા ફોર્મ-૬(ખ) ભરી શકાશે.હાલની મતદારયાદીમાં નોંધાયેલા નામ કે નામ નોંધણીની અરજી સામે વાંધો ઉઠાવવા માટે તથા મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-7નો ઉપયોગ કરવાનો રહેશે. જેના નામ કે અરજીની સામે વાંધો ઉઠાવવાનો હોય તેની વિગતો રજૂ કરવાના કોલમમાં સુધારેલા ફોર્મમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. ફોર્મ-7ની તે સિવાયની બાબતો યથાવત રાખવામાં આવી છે.વાંધા અરજીઓ 12 ઓગસ્ટના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિની સાથે જ 12 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બર દરમ્યાન મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. આ અરજીઓનો તા. 26 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે અને તા.10 ઓક્ટોબર ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. હેલ્પલાઈન નંબર અને ઓનલાઇન અરજી નોંધાયેલા મતદારો Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter's Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://www.nvsp.in ના માધ્યમથી તથા સબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી ખાતેથી મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તે ચકાસી શકશે. હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને પણ મતદાર યાદીમાં નામ છે કે નહી તે જાણી શકશે. કયા કયા દિવસે છે મતદાર સુધારણા કાર્યક્રમ? મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની સુચના અનુસાર રાજ્યભરમાં તા.21,28 ઓગસ્ટ અને 4 અને 11 સપ્ટેમ્બર સળંગ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ ના સહકારથી મતદારયાદીના મુસદાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઓફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter's Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://www.nvsp.in ના માધ્યમથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.