EDITOR’S VIEW: કાશ્મીરીઓને PMની ગેરંટી:પહેલા તબક્કાનું મતદાન જોઈ પાકિસ્તાનના પેટમાં ફાળ પડી, મોદીએ જમ્મુમાંથી જ વિપક્ષને સંભળાવી દીધું, સિંધુ જળ સંધિને લઈને ભારતનો મોટો દાવો
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પાકિસ્તાનની ચંચૂપાત; મોદીએ જમ્મુમાંથી જ પાડોશી દેશને સંભળાવી દીધું જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં હવે પાકિસ્તાનને રસ પડ્યો છે. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફે જમ્મુ-કાશ્મીરની કલમ 370 પર આપેલા નિવેદનથી વિવાદ થઈ ગયો છે. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં ફરી કલમ 370 અને 35એ લાગૂ કરવા માગે છે, તે જ અમારી પણ ડિમાન્ડ છે. પાકિસ્તાન ઈચ્છે છે કે, કાશ્મીરમાં ફરી કલમ 370 લાગૂ કરવી જોઈએ. આ નિવેદનનો જવાબ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપ્યો છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો જમ્મુના કટરાથી જ પાકિસ્તાનને સંભળાવી દીધું છે કે, દુનિયાની કોઈ તાકાત કાશ્મીરમાં કલમ 370 ફરી લાગૂ નહીં કરી શકે. 370 કલમ ફરી લાગૂ કરવાની વાત કરનાર રાહુલ ગાંધી પર પણ મોદીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો કે, મોહબ્બતની દુકાનના નામે નફરતનો સામાન વેંચવાની કોંગ્રેસની જૂની રીત છે. નમસ્કાર, કાશ્મીર પર પાકિસ્તાન સતત બોલતું આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે પાકિસ્તાન ઈચ્છતું નથી. જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન શાંતિથી પૂરું થયું ને બહુ સારું મતદાન થયું તેનાથી પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે. ચૂંટણી સમયે જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે વિવાદિત નિવેદન કરતાં ભારતે પણ જવાબ આપી દીધો છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનને જવાબ આપ્યો કે, અમે પાકિસ્તાનમાં રહેતા નથી. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને પાકિસ્તાન સાથે શું લેવા-દેવા છે? પાકિસ્તાન પહેલાં પોતાનું ધ્યાન રાખે. શું છે આખો વિવાદ? પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝને ઈન્ટરવ્યૂ આપ્યો. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે મંત્રી ખ્વાજાને પૂછ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કલમ 370 અને 35એ લાગૂ કરવા પર એકમત છે. તમે આ મુદ્દે શું કહેશો? તો તેમણે કહ્યું, પાકિસ્તાનની પણ આ જ ડિમાન્ડ છે કે ત્યાં કલમ 370 ફરીથી લાગૂ થાય. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે જો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો કલમ 370 પાછી આવી શકે છે. ખ્વાજાએ કહ્યું- હાલમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનો ત્યાં ઘણો દબદબો છે. ખીણની વસ્તી આ મુદ્દે સંવેદનશીલ છે અને સંભવતઃ નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવે તેવી સંભાવના છે. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે આવી વાત કરીને ભારતને છંછેડવાનો પ્રયાસ કર્યો છે. મોદીએ કટરાની સભામાં કહ્યું, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની પોલ ખુદ પાકિસ્તાને ખોલી નાખી જમ્મુના કટરામાં ચૂંટણી સભા સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરને જમ્મુથી જ જડબાંતોડ જવાબ આપી દીધો છે. મોદીએ કહ્યું, જમ્મુ-કાશમીરની પ્રજાએ સાવધાન રહેવાનું છે અને સતર્ક રહેવાનું છે. તમે કોંગ્રેસને આપેલા વોટથી અહીંયા NC (નેશનલ કોન્ફરન્સ) અને પીડીપીના મેનિફેસ્ટોને લાગૂ કરાશે. એ લોકો કહે છે કે, 370 કલમને પાછી લાવશે. તે ખૂનખરાબાના એ જૂના જમાનાને પાછો લાવવા માગે છે. કોંગ્રેસ-NC ને લઈને જમ્મુ-કાશ્મીરમાં ભલે ઉત્સાહ ન હોય પણ પાડોશી દેશ આને લઈને ભારે ઉત્સાહમાં છે. અહીંયા તો એને કોઈ પૂછવાવાળું છે નહીં પણ ત્યાં તેને પૂછવામાં આવે છે. પાકિસ્તાનમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સના ગઠબંધનની બલ્લે-બલ્લે થઈ રહી છે. આ લોકોના ચૂંટણી ઢંઢેરાથી પાકિસ્તાન બહુ ખુશ છે. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું ખુલીને સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે, આર્ટીકલ 370 અને કલમ 35-એને લઈને કોંગ્રેસનો એજન્ડા એ જ છે જે પાકિસ્તાનનો એજન્ડા છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની પોલ ખુદ પાકિસ્તાને ખોલી નાંખી છે. એટલે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ અહીંયા પાકિસ્તાનનો એજન્ડા લાગૂ કરવા માગે છે. પાકિસ્તાનના જે એજન્ડાએ જમ્મુ-કાશ્મીરની પેઢીઓ બદબાદ કરી, લોહી વહાવ્યું... એ જ લોકો ફરી લાગૂ કરવા માગે છે. દાયકાઓ સુધી કોંગ્રેસ-એનસીએ એ જ કામ કર્યું જે આતંકના આકા પાકિસ્તાનને અનુરૂપ હોય. આજે પણ આતંકના આકા એ જ એજન્ડાને લાગૂ કરવા માગે છે. મોદીએ કહ્યું, કોંગ્રેસની વિચારધારા બીજા ધર્મ અને બીજા દેશમાંથી ઈમ્પોર્ટ કરેલી છે વડાપ્રધાને સભામાં કહ્યું કે, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપીના ત્રણ ખાનદાનોએ આ ક્ષેત્રને વર્ષો સુધી ઘા આપ્યા. તેની રાજનીતિની વિરાસતનો સૂર્ય અસ્ત કરવો પડશે. કોંગ્રેસનો શાહી પરિવાર છે. તેના વારસે હાલમાં વિદેશમાં જઈને કહ્યું કે, આપણા દેવી દેવતા ભગવાન નથી. હિન્દુ ધર્મમાં ગામેગામ દેવી-દેવતાઓને પૂજવાની પરંપરા છે. કોંગ્રેસવાળા કહે છે, દેવતા-ભગવાન હોતા જ નથી. કોંગ્રેસના લોકો આવી વાતો ભૂલથી નથી બોલતા. આ ષડયંત્ર છે. આ બીજા ધર્મ અને બીજા દેશથી ઈમ્પોર્ટ કરેલી વિચારધારા છે. કોંગ્રેસ પર નક્સલી વિચારધારાનો કબજો થઈ ગયો છે. એટલે તમારે આ લોકોથી સાવધાન રહેવું જરૂરી છે. કોંગ્રેસનો શાહી પરિવાર ભારતમાં ભ્રષ્ટાચારની કુરીતિનો જન્મદાતા છે અને પોષક પણ છે. મોહબ્બતની દુકાનના નામે નફરતનો સામાન વેંચવાની તેની જૂની રીત છે. આને વોટબેન્ક સિવાય કાંઈ દેખાતું નથી. દુનિયાની કોઈ તાકાત જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 પાછી નહીં લાવી શકે: મોદીનો હુંકાર કટરાની સભામાં વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી અહીંયા યુવાનોનું ભલું નહીં કરી શકે. તેમણે યુવાનોને બદબાદ કર્યા છે. તેણે કાશ્મીરમાં લગાવેલી આગની જ્વાળાથી જમ્મુને પણ દઝાડ્યું છે. તેનો ફાયદો સીમા પાર બેઠેલા દુશ્મન દેશે ઉઠાવ્યો. જ્યારથી આર્ટીકલ 370ની દીવાલ તૂટી છે ત્યારથી આતંક અને અલગાવ અહીં સતત નબળાં પડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પૂરી રીતે આતંકથી મુક્ત થઈને રહેશે. ભાજપે આતંકવાદ પર વ્હાઈટ પેપર લાવવાની વાત કરી છે. મોદી આજે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સને ડંકે કી ચોટ પર કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગૂ નહીં થવા દઈએ. દુનિયાની કોઈ તાકાત જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 પાછી નહીં લાવી શકે. અમે જમ્મુ-કાશ્મીરને અમે ફરીથી રાજ્ય બનાવશું. અમિત શાહે પાકિસ્તાનના મંત્રીને શું જવાબ આપ્યો? ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શાહે આગળ લખ્યું કે, ભલે તે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે કે ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવાની હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સૂર હંમેશા એક જ રહ્યા છે. કોંગ્રેસ હંમેશા દેશ વિરોધી તાકાતો સાથે રહી છે. કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે. એટલે કાશ્મીરમાં કલમ 370 પાછી નહીં આવે અને આતંકવાદ પણ પાછો નહીં આવે. રાહુલ ગાંધીએ કાશ્મીરમાં શું કહ્યું હતું? બરાબર એક મહિના પહેલાં રાહુલ ગાંધી કાશ્મીરમાં હતા અને ત્યાં તેમણે સભા સંબોધન કરી હતી અને પછી કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. રાહુલ ગાંધીએ કાશ્મીરમાં કહેલું કે, NC અને PDPના ઢંઢેરામાં કલમ 370નો ઉલ્લેખ, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નહીં કાશ્મીરની બે લોકલ પાર્ટી ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મહેબૂબા મુફતીની પાર્ટી પીડીપીએ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પહેલાં ઢંઢેરો જાહેર કર્યો તેમાં કલમ 370 ફરી લાગૂ કરવાનો ઉલ્લેખ છે. પણ કોંગ્રેસે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો તેમાં કલમ 370નો કોઈ ઉલ્લેખ નથી. હા, કોંગ્રેસના ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરને અલગ રાજ્યની વાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં 24 સીટ પર 60 ટકા જેટલું મતદાન થયું 2019માં કલમ 370 હટાવ્યા બાદ આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા મતવિસ્તાર છે. પહેલા તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે પૂરું થઈ ગયું. પહેલા તબક્કામાં 24 સીટ પર મતદાન થયું, જેમાં 16 સીટ કાશ્મીરની હતી અને 8 સીટ જમ્મુની હતી. બીજા તબક્કાનું મતદાન હવે 25 સપ્ટેમ્બરે છે. પહેલા તબક્કામાં અંદાજે 60 ટકા જેટલું મતદાન થયું છે. જમ્મુ-કાશ્મીર માટે આ બહુ સારો આંકડો કહેવાય. છેલ્લે, કટરાની સભામાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારે તો આપણા હક્કનું પાણી સીમા પાર જવા દીધું. આ વાત એવી છે કે, જવાહરલાલ નહેરૂના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (ઈન્ડસ વોટર ટ્રીટી) થઈ હતી. સંધિ મુજબ પાકિસ્તાનને કાશ્મીરની ત્રણ નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનું 80 ટકા પાણી મેળવવાની છૂટ છે. તો ભારતને સતલજ,બિયાસ અને રાવી નદીનું માત્ર 20 ટકા પાણી વાપરવાનો અધિકાર છે. હવે ભારતે સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનને 30 ઓગસ્ટે નોટિસ મોકલીને નાક દબાવ્યું છે. નોટિસમાં ભારતે જણાવ્યું છે કે, સંધિના અનુચ્છેદ X।। (3) મુજબ સમયાંતરે બદલાવ કરવાનો હોય છે. અમારે એ બદલાવ કરવો છે. બની શકે કે, ભારત સંધિ જ ખતમ કરી નાખે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ: યશપાલ બક્ષી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.