સસ્તુ સોનુ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરનાર પોલીસનો આઉટ સોર્સિંગ ડ્રાઇવર સહિત છ ની ધરપકડ
જાગનાથ પ્લોટ નજીક આવેલ આલાભાઈના ભઠ્ઠા પાસે ચાની હોટલ ચલાવતા યુવકને સસ્તામાં સોનુ અપાવી દેવાની લાલચ આપી રૂ.6 લાખની છેતરપિંડી આચરનાર ટોળકી સામે પોલીસે ગૂનો નોંધી પોલીસનો આઉટ સોર્સિંગ ડ્રાઇવર સહિત છ આરોપીઓની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે માર્કેટિંગ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા મયાભાઈ ઉર્ફે લખો દેવાભાઈ ગમારા (ઉ.વ.27) નામના યુવકે ફરીયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે મુનાફ, આસીફ, રક કારચાલક સહિત અજાણ્યા શખસોના નામ આપ્યા હતા. ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જાગનાથ પ્લોટ નજીક આવેલ આલાભાઈના ભઠા પાસે ચાની હોટલ ચલાવે છે. તેની હોટેલે મુનાફ નામનો શખ્સ ચા પીવા આવતો હોય જેથી પરિચયમાં હોય તેને સસ્તા ભાવે સોનુ ખરીદવાની વાત કરી હતી.
જેથી તેના લગ્ન હોય તેના મોટાભાઈને સસ્તામાં સોનાના બિસ્કિટ ખરીદવા અંગે વાતચીત કર્યા બાદ મુનાફ અને આસીફને મળ્યા હતા અને તેને કસ્ટમમાંથી સોનાના બિસ્કીટ સસ્તા ભાવે આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી ફરીયાદી મૈયાના લગ્ન હોય દાગીના બનાવવા માટે બે બિસ્કીટ લેવાની વાત કરી હતી. જેના એડવાન્સ પેટે રૂ.50 હજાર આસીફને આપ્યા હતા.
દરમીયાન આઠેક દિવસ પહેલા મુનાફે ફોન કર્યો હતો અને સામેની પાર્ટી સોનુ લઈને આવે છે તમે રૂ.પ.૫૦ લાખ તૈયાર રાખજો દરમીયાન ગઈ તા.1ના રોજ સાંજે વિરાણી ચોકમાં બોલાવ્યો હતો. ત્યાંથી રીક્ષામાં બેસી કોઠારીયા નાકા પાસે ગયા હતા જેમાં તેને સામેની પાર્ટી સિટીમાં નહીં આવે આપણે માધાપર ચોકડી પાસે જવું પડશે રૂપિયા મંગાવી લો જેથી તેને રૂપિયા મંગાવી માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રોડની સામે ઉભા હતા ત્યાં અજાણ્યો કારચાલક સામેની સાઈડમાં આવ્યો હતો.
આસીફભાઈએ રૂપિયા લઈ પાર્ટીને આપવા જવાનું કહી ગયા બાદ તે સમયે પોલીસની પીસીઆર વાન અચાનક આવી જતા આસીફ તે પીસીઆર વાનમાં બેસી નાસી ગયા બાદ તેને ફોન કરીને કહેલ કે, પોલીસે પકડી લીધા છે અને તમારો ફોન પણ બંધ કરી દેજો કહી નાસી ગયાનું જણાવતા તેની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડ્યું હતું.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરીપરાની રાહબરીમાં પીએસઆઈ જી.એન.વાઘેલા અને ટીમે તપાસ હાથ ધરી એક સાયબર ક્રાઇમના પીસીઆર વાનમાં આઉટ સોર્સીગથી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં શખ્સ સહીત છ શખસોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
સસ્તા સોનાની લાલચે ચાની હોટેલના સંચાલક સાથે 6 લાખની છેતરપીંડી આચરનાર ટોળકી ઝડપી લીધી હતી.આ મામલે આ ટોળકીના છ સભ્યોમાંથી એક શખ્સ સાયબર પોલીસમાં પીસીઆર વેન ચલાવતો હોવાનું સામે આવતા જ સાયબર પોલીસની એક ટુકડી પોલીસ મથકે ભલામણ માટે પહોંચી ગઈ હતી. જોકે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે,પીસીઆર વેનનો ચાલક પણ આ ગેંગ સાથે કાવતરામાં સંડોવાયેલો હોય આ ગુન્હામાં તેમનો રોલ નબળો પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી હતી.
થોડાં સમય પહેલાં પરાબજારમાં વોરા બંધુ સાથે પણ આ જ મોડ્સ ઓપરેન્ડીથી સોનાના સિક્કા સસ્તા ભાવે અપાવી દેવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી થઈ હતી. ત્યારે ગઈકાલે એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીના ગુનામાં પકડેલ આરોપીઓની તપાસમાં વોરા બંધુ સાથે થયેલ છેતરપીંડીના ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શકયતા છે.
જાગનાથ પ્લોટમાં ચાની હોટલ ચલાવતાં યુવકને સસ્તા સોનાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડીના ગુનામાં એક સાયબર ક્રાઇમમાં આઉટ સોર્સિંગથી કામ કરતાં ડ્રાઇવર અશોકસિંહ જાડેજાનું પણ નામ ખુલ્યું છે. જે બનાવ વખતે ટોળકી સાથે મળી પોતે પીસીઆર વાન લઈ દોડી ગયો હતો. પીસીઆર વાન છેતરપીંડીમાં વાપરવાની છૂટ કોઈ અધિકારીએ આપી કે સ્ટાફને અંધારામાં રાખી પોલીસ વાનનો ઉપયોગ કર્યો છે તે પણ તપાસનો વિષય બની રહેશે. પરંતુ કોઈ અંદરના અધિકારી કે સ્ટાફના છુટા દોર વગર તે વાન લઈ ક્રાઇમ કરી ન શકે તે પણ એક ચર્ચાતો સવાલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.