જામનગર રોડ પર રામલક્ષ્મણ આશ્રમમાંથી રૂા.7 લાખ રોકડની ચોરી
જામનગર રોડ પર યોગીપાર્કમાં આવેલ રામલક્ષ્મણ આશ્રમમાં ત્રાટકેલા તસ્કરોએ મહંતના રૂમમાંથી કબાટનો લોકર તોડી તેમાં રાખેલ રોકડ રૂા.7 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ જતા ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં ચોરી કરનાર જુનાગઢની ત્રિપુટીને દબોચી લીધી હતી. બનાવ અંગે જામનગર રોડ પર યોગી પાર્કમાં રવિ વિદ્યાલયની બાજુમાં આવેલ રામ-લક્ષ્મણ આશ્રમના મહંત રાઘવદાસ ગુરુદીનદયાલ દાસ (ઉ.52) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે જેઓ વર્ષ 2004થી છેલ્લા 20 વર્ષથી રામલક્ષ્મણ આશ્રમના મહંત તરીકે જવાબદારી સંભાળે છે અને આ આશ્રમમાં એક અન્ય બાપુ રામદાસ બાપુ છે જે આશ્રમમાં પુજારી તરીકે સેવા આપે છે. તેમજ બીજા અન્ય ચાર છોકરાઓ પણ આશ્રમમાં સેવા આપી ત્યાં આશ્રમમાં જ રહે છે તેમ આશ્રમના કુલ છ લોકો સાથે રહે છે. ગઈ તા.19-12-23ના તેઓ ટ્રેન મારફતે રામેશ્વર તથા દ.ભારતમાં જાત્રા કરવા માટે ગયેલ હતા અને અન્ય પાંચ સેવકો આશ્રમમાં જ હાજર હતા.
ગઈકાલે તેઓ મોડીરાતના જાત્રા પુરી કરી આશ્રમ ખાતે આવેલ હતા. આશ્રમની અંદર તેમના રૂમના દરવાજાનું તાળુ ખોલી અંદર ગયેલ તો તેમાં રાખેલ સરસામાન અને રૂમમાં આવેલ કબાટ ખુલ્લો હતો. કબાટના દરવાજાનો લોક તૂટેલ જોવામાં આવતા તેમાં રાખેલ રોકડા રૂા.7 લાખ અંગે તપાસ હાથ ધરતા તેમાં રોકડ રૂપિયા જોવામાં ન આવતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું તેમજ કબાટમાંથી કે રૂમમાંથી અન્ય કોઈ વસ્તુ ગયેલ ન હતી.
તેમજ રૂમની દિવાલ પર આવેલ સીમેન્ટની બારી તૂટેલી હાલતમાં જોવા મળતા ચોરી બાબતે આશ્રમમાં રહેતા અન્ય માણસોને બોલાવી બનાવની જાણ કરી તેમની પુછપરછ કરતા ચોરી બાબતે તેઓ કંઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. જેથી આશ્રમમાં આવેલ રૂમની બારી તોડી અજાણ્યા શખ્સો કબાટના લોકરમાંથી રૂા.7 લાખ રોકડની ચોરી કરી નાસી છુટયા હતા.
બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી પીઆઈ એમ.જી.વસાવાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી જુનાગઢના ત્રણ શખ્સોને દબોચી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.