વિંછીયામાં ગટુરભાઇ રાજપરાને પતાવી દેનાર પત્‍ની અને પુત્રની ધરપકડ - At This Time

વિંછીયામાં ગટુરભાઇ રાજપરાને પતાવી દેનાર પત્‍ની અને પુત્રની ધરપકડ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયામાં કામ કરવા બાબતે થયેલ ઝઘડામાં પતિને પતાવી દેનાર પત્‍ની અને પુત્રની પોલીસે ધરપકડ કરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયામાં બોટાદ રોડ ઉપર શિવાજીપરામાં રહેતા ગટુરભાઇ રાજપરા (ઉ.૬૮) ગઇકાલે વાડીએ હતા ત્‍યારે કામ કરવા બાબતે ઝઘડો થતાં પત્‍ની પંખુબેન અને પુત્ર સંજય ઉશ્‍કેરાઇ જઇ ઢોરમાર મારતા તેનું મોત નિપજ્‍યું હતું. મૃતકને વિંછીયા હોસ્‍પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આ સમયે પત્‍ની અને પુત્રએ મૃતક ગટુરભાઇ દારૂ પીને આવ્‍યા બાદ નિંદ્રાધીન અવસ્‍થામાં જ મોત નિપજ્‍યાની સ્‍ટોરી કહી હતી પરંતુ ગામમાં જ ભત્રીજા વિજયને શંકા જતા વિંછીયા પોલીસે મૃતકનું રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં ફોરેન્‍સીક પી.એમ. કરાવતા પી.એમ. રીપોર્ટમાં મુંઢમારની ઇજાના કારણે મોત થયાનો અભિપ્રાય આવતા પોલીસે મૃતકના ભત્રીજા વિજયને ફરીયાદી બનાવી પત્‍ની અને પુત્ર સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી બંનેને સકંજામાં લઇ લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ મૃતક ગટુભાઇ કોઇ કામધંધો કરતા ન હોય આ મુદ્દે અવાર-નવાર પત્‍ની અને પુત્ર સાથે ઝઘડો થતો હતો. ગઇકાલે આ બાબતે ઝઘડો થતાં પત્‍ની અને પુત્રએ ઉશ્‍કેરાઇ જઇ ઢોર માર મારી ઢિમ ઢાળી દીધું હતું. વિંછીયાના પી.એસ.આઇ. ઇન્‍દ્રજીતસિંહ સરવૈયા તથા સ્‍ટાફે હત્‍યા કરનાર પત્‍ની પંખુબેન અને પુત્ર સંજયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.