કોમનવેલ્થ ગેમ્સ : કુસ્તીમાં ભારતની ગોલ્ડન હેટ્રિક : દીપક-બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ગોલ્ડ જીત્યા
બર્મિંગહામ, તા.૫કુસ્તીમાં
ભારતીય પહેલવાનોએ પહેલા જ દિવસે કમાલ કરતાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે
એક જ દિવસમાં ગોલ્ડન હેટ્રિક પૂર્ણ કરી હતી. ભારતને બજરંગ પુનિયા, દીપક પુનિયા અને
સાક્ષી મલિકે ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. જ્યારે ભારતની અંશુ
મલિક ફાઈનલમાં હારી જતાં સિલ્વર મેડલ જીતી હતી.જ્યારે
બજરંગ પુનિયાએ ચાર વર્ષ પહેલા ગોલ્ડ કોસ્ટમાં જીતેલો ગોલ્ડ મેડલ બર્મિંગહામમાં
જાળવી રાખ્યો હતો. બજરંગે ફાઈનલમાં કેનેડાના મેક્નેલીને ૯-૨થી હરાવ્યો હતો.ભારતના દીપક પુનિયાએ ૮૬ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં પાકિસ્તાનના મોહમ્મદ ઈનામને ૩-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતને
૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનારી સાક્ષી મલિકે પણ બર્મિંગહામ
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે ૬૨ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં
કેનેડાની ગોડીનેઝને ધોબી પછાડ આપતાં જીત હાંસલ કરી હતી. એક તબક્કે સાક્ષી ૦-૪થી
પાછળ ફેંકાઈ હતી. જોકે તેણે જબરજસ્ત પુનરાગમન કરતાં ૪-૪થી સ્કોર બરોબર કર્યો હતો
અને હરિફને પટકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની
અંશુ મલિકે શાનદાર દેખાવ કરતાં ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
જોકે તે નાઈજીરિયાની એડેકુરોયે સામે ૩-૭થી હારી ગઈ હતી. આ સાથે તેને સિલ્વરથી
સંતોષ માનવો પડયો હતો. દિવ્યા
કાકરાને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તેણે ૬૮ કિગ્રા વજન વર્ગમાં ક્વાર્ટર
ફાઈનલમાં હાર્યા બાદ રિપેચાર્જ ઈવેન્ટમાં નોંધપાત્ર દેખાવ સાથે બ્રોન્ઝ મેડલ
મેચમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેણે ટોંગાની કૂકેર-લેમાલીને ૨-૦થી હરાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.