ચૂંટણીકાર્ડ મુદ્દે પાકિસ્તાની શરણાર્થીઓ સામે ફરિયાદ નોંધવા સીઓનો પોલીસને પત્ર
મહેસાણા,
તા.14મહેસાણામાં પાકિસ્તાની શરણાર્થીઓએ ચૂંટણી કાર્ડ અને
રેશનકાર્ડ કઢાવી લેવાના ચકચારી કૌભાંડ મામલે નવો વળાંક આવ્યો છે. પ્રાંત અધિકારીએ
ખોટો એકરાર કરવા બદલ કાર્યવાહી કરવાનો મહેસાણા ચીફ ઓફિસરને આદેશ કરતાં ચીફ ઓફિસરે
એ ડીવીઝન પોલીસને પત્ર લખીને પાકિસ્તાની શરણાર્થીઓ વિરૃદ્ધ ગુનો નોંધવા ભલામણ કરી
છે.
ભારતમાં લોંગ ટર્મ વીઝા ઉપર રહેતાં વિદેશી નાગરીકોના
આધારકાર્ડ, લાયસન્સ
અને પાનકાર્ડ કાઢી શકાય છે. પરંતુ,
ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ કાઢી શકાતા નથી. મહેસાણા શહેરને અડીને આવેલા
ઈન્દીરાનગરમાં રહેતા પાકિસ્તાની શરણાર્થીઓએ ચૂંટણી કાર્ડ કઢાવી લેવાનો મામલો બહાર
આવતાં ખળભળાટ મચી ગયો હતો. એસઓજીએ તપાસ શરૃ કરીને
શાળાના પ્રિન્સિપાલ,
તલાટી, સેક્ટર
અધિકારીના નિવેદન લઈને જવાબદાર અધિકારીઓના નિવેદન લેવાની પ્રક્રીયા શરૃ કરી હતી.
તેવામાં પ્રાંત અધિકારીએ મહેસાણા ચીફ ઓફિસરને મદદનીશ મતદાર નોંધણી અધિકારીના
હોદ્દાની રૃએ પાકિસ્તાની શરણાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસને પત્ર લખવા આદેશ
કર્યો હતો. તેના પગલે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે એ ડીવીઝન પોલીસને પત્ર લખીને ચૂંટણી
કાર્ડ કઢાવવા મામલે પાકિસ્તાની શરણાર્થીઓ સામે ગુનો નોંધવા ભલામણ કરી છે. ચૂંટણી
કાર્ડ કઢાવવા માટેના ફોર્મ નંબર-૬ માં ભારત સરકારનો નાગરીક છું તેવો એકરાર કરવામાં
આવતો હોય છે. જે પાકિસ્તાની શરણાર્થીઓએ ખોટો એકરાર કરેલો હોવાથી કાર્યવાહી કરવા
મતદાર નોંધણી અધિકારી પ્રાંત અધિકારીએ આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, લોકપ્રતિનિધિત્વ
અધિનિયમ ૧૯૫૦ મુજબ ખોટો એકરાર કરવા બદલ તેમની સામે ફરિયાદ દાખલ કરવા પ્રાંત
અધિકારીએ ચીફ ઓફિસરને અધિકૃત કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.