વડોદરા કોર્પોરેશને મોડે મોડેથી કોર્પોરેટરોને રાષ્ટ્રધ્વજ આપતા વિવાદ
વડોદરા, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારવડોદરા શહેરમાં એક બાજુ હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો બીજી બાજુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોડે મોડેથી કોર્પોરેટરોને રાષ્ટ્રધ્વજ આપવા નો નિર્ણય કરવામાં આવતા ફરી એક વખત કોર્પોરેટરનું માન સન્માન જળવાયુ નથી તેવી ચર્ચા કોર્પોરેટરોમાં શરૂ થઈ છે.વડોદરા શહેરમાં ઘર ઘર તિરંગા અભિયાન ને સફળ બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું તંત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ રીતે આયોજનો કરવામાં આવી રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓને વિના મૂલ્ય રાષ્ટ્રધ્વજ નો જથ્થો આપવામાં આવ્યો અને તે કાર્યકરો દ્વારા ઘરે-ઘરે તિરંગા વિનામૂલ્ય વેચવામાં આવ્યા હતા.એ જ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સુરતના એક વેપારી પાસેથી ત્રણથી સાડા ત્રણ લાખ રાષ્ટ્રધ્વજ ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો પરંતુ પ્રારંભમાં માત્ર 50,000 જ રાષ્ટ્રધ્વજ કોર્પોરેશનને પ્રાપ્ત થયા હતા ત્યારબાદ દસ દિવસ પછી બીજા દોઢ લાખ જેટલા જથ્થો કોર્પોરેશનને મળ્યો હતો જેના વેચાણ માટે કોર્પોરેશન દ્વારા વોર્ડ દીઠ રાષ્ટ્રધ્વજ ના વેચાણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા.દરમિયાનમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો એ માંગણી પણ કરી હતી કે રાષ્ટ્રધ્વજ કોર્પોરેટર ને મળવા જોઈએ અને તેઓ તેમના વિસ્તારના આગેવાનો વેપારીઓ કે પ્રતિષ્ઠિત નાગરિકોને ઝંડા આપી શકે પરંતુ કોર્પોરેશનને આ અંગે કોઈપણ જાતનો નિર્ણય લીધો નહીં અને કોર્પોરેટરનું માન જાળવ્યું નહી આખરે મોડે મોડેથી કોર્પોરેશનને આજે એક કોર્પોરેટર દીઠ 200 નંગ રાષ્ટ્રધ્વજ આપવાનો નિર્ણય કર્યો હતો અને કોર્પોરેટરોને કોર્પોરેશનના નવા બજાર સ્થિત આવેલા સેન્ટ્રલ સ્ટોરમાંથી રાષ્ટ્રધ્વજ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી જેથી ભાજપના કોર્પોરેટરોમાં ફરી એકવાર નારાજગી પેદા થઈ છે.કોર્પોરેટરોમાં ચાલતી ચર્ચા પ્રમાણે પ્રધાનમંત્રી આવવાના હોય કે મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે તો કોર્પોરેટરનું કોઈ માન સન્માન જળવાતું નથી જ્યારે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ત્યારથી કોર્પોરેટરોને પણ રાષ્ટ્રધ્વજ નો જથ્થો આપવો જોઈએ કેવી માગણી કરવામાં આવતી હતી તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં અને મોડેથી આજે એક કોર્પોરેટર દીઠ 200 રાષ્ટ્રધ્વજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કોર્પોરેટરનું આ મુદ્દે પણ માન સન્માન જળવાયુ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.