કાશ્મીરમાં પહાડી પર હિન્દુ મુસ્લિમોએ ભેગા મળીને મૂર્તિઓ પહોંચાડી - At This Time

કાશ્મીરમાં પહાડી પર હિન્દુ મુસ્લિમોએ ભેગા મળીને મૂર્તિઓ પહોંચાડી


જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહમાં કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. દુર્ગમ પહાડીઓ પર ભગવાનની મૂર્તિઓ પહોંચાડવા માટે મુસ્લિમ સમુદાયે મદદ કરી હતી, એટલું જ નહીં, સ્થાનિક ગ્રામ પંચાયતના મુસ્લિમ સરપંચે રસ્તો પણ બાંધી આપ્યો હતો.જમ્મુ-કાશ્મીરના ભદ્રવાહમાં કોમી એકતાના દર્શન થયા હતા. હિન્દુ-મુસ્લિમો ભેગા થઈને કુર્સારી પહાડ પર જિર્ણોદ્ધાર પામેલા પ્રાચીન શિવમંદિર સુધી મૂર્તિઓ પહોંચાડી હતી. શિવ મંદિર કમિટીએ રાજસ્થાનથી ૫૦૦-૭૦૦ કિલો વજન ધરાવતી છ મૂર્તિઓ મંદિર માટે મંગાવી હતી, પરંતુ દુર્ગમ પહાડીઓમાં કાચા રસ્તાના કારણે આ મૂર્તિઓ પહોંચાડવાનું કામ કપરું બન્યું હતું. પહાડી ભદ્રવાહ-ડોડા હાઈવેથી ત્રણ કિલોમીટર દૂર થાય છે. આ સ્થિતિને પારખીને કુર્સારી ગ્રામ પંચાયતના સરપંચે ૪.૬ લાખનો ખર્ચ કરીને પહાડી સુધીનો રસ્તો બનાવી આપ્યો હતો. એ સિવાય ૫૦૦થી ૭૦૦ કિલોની છ મૂર્તિઓ પહોંચાડવાની જવાબદારી પણ ગામના લોકોએ ઉપાડી લીધી હતી. ૧૫૦ મુસ્લિમો અને હિન્દુઓએ ભેગા થઈને છ મૂર્તિઓ ખૂબ જ દુર્ગમ પહાડીઓ સુધી સાવધાનીપૂર્વક પહોંચાડી હતી.કુર્સારી ગ્રામ પંચાયતના સરપંચે કહ્યું હતું કે ચાર દિવસ સુધી બંને કોમના સ્વયંસેવકોએ કામ કર્યું હતું અને જિર્ણોદ્ધાર પામેલા મંદિર સુધી મૂર્તિઓ સહિતની બધી જ સામગ્રી પહોંચાડી દીધી હતી. આ આપણી સંસ્કૃતિ છે. આપણને એ વારસામાં મળી છે. એમાં ધર્મની માન્યતાઓ વચ્ચે લાવવી ન જોઈએ. એ પરંપરા જળવાય તે માટે બધાએ મળીને કામ કરવું જોઈએ.૯મી ઓગસ્ટે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે. મંદિર કમિટીએ કુર્સારી ગામના લોકોને પણ એમાં હાજર રહેવા ખાસ નિમંત્રણ પાઠવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.