કોમનવેલ્થ 2022 : પ્રિયંકા ગોસ્વામીએ 10KM રેસ વોકમાં ભારતને અપાવ્યો પ્રથમ મેડલ
અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવારકોમનવેલ્થ ગેમ્સ-2022માં વધુ એક ભારતીય ખેલાડીએ બાઝી મારી છે. બર્મિંઘમમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની 10,000 મીટર રેસ વોકમાં પ્રિયંકા ગોસ્વામીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે ફરી આજે એક નવો વિક્રમ સ્થાપ્યો છે અને રેસ વોકમાં કોમનવેલ્થમાં ભારતનો આ પ્રથમ મેડલ પ્રિયંકાએ દેશને અપાવ્યો છે. બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. પ્રિયંકાએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. પ્રિયંકાએ આ અંતર 49 મિનિટ 38 સેકન્ડમાં પુરૂં કર્યું હતુ.ભારતને નામે 27 મેડલ : પ્રિયંકાએ આજે જીતેલા સિલ્વર સહિત ભારતને 27 મેડલ મળ્યા છે, જેમાંથી ભારતીય ખેલાડીઓ 9 ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. હવે આજે એટલે કે 6 ઓગસ્ટે પણ ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે. આજે પણ ભારતના ખેલાડીઓ કુસ્તી અને બોક્સિંગમાં મેડલ જીતી શકે છે. આ સિવાય ક્રિકેટમાં ભારતીય મહિલા અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ થવાની છે. હોકીમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરવાની છે. પીવી સિંધુ પણ આજે બેડમિન્ટનમાં ભાગ લેવા જઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.