CNG માં એક વર્ષમાં 30 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો, વાહનચાલકો ત્રસ્ત
અમદાવાદ,તા.08 ઓગષ્ટ 2022, સોમવારઅમદાવાદમાં સીએનજી ગેસના ભાવ વધારાના મામલે રિક્ષા ચાલકો ભુખ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ગેસ સસ્તો પડે છે તેવી માનસિકતાથી સીએનજી વાહનો ખરીદનાર લોકો હાલ પસ્તાઇ રહ્યા છે. સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાના જણાવ્યા મુજબ અમદાવાદમાં બે લાખ રિક્ષા ચાલકો છે. તેઓ પર આ ભાવ વધારાની માઠી અસર થવા પામી છે. ઘરખર્ચ ચલાવવું, બાળકોનું ભણતર, દવાખાનાના ખર્ચા તેમજ બે ટાઇમ ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની છે. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પરિવારોની માઠી દશા બેઠી છે.સરકારે આ પરિવારો સાથે સંવેદના દાખવીને સીએનજી ગેસના ભાવ ઘટાડવા જોઇએ. રિક્ષા ચાલકોને સબસિડી આપવી જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારના વેરા ઘટાડવા જોઇએ તેવી માંગણી ઉઠી છે. આ મામલે યુનિયન દ્વારા કલેક્ટર, વાહનવ્યવહાર મંત્રી, મુખ્યમંત્રીને વારંવાર રજૂઆતો કરાઇ છે. આવેદનપત્રો પણ અપાયા છે છતાંય આજદીન સુધી કોઇ ભાવ ઘટાડો કરાયો નથી.ભાવ ઘટાડાની માંગણી સાથે મેમનગર ખાતે આવેલી યુનિયનની ઓફિસમાં ત્રણ આગેવાનો ૨૪ કલાકના પ્રતિકાત્મક ભુખ હડતાલ પર બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે. સીએનજી વાહનચાલકો માટે હવે ગેસ સસ્તો ન રહેતા તેઓએે વાહન લઇને ઘરની બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેમ છે.કઇ તારીખે ગેસમાં કેટલો ભાવ વધ્યો ?
તારીખ
ભાવ વધારો
નવો ભાવ
૧૭-૨-૨૧
૦.૯૫
૫૪.૬૨
૮-૭-૨૧
૦.૬૮
૫૫.૩૦
૬-૮-૨૧
૧.૦૦
૫૬.૩૦
૨-૧૦-૨૧
૨.૫૬
૫૮.૫૬
૬-૧૦-૨૧
૧.૩૦
૫૯.૮૬
૧૦-૧૦-૨૧
૧.૬૩
૬૧.૪૯
૧૮-૧૦-૨૧
૧.૫૦
૬૨.૯૯
૨-૧૧-૨૧
૨.૦૦
૬૪.૯૯
૫-૧૨-૨૧
૦.૭૫
૬૫.૭૪
૧૯-૧૨-૨૧
૧.૮૫
૬૭.૫૯
૧-૧-૨૨
૨.૫૦
૭૦.૦૯
૧-૩-૨૨
૧.૦૦
૭૧.૦૯
૧૦-૩-૨૨
૨.૦૦
૭૩.૦૯
૨૪-૩-૨૨
૧.૫૦
૭૪.૫૯
૧-૪-૨૨
૭.૦૦
૮૧.૫૯
૧૬-૪-૨૨
૧.૦૦
૮૨.૫૯
૩-૭-૨૨
૧.૩૧
૮૩.૯૦
૨-૮-૨૨
૧.૯૯
૮૫.૮૯
૪-૮-૨૨
૧.૯૯
૮૫.૮૯
૪-૮-૨૨
૧.૪૯
૮૭.૩૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.