કાશ્મીર-હિમાચલમાં વાદળ ફાટયું,મહારાષ્ટ્રમાં ચારના મોત
- રાજસ્થાનમાં ઓરેંજ, મુંબઇમાં રેડ એલર્ટ : ઉત્તરાખંડમાં ભુસ્ખલનથી બદરીનાથ હાઇવે બંધ, બે હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા- વાદળ ફાટવાથી અનેક મકાનો, દુકાનોને ભારે નુકસાન : વાહનો કિચડમાં દટાયા ભરાયા, હાઇવે બ્લોક થઇ ગયા, કોઇ જાનહાની નહીં- અમરનાથમાં ફસાયેલા 15 હજાર યાત્રાળુઓને હાઇટેક ગેજેટ્સ, ડ્રોન, હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરાયા- આસામના પૂરમાં 40 હજારથી વધુ મકાનો નાશ પામ્યા, મુખ્યમંત્રીએ કેન્દ્ર પાસે વધુ સહાયની માગ કરી- અમરનાથની ઘટના પાછળ વાદળ ફાટવુ નહીં પણ ભારે વરસાદની ઘટનાઓ જવાબદાર : હવામાન વિભાગનવી દિલ્હી : અમરનાથ બાદ જમ્મુ કાશ્મીરના ડોડા ગુંટી વન વિસ્તારમાં વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાને કારણે અનેક વાહનો માટીમાં દબાઇ ગયા હતા. જ્યારે હાઇવે બ્લોક થઇ ગયા છે. પૂરનું પાણી સૈન્ય કેમ્પમાં પણ ઘુસી ગયું હતું. પરોઢે ચાર વાગ્યે વાદળ ફાટયું હતું, જેને પગલે ભારે પૂર આવતા અફરા તફરી મચી ગઇ હતી. રોડ બ્લોક થઇ ગયા, દુકાનો અને મકાનોમાં કાદવ કિચડ ભરાઇ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. બીજી તરફ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયંુ છે. રાજસ્થાનમાં ઓરેંજ જ્યારે મુંબઇમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.દેશની આર્થિક રાજધાની તરીકે જાણીતા મુંબઇમાં આગામી ૨૪ કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં એનડીઆરએફની ટીમોએ ૨૫૪ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. જ્યારે ૧૪ મકાનો નાશ પામ્યા હતા. એનડીઆરએફની ૧૩ ટીમોને મહારાષ્ટ્રના સમુદ્રી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વરસાદની ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકો માર્યા ગયા છે. રાજસ્થાનમાં પણ ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યંુ છે. અત્યાર સુધી પડેલા વરસાદથી રાજસ્થાનમાં ૪૯૫ લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી ૯૦ લોકોને રેસ્ક્યૂ કરાયા છે જ્યારે ૯૦ લોકોને રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં બે મોટા પુરને કારણે ભારે નુકસાન થયું હતું. આ પુર ચાંબા અને કુલ્લુ જિલ્લામાં આવ્યા હતા. જોકે કોઇ જાનહાનીના અહેવાલો નથી પણ અનેક ગામડાઓેને તેને કારણે ભારે નુકસાન થયું છે. આશરે ૪૦થી ૫૦ પશુના મોતની શક્યતાઓ છે. અહીંના હુર્લા નલ્લાહમાં વાદળ ફાટયું હતું. જેનાથી અચાનક પુર આવ્યું હતું. જ્યારે ઉત્તરાખંડમાં અત્યંત ભારે વરસાદે તબાહી મચાવી છે. ભુસ્ખલનની ઘટનાને પગલે બદરીનાથ હાઇવે બંધ થઇ ગયો હતો જેથી બે હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા છે જેમને રેસ્ક્યૂ કરાઇ રહ્યા છે. અહીંના ચમોલી અને રુદ્રપ્રયાગમાં સ્થિતિ વધુ કફોડી છે. બીજી તરફ અમરનાથ પૂર અંગે સ્પષ્ટતા કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા સ્થળે વાદળ ફાટવાથી નહીં પણ અત્યંત ભારે વરસાદની ઘટનાઓ જવાબદાર હોઇ શકે છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાની સંખ્યા ૧૬એ પહોંચી ગઇ છે. જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ડ્રોન, હેલિકોપ્ટર, હાઇ-ટેક ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફસાયેલા ૧૫ હજાર યાત્રાળુઓને રેસ્ક્યૂ કરાયા હતા અને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. બીજી તરફ આસામમાં આવેલા પુરને કારણે ૩૦થી ૪૦ હજાર મકાનો નાશ પામ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગૃહપ્રધાન અમિત શાહની સાથે બેઠક યોજી હતી અને કેન્દ્ર તરફથી વધુ રાહત મોકલવા માટે વિનંતી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડયો હતો જ્યારે આગામી ૨૪ કલાકમાં અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓને પગલે ઓરેંજ એલર્ટ અપાયું હતું. હાલ અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.