ધો.5 અને 8માં નાપાસ વિદ્યાર્થીને ઉપર નહીં ચઢાવાય:શિક્ષણનો સ્તર ઘટતાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 મહિનામાં ફરી પરીક્ષા આપવી પડશે; 3,000થી વધુ શાળામાં લાગુ
5મા અને 8મા ધોરણની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને હવે ઉપર નહીં ચઢાવાય, એટલે કે પાસ નહીં કરાય. કેન્દ્ર સરકારે સોમવારે 'નો ડિટેન્શન પોલિસી' સમાપ્ત કરી દીધી છે. અગાઉ આ નિયમ હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજા વર્ગમાં બઢતી આપવામાં આવતી હતી. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન મુજબ નાપાસ થનારા વિદ્યાર્થીઓને 2 મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. જો તે ફરીથી નાપાસ થાય તો તેને પ્રમોટ નહીં કરાય, પરંતુ તેને આવતું વર્ષ પણ એ જ ધોરણમાં ભણવું પડશે. સરકારે એવી જોગવાઈ પણ ઉમેરી છે કે ધોરણ 8 સુધીનાં આવાં બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. નવી નીતિ વિશે 6 મોટી બાબત... 1. મફત અને ફરજિયાત બાળ શિક્ષણના અધિકારના નિયમો-2010માં સુધારો કરવા માટે ભાગ 5(A) ઉમેરવામાં આવ્યો છે. 2. પેટા-નિયમ 1 જણાવે છે કે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે, તો તેને પરિણામ જાહેર થયાના 2 મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. 3. પેટાનિયમ 2 મુજબ, જો વિદ્યાર્થી એમાં પણ નાપાસ થાય છે, તો તેને એ જ વર્ગમાં રોકવામાં આવશે. 4. આ સાથે જો જરૂર પડશે તો વર્ગ શિક્ષક વિદ્યાર્થીનાં માતાપિતા સાથે વાત કરશે અને વિશિષ્ટ ઇનપુટ આપશે. 5. પ્રિન્સિપાલ એવા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરશે, જેમને 5મા કે 8મા ધોરણમાંથી બઢતી આપવામાં આવી નથી અને તેઓ વ્યક્તિગત રીતે તેમની પ્રગતિ પર નજર રાખશે. 6. કોઈપણ વિદ્યાર્થી જ્યાં સુધી તેનું પાયાનું શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. 16 રાજ્યમાં નો-ડિટેન્શન પોલિસી પહેલાંથી જ અમલમાં છે
કેન્દ્ર સરકારની નવી નીતિથી કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ સહિત 3 હજારથી વધુ શાળાઓને અસર થશે. 16 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો (દિલ્હી અને પુડુચેરી) પહેલેથી જ નો-ડિટેન્શન પોલિસી નાબૂદ કરી ચૂક્યા છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શાળા શિક્ષણ રાજ્યનો વિષય છે, તેથી રાજ્યો આ અંગે પોતાનો નિર્ણય લઈ શકે છે. સરકારે નીતિ કેમ બદલી?
ધોરણ 8 સુધીની પરીક્ષામાં નાપાસ થવાની જોગવાઈ પર વર્ષ 2010-11થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મતલબ કે બાળકો નાપાસ થયા છતાં તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવી હતી, પરંતુ શિક્ષણનો સ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યો હતો. એની અસર 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ પર થવા લાગી છે. આ બાબતે લાંબા સમય સુધી વિચાર-વિમર્શ કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બિલ 2018માં લોકસભામાં પસાર થયું હતું
જુલાઈ 2018માં લોકસભામાં શિક્ષણના અધિકારમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાઓમાં અમલી 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી. આ મુજબ ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે નિયમિત પરીક્ષા લેવાની માગ કરવામાં આવી હતી. આ સાથે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બે મહિનામાં પુન: પરીક્ષા યોજવાની પણ વાત કરવામાં આવી હતી. 2019માં આ બિલ રાજ્યસભામાં પસાર થયું હતું. આ પછી રાજ્ય સરકારોને 'નો ડિટેન્શન પોલિસી' દૂર કરવાનો અથવા એને અમલમાં રાખવાનો અધિકાર હતો. એનો અર્થ એ કે રાજ્ય સરકાર નક્કી કરી શકતી હતી કે વિદ્યાર્થીઓ 5મા અને 8મા ધોરણમાં નાપાસ થાય તો તેમને બઢતી આપવી કે વર્ગ રિપીટ કરાવવો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.