ચાર વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચરી હાઇવે પર ફેંકી દીધી
રાજકોટ નજીક આવેલા શાપરમાં માનવતાને શર્મસાર કરતા કિસ્સોથી ખળભળાટ મચી ગયો છે. ચાર વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચરી નરાધમ આરોપીએ બાળકીને હાઇવે પર ફેંકી દીધી હતી. શનિવારે ઘર પાસે રમતી બાળકીને ફોસલાવી આરોપીએ અપહરણ કર્યાં બાદ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને કુકર્મ કરતી વખતે પીડાથી ચીસ પાડી તો નરાધમે ગળે છરી મૂકી બાળાને ચૂપ કરાવી દીધી હતી. આરોપીનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો છે.
બનાવના પગલે એસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી કે.જી. ઝાલા સહિતના અધિકારીઓ શાપર દોડી ગયા હતા. એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ અને તેમની ટીમ, એસઓજી પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઇ બી.સી. મિયાત્રા અને તેમની ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સ્ટાફ, શાપર પીએસઆઇ આર.કે. ગોહિલ અને શાપર પોલીસની ટીમે હવસખોરની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ, શનિવારે શાપરમાં હાઇવે પર કસુંબા બેરિંગ ગેટની સામેથી શનિવારે બપોરે સવા એક વાગ્યે બાળકી લોહીલુહાણ હાલતમાં પડી હતી. ત્યાંથી કારમાં પસાર થઈ રહેલા શાપરના પાર્થ રાઠોડ નામના વ્યક્તિની નજર આ બાળકી પર પડતા બાળકીને નજીકની એક દુકાન પાસે બેસાડી 108માં કોલ કરતા એમ્બ્યુલન્સ સાથે વિલાસબેન ઠાકુર સહિતનો 108નો સ્ટાફ દોડી આવ્યો હતો.
બાળકીને એમ્બ્યુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવેલ. બાળકીને માથામાં કપાળના ભાગે ઇજા હતી અને ગુપ્તાંગ ઉપર પણ ઇજાના નિશાન જોતા ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી બાળકીને ઝનાના હોસ્પિટલમાં શિફ્ટ કરી હતી. અહીં તેની સારવાર હાલ પણ ચાલુ છે.
આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો. દુષ્કર્મનો બનાવ લાગતા તુરંત જ બાળકીની ઓળખ કરવા અને આરોપીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. કોસંબા ગેટ સામેના અવાવરૂ જાળી જાંખળા વાળા વિસ્તારમાં બાળકી પર કુકર્મ થયાનું ખુલ્યું હતું. ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરાયા હતા.
આ તરફ શાપરના મફતિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘર પાસે રમતા રમતા એક સાડા ત્રણ વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. તેનો પરિવાર તેને શોધતો હતો. શનિવારે બપોરે પરિવાર શાપર પોલીસ સમક્ષ આ પરિવાર પહોંચે છે અને બાળકી ગુમ થયાનું જણાવે છે. પોલીસે કોસંબા ગેટ પાસેથી ઇજાગ્રસ્ત મળેલી બાળકીનો ફોટો પરિવારને દેખાડે છે. બાળકીની ઓળખ થઈ જાય છે. જે પછી પોલીસ બાળકીના ઘર આસપાસના સીસીટીવી ચેક કરતા આરોપી સીસીટીવીમાં કેદ થયેલો જણાય છે. તેની ગત મોડી રાત સુધી શોધખળ કરવામાં આવે છે. આજ સવારે મળેલી વિગત મુજબ હજુ સુધી આરોપી પકડાયો નથી.
પરિવારની પૂછપરછમાં જાણવા મળેલ કે, બાળકીના માતા પિતા હયાત નથી. દાદી સાથે રહે છે. બાજુમાં બાળકીના કાકાનો પરિવાર પણ રહે છે. શનિવારે સવારે તે અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આરોપી તેને તેડીને લઈ ગયો હતો. દાદીની ફરિયાદ પરથી આઇપીસી 363, 366, 376, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.