સાયકલ મારી સરરર જાય, ટ્રીન-ટ્રીન ટોકરી વગાડતી જાય - At This Time

સાયકલ મારી સરરર જાય, ટ્રીન-ટ્રીન ટોકરી વગાડતી જાય


સાયકલના સથવારે દીકરીઓને શાળાએ આવવાનું બન્યું સરળ

સાયકલની ચાવીથી વિદ્યાર્થીનીઓ ખોલી રહી છે ખુશીઓનાં દ્વાર

સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મેળવી ખુશખુશાલ બાળાઓ કહે છે હવે અમારે શાળાએ આવવા હેરાન નહિં થવું પડે

શાળાથી મારું ઘર પાંચ કીમી દુર છે પણ હવે સાયકલ મળવાને કારણે હું સમયસર શાળાએ પહોંચી શકીશ, આ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર : વિદ્યાર્થીની

“શાળાથી મારું ઘર પાંચ કીમી દુર છે, જેથી મારે શાળાએ પહોંચવામાં ખૂબ તકલીફો થતી, ઘણીવાર ઓટોરિક્ષા ન મળવાને કારણે ચાલીને આવવું પડતું જેથી હું શાળાએ સમયસર પહોંચી ન શકતી પરંતુ હવે સરસ્વતી સાધના યોજના હેઠળ મને સરકારશ્રી તરફથી સાયકલ મળવાને કારણે હું સમયસર શાળાએ પહોંચી શકીશ, અને મારા અભ્યાસનો સમય પણ નહિં બગડે આ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું, આ સાયકલ મળવાથી હું ખૂબ ખુશ છું.” આ આનંદ, ઉમંગ અને ઉત્સાહથી છલકાતાં શબ્દો છે બોટાદની ધોરણ-9ની વિદ્યાર્થીની નિરાલી મારુનાં. તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા સરસ્વતી સાધના યોજના અન્વયે ધોરણ-9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી છે, ત્યારે સાયકલ મળવાની સાથે અનેક તકલીફોથી મુક્તિ મેળવનારી વિદ્યાર્થીનીઓએ સરકારશ્રીનો હર્ષ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, માધ્યમિક શાળાઓમાં પ્રવેશ માટે દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે અને શૈક્ષણિક સુધાર લાવવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રકારની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓને કારણે આજે ગુજરાતમાં વસતાં પ્રત્યેક નાગરિક ઉન્નત મસ્તક સાથે જીવન જીવી રહ્યાં છે. સરકારશ્રી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોની સતત દરકાર કરવામાં આવી રહી છે. શાળાઓ જો ઘરથી દૂર હોય તો વાહન વ્યવહારની સુવિધાના અભાવે દીકરીઓનાં શિક્ષણ પર તેની અસર ન થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે આ સાયકલ સહાય યોજના અંતર્ગત શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરતી દીકરીઓને મફત સાઇકલ આપવામાં આવી રહી છે, જેથી દીકરીઓ સમયસર શાળાએ આવી શકે અને પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકે.

આજે સરકારશ્રી દ્વારા દીકરીઓનાં પોષણ, શિક્ષણ તેમજ રક્ષણ માટે યોજનાઓની ભરમાર છે ત્યારે “શિક્ષિત દીકરી વિકસિત સમાજ”ની વિભાવનાને સાર્થક કરવા સરકારશ્રી દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદની એલ.જે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલની ધોરણ-9માં અભ્યાસ કરતી 196 વિદ્યાર્થીનીઓને આ વર્ષે સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત સાયકલ મળી છે.

આ યોજના થકી સાયકલ મેળવી આનંદિત થતી બોટાદની એલ.જે.શાહ ગર્લ્સ હાઇસ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની નિરાલીએ ઉમેર્યું હતું કે, “આ સાયકલ મળવાને કારણે મારી મુશ્કેલીઓ તો દૂર થશે જ સાથોસાથ મારી નાની બહેન પણ તેનો ઉપયોગ કરી શકશે. મારી શાળામાં મારી સાથે અન્ય 196 વિદ્યાર્થીઓને આ સાયકલ યોજનાનો લાભ મળ્યો છે, અને અમારી શાળામાં દર વર્ષે ધોરણ-9માં અભ્યાસ કરતી બહેનોને આ લાભ મળે છે. મને સાયકલ આપવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો હ્રદયપૂર્વક આભાર.” સરકારશ્રી દ્વારા અપાયેલી આ સાયકલની ચાવીથી વિદ્યાર્થીનીઓ હવે પોતાની ખુશીઓનાં દ્વાર ખોલી રહી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.