અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ફરજ પરના જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓની બેઠક સંપન્ન - At This Time

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ફરજ પરના જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓની બેઠક સંપન્ન


અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ફરજ પરના
જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓની બેઠક સંપન્ન

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી
જવાબદારી ઉપરાંત નૂતન પ્રયાસો દ્વારા ચૂંટણી કામગીરીને
સુચારુ રીતે અમલી બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનો અનુરોધ

અમરેલી તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ (બુધવાર) અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી હોય તેવા અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેના દ્વારા અમરેલી જિલ્લામાં ફરજ બજાવનાર વિવિધ ૧૯ કામગીરીઓના નોડલ અધિકારીશ્રીઓને તેમની કામગીરીઓ અને તે માટે કરવાના આયોજન તથા જરુરી વ્યવસ્થાઓ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારીના ભાગરુપે આ જવાબદારીમાં વિવિધ અધિકારીશ્રીઓએ કરેલી પૂર્વ તૈયારીની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સમીક્ષા કરી હતી. બેઠકમાં ઉપસ્થિત નોડલ અધિકારીશ્રીઓને તેમને ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવતી ફરજો ઉપરાંત પોતાની સમિતિની કામગીરીને નૂતન પ્રયાસો સાથે સંપન્ન થઇ શકે તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ અનુરોધ કર્યો હતો.
અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થઇ શકે અને મતદાન ટકાવારી વધી શકે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ, નવા મતદારોનું સો ટકા મતદાન થાય તે માટે યુવા મતદારોને મતદાન માટે જાગૃત્ત કરવા જણાવ્યુ હતુ. મતદાન સમયે દિવ્યાંગ અને શારીરિક રીતે ૪૦ ટકાથી વધુ અશક્ત મતદારો માટે મતદાન કેન્દ્ર પર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નોડલ અધિકારીશ્રી PwDને સૂચના આપી હતી.
બેઠકના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેના દ્વારા તમામ નોડલ અધિકારીશ્રીને તેમને સોંપવામાં આવેલી કામગીરી માટે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા તથા તે માટેની આવશ્યક વિગતો જણાવી હતી.
આ ઉપરાંત ખર્ચ નિયંત્રણ, આદર્શ આચાર સંહિતા અમલીકરણ, કાયદો અને વ્યવસ્થા, તાલીમ, એમસીએમસી, દિવ્યાંગ મતદાતાઓ, મેન પાવર, તાલીમ, સ્વીપ, વાહન વ્યવસ્થા, ફરિયાદ નિવારણ સહિતની વિવિધ કામગીરીના સુચારુ આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમરેલી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલ, ચૂંટણી વિષયક કામગીરીઓના નોડલ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, સબ નોડલ અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.