રજીસ્ટ્રેશન વગર દવાખાનુ ચલાવતા શૈલેષ ની આજીડેમ પોલીસે કરી ધરપકડ
રાજકોટ તા. ૬: આજીડેમ ચોકડી નજીક કિસાન ગોૈશાળાવાળા રોડ પર શ્રીરામ પાર્ક-૩માં દેવરામ કૃપા નામના મકાનમાં રહેતો શૈલેષ વસંતભાઇ નિમાવત (ઉ.૪૦) ગુજરાત મેડિકલ કાઉન્સીલ વૈધક વ્યવસાયી તરીકેનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર ડોક્ટર તરીકે સેવા આપી બિમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી તેમજ પ્રિસ્ક્રીપ્શન લખી આપી કાયદાનો ભંગ કરતો હોઇ આજીડેમ પોલીસે તેના વિરૂધ્ધ ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી દવા-સાધનો મળી રૂા. ૯૫૯૭નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ જળુ, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ અને કૃણાલસિંહ ઝાલાને બાતમી મળતાં પીએસઆઇ જે. કે. ગઢવી અને ટીમે ત્યાં પહોંચી તપાસ કરતાં ઘરના રૂમમાં એક વ્યક્તિ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી બેઠેલો જોવા મળતાં તેને પોલીસે ઓળખ આપી હતી અને પુછતાછ કરતાં તેણે પોતાનું નામ જણાવ્યું હતું. પોલીસે તેની પાસે મેડિકલ પ્રેકટીસ કરવા માટેની કોઇપણ ડીગ્રી હોય તો બતાવવાનું કહેતાં તેણે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ એન્ડ રિસર્ચ ન્યુ દિલ્હીનું બી.એ.એમ.એસ. (એએલટી-મેડિસિન) નેમ-ડો. શૈલેષકુમાર નિમાવત એસઆર નં.૦૧૦૧૪, ડેટ-૨૦-૦૬-૨૦૨૨નું રજુ કર્યુ હતું.
તેણે ગુજરાત મેડિકલ કાઉન્સીલ વૈધક વ્યવસાયી તરીકેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ? જો કરાવ્યું હોય તો તેનું સર્ટીફિકેટ આપવાનું કહેવાતાં તેણે આ રજીસ્ટ્રેશન કરાવ્યું નહિ હોવાનું કહેતાં તેની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે જે બી.એ.એમ.એસ.નું સર્ટિફિકેટ રજૂકર્યુ છે તેની પણ પોલીસ ખરાઇ કરી રહી છે.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ વી.જે. ચાવડા, પીએસઆઇ જે. કે. ગઢવી, એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, વિરેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, કનકસિંહ અને કૃપાલસિંહે આ કામગીરી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.