તમિલનાડુમાં ફિલ્મ નિર્માતાઓ,વિતરકોનું રૃ. ૨૦૦ કરોડનું કાળું નાણું પકડાયું
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬આવકવેરા વિભાગે તાજેતરમાં તમિલનાડુમાં ફિલ્મ નિર્માતાઓ, વિતરકો અને
ફાઇનાન્સર્સના પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા પછી ૨૦૦ કરોડ રૃપિયાથી વધુનું કાળું
નાણુ પકડી પાડયું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી ઓગસ્ટે ચેન્નાઇ, મદુરાઇ, કોઇમ્બતૂર અને વેલ્લોરમાં
૪૦થી વધુ સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન ૨૬ કરોડ રૃપિયાની બિનહિસાબી રોકડ અન ત્રણ
કરોડ રૃપિયાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતાં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ
(સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ૨૦૦ કરોડ રૃપિયાથી વધુનું
કાળું નાણું પકડવામાં આવ્યું છે.આવકવેરા વિભાગે બિનહિસાબી રોકડ વ્યવહારો અને રોકાણો સાથે
સંકળાયેલ ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. ફિલ્મ નિર્માતાઓના સંકુલોમાં કરાયેલી તપાસમાં જાણવા મળ્યું
હતું કે નિયમિત હિસાબી ચોપડાઓમાં દર્શાવવામાં આવેલી રકમ કરતા વાસ્તવમાં મળેલ રકમ
વધારે હતી. ટેક્સની રકમ ઘટાડવા માટે નિયમિત ચોપડામાં ઓછી રકમ બતાવવામાં આવતી હતી.ઉલ્લેખનીય છે કે સીબીડીટી આવકવેરા વિભાગ માટે નિર્ણય લેતી
ઉચ્ચ સંસ્થા છે. ફિલ્મ વિતરકોના સંકુલોમાં
પાડવામાં આવેલા દરોડામાં જાણવા મળ્યું હતું કે તેઓ થિએટરો પાસેથી રોકડ લેતા હતાં અને
તેને ચોપડે દર્શાવતા ન હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.