પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો - At This Time

પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો


પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો

બોટાદ પાળિયાદની વિસામણબાપુની જગ્યામાં અમાસનું મહાત્મ્ય છે ત્યારે અમાસ ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં આપ સૌ જાણો છો કે વિહળધામ એ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુની દેહાણ પરંપરાની જગ્યા છે, કે જ્યાં ધર્મના સદાવ્રત , ભજન અને ભક્તિ રૂપી ત્રણ ધજાગરા ઉભા છે. અહીં રોટલો 'ને ઓટલો ચોવીસે કલાક મળી રહે છે.
પુજ્ય વિસામણબાપુએ વર્ષો પહેલા ધી, ગોળ અને ચોખાનિ પ્રસાદનું સદાવ્રત શરૂ કરેલ, તે અવિરત સેવાગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રધ્ધાળુ ભાવિકો, યાત્રિકો અને દિનદુખીયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે.પુજ્ય ઉનડબાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા આરંભી. જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય, એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે. અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવી, ત્યાર બાદ ઢોલ- નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી, ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળીયાદ જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે, નમન કરી માથે ચડાવે છે અને પછી ધજા ચડાવવામાં આવે છે. આ કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે. પાળીયાદના શ્રધ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામા દૂર દૂરથી આવે છે. આ સંખ્યા આજની તારીખે વધતી વધતી એક લાખથી ઉપર પહોંચી ગઈ છે, જે પૈકી સિત્તેરથી એંસી હજાર ભાવિકો પ્રસાદ લે છે.અમાસના દિવસે પાળીયાદમાં લોક મેળા જેવો માહોલ હોય છે.
લોકો આવે છે, પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. પાળીયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે,જે ભક્તોનાં મનની ઈચ્છા તરત પુરી કરે છે.
શ્રધ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી, દર્શન અને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવે છે. હાલના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુનાં દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના જન્મ સ્થળ ઓરડાનાં દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા, કે જ્યાં ૭૫૦થી વધુ ગાયો રાખેલ છે, એની મુલાકાત લે છે. ગૌમાતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે, અશ્વશાળાની મુલાકાત લે છે ત્યારબાદ ભોજન- પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે.પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રીના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે. આવી રીતે અમાસનો આખો દિવસ પાળીયાદમાં શ્રધ્ધાળુઓની ખૂબ ભીડ રહે છે. રણુજા ના રાજા અને બારબીજના ધણી રામદેવપીરના અવતાર પુજ્ય વિસામણબાપુને માનવામા આવે છે. એના પુરાવા પણ છે અને હજારો પરચા પુરેલા છે. જેમને પાળીયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવપીર ના વરદાન પ્રમાણે "પેઢીએ પીર અને સવાયા પીર થશે" - એ વચનનું સત્ય સમયે સમયે નજરે જોઇ શકાય છે. તા ૦૩/૦૯/૨૪ ને અમાસ નિમિતેની રસોઈ- પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરીવાર સેવક શ્રી જીવરાજભાઈ નરસિંહભાઈ તુરખિયા પરિવાર તેમજ શ્રી બળવંતભાઈ તળશીભાઇ સવાણી પરિવાર એ લીધો હતો આજે અમાસ હોવાથી આજે એક લાખ ઉપરાંતની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઠાકરનાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સહુએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.