પ્રેમ એજ સંગીત છે- રેખા પટેલ (ડેલાવર, યુએસએ) - At This Time

પ્રેમ એજ સંગીત છે- રેખા પટેલ (ડેલાવર, યુએસએ)


પ્રેમ એજ સંગીત છે- રેખા પટેલ (ડેલાવર, યુએસએ)

મિલન વિરહ, પ્રેમ કુરબાન આશા નિરાશા સુખ દુઃખ બધાને એકમાં સમાવી લેતો પ્રેમ એ સાત સૂરોના સંગમ સમો છે. જે ઈશ્વરને પણ બાંધે ,અને દૈત્યને પણ ડારી શકે એજ પ્રેમ છે. જીવન માત્રની જીવનદોરી છે. સુખમાં પણ આંસુ જન્માવે અને દુઃખમાં આશ બંધાવે તે પ્રેમ છે.

ફેબ્રુઆરીનો ગુલાબી મહિનો પ્રેમના રંગોને વધુ ગાઢા બનાવે છે. પ્રેમને ના રંગ, ના કોઈ ગંધ. એતો સાવ તરલ ક્યાય મળે નહિ અને ખુશીમાં દુ:ખમાં બધેજ જડી આવે.
પ્રેમ માણસને મજબૂત બનાવે છે, તો એજ અતિશય પ્રેમ માણસને લાચાર બનાવે છે. 
પ્રેમની નિષ્ફળતા જીવનની રાહ બદલે,ગુમનામીના અંધેરે ધકેલે છે, તો જીવનને સર્જનાત્મકતાના  શિખરે પણ પહોચાડે છે.
 
પ્રેમને ઓળખવો સહેલો છે પણ સંપૂર્ણપણે પામવો અઘરો છે. 
ઓળખ્યાં પછી તેને પામવા કરતા અનુભવવાનો પ્રયત્ન સુખ આપે છે.અપેક્ષા વિનાનો પ્રેમ બહુ ઓછાના નશીબમાં હોય છે.
પ્રેમ એટલે જે મળ્યું છે તેને માણવું અને જે નથી મળ્યું તેને મનોમન પામવું.
 પ્રેમ જીવવો અને જીતવો પડે છે પ્રેમને જીવવા માટે એમાં ઓળઘોળ થવું પડે છે અને જીતવા માટે સૌપ્રથમ હારવું પડે છે.

પ્રેમ એતો ઈશ્વરની સહુથી અદ્ભુત અને અમુલ્ય એવી ભેટ છે. બહુ નશીબદારને તેની સાચી પ્રતીતિ થાય છે. જ્યારે પણ લાગે છે સાચો પ્રેમ થઇ ગયો છે ત્યારે તેનો સ્વીકાર કરવો જોઈએ. પ્રેમમાં પડેલી વ્યક્તિને બધુજ સુંદર રુચિકર લાગે છે અને મનગમતા સાથીના વિરહમાં બધુજ શુષ્ક લાગે છે. પ્રેમમાં થોડું ઘણું દુઃખ અને વિરહ હશે તો એનું બંધન વધુ મજબુત બને એ હકીકત છે.

કૃષ્ણથી દૂર રહીને પણ રાધાકૃષ્ણનું એકત્વ એ પ્રેમ છે. વિરહમાં દુઃખને ગળે વળગાળી ને રડ્યા કરતાં મળેલી પળોને મમળાવી વધુ મીઠી કરવાની રીત છે. રાધાનો વિરહ એક મોરપિચ્છમાં અને કૃષ્ણનો વિરહ માત્ર એક વાંસળીમાં પુરાયો હતો. પ્રેમ જીવતા શીખવે ત્યારેજ એ મહાન બને છે. બાકી તેની માટે મરનાર કે મારનારા ઘણા મળી આવે છે.
મિલનની પળોમાં કંઈક યાદ આવતા, 
છાનુંમાનું મરક મરક મરકી જવું પ્રેમ છે.
વિરહનાં આવજો કહેતા…ચુપચાપ સરકતાં આંસુઓને પી જવું પણ પ્રેમ છે.
 
પ્રેમ કઈ હૈયાની ડાબલી ખોલી બતાવવાની કોઈ વસ્તુ નથી..
હજારો લોકોના હોંકારા અને ઘખારા પછી પણ રમેશ પારેખની સોનલને જોઈ જાણી શકયાં નથી. પ્રેમ એ હવા સરીખો ના દેખાય ના ઝલાય, તોય ના તેના વિના જીવાય. કોઈ પણ સ્વરૂપમાં મળે તે જીવવાની જડીબુટ્ટી છે. પ્રેમનું પ્રદર્શન વરવું લાગે છે. આ અનુભુતીને માણવામાં મઝા છે,માંગવામાં સજા છે.
 
પ્રેમ જગ સામે દેખાડો કરવાની સ્થિતિ નથી અને એમાં કીર્તિ પણ નથી.
પ્રેમ એ માણવાની, મહેસુસ કરવાની વિધી છે.
મિલનમાં ખુશી અને વિરહમાં વેદનાની વેદી છે. 
પ્રેમમાં સળગતાં ધૂપની સુગંધની પરિસ્થિતિ છે. 
 
યાદ આવે એમની તહી સાચવીને રાખજો
કામમાં એ આવશે જરી જાળવીને રાખજો
 
વધઘટ થતી લાગણીઓનો સથવારો ઘણો,
દુઃખમાં દેશે સાતા, દુઆ દવા સમજીને રાખજો
 
જો પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે. એ સ્થિતિમાં ઉત્કટ પ્રેમ પણ નબળો પડી જાય છે. 
પ્રેમમાં એવું પણ બને કે વર્ષો જતાં એકમેકની જરૂરીયાત ઘટે ત્યારે પરસ્પર ગમતું કરી સમય સાચવી લેવામાં કળા છે. પ્રેમ એટલે હું અને તું નહિ આપણે.
 પ્રેમમાં કોઈ શર્ત કે અપેક્ષા ના હોય તો એ લાંબો વખત મનગમતો રહે છે પરંતુ જો લેવડદેવડ વધી જાય તો એજ પ્રેમ ભારરૂપ બની જાય છે. પ્રેમમાં લેવા કરતા આપવાની ભાવના વધારે હશે તો એ હર્દયમાં કાયમને માટે જીવંત રહેશે અને એ જીવંતતા જીવનને તરબતર રાખશે. આશા રાખો તો પ્રેમીના સાથની તેની લાગણીઓના સ્પર્શની જે વર્ષો પછી પણ તાજગીભરી રહે.

દરેક પ્રેમ સબંધનું સુખદ મિલન શક્ય નથી, અણગમતું બીજું પાસું વિરહ પણ છે. જેમાં પારાવાર વેદના હોવા છતાં પ્રેમીઓ એ દુ:ખને ગળે લગાવી જીવન જીવી વાખે છે.
આવા સમયે સામેના પાત્ર માટે દુર્ભાવ ના આવા તોજ પ્રેમની મહાનતા જળવાય છે.

સંજોગોને કારણે કે ગેરસમજને લીધે લાગણીના સંબંધોમાં આવેલી તિરાડને વારેવારે યાદ કરીને પહોળી ના કરતા તેને સમય ઉપર છોડી દેવામાં સમજદારી છે. સાચા સંબંધોમાં કે પ્રેમમાં કાયમી કડવાશ હોતી નથી. હા એ માટે મોટું મન રાખવું ખુબ જરૂરી છે. વિચારશક્તિ વધી જાય અને સહનશક્તિ ઘટી જાય ત્યારે કોઈને બાંધછોડ કરવું ગમતું નથી. દરેકને સામેવાળા તરફ નથી જોવું બસ અરીસામાં પોતાને જોઈ વિચારવું હોય છે, જેથી પોતાની જ વાત સાચી લાગે છે. ત્યારે વિચારોની વિરુઘ્ઘ્તા વિષમતા પણ સર્જે છે.
બુદ્ધિશક્તિ ટકરાય ત્યારે સામા છેડે સરળ અને સમજુ વ્યક્તિઓ વચ્ચે સમજદારી અને સહનશક્તિ પુલનુ કામ કરે.

સાચો પ્રેમ આગળ વધવા નિસરણી બની પ્રગતિનો માર્ગ ખુલ્લો કરી આપે છે. પ્રેમમાં વિશ્વાસ નો શ્વાસ ભરાય તો તેની આવરદા વધે છે. પ્રેમનાં બંધનમાં જકડાયા પછી પણ મુક્તતા અનુભવે તો તેની આવરદા અને જોશ જળવાય છે.
 
વેલેન્ટાઈન જેવા તહેવારો આપણી આજુબાજુના સંબંધોમાં ઉષ્મા ભરવાની કામ કરે છે. જે વખતોવખત પ્રેમનું ખાતર પાણી આપવાનું બહાનું બની જાય છે.

પ્રેમની યાદગીરી સમાન વેલેન્ટાઈન મનગમતી વ્‍યક્‍તિ સાથે આત્‍મીયતા અને  પ્રેમની લાગણી વ્‍યકત કરવાનો દિવસ. લાગણીભીના હૈયા પોતાની ગમતી વ્યક્તિને ,ફ્લાવર્સ, કાર્ડ,સ્વીટસ કે ગીફ્ટ વગેરે થી લાગણી વ્યક્ત કરે છે. કેટલાક આ દિવસે એડલ્ટ ડે કેર, નર્સિંગ હોમ કે ચિલ્ડ્રન હોમમાં જઈને તેમને ફ્લાવર કેન્ડી આપી તેમની સાથે સમય વ્યતીત કરીને ઉજવે છે .

વેલેન્ટાઈન માત્ર પ્રેમીઓ નો તહેવાર નથી આ એ દરેક ઉજવી શકે છે જેના મનમાં પ્રેમ લાગણી હોય ,મિત્ર મિત્રને કે બાપ દીકરીને કે ભાઈ બહેનને કે પછી કોઈ પણ એકમેકને “બી માઈ વેલેન્ટાઇન” કહી શકે છે જેનો સાદો અર્થ ” જે તે સબંધે પણ તું મારી સાથે રહે ” આ સમજને આપણે લાંબે સુધી લઇ જવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.