કાશ્મીરી પંડિતો પર વધુ હુમલાની ભીતિ, સૈન્ય-પોલીસ હાઇએલર્ટ - At This Time

કાશ્મીરી પંડિતો પર વધુ હુમલાની ભીતિ, સૈન્ય-પોલીસ હાઇએલર્ટ


- સરહદે હથિયારોની તસ્કરી વધી, રાજોરીમાં આતંકીઓ છટકીને ભાગ્યા- કાશ્મીરી પંડિત સુનીલ ભટના હત્યારા આતંકી આદિલની સંપત્તિ જપ્ત, શરણ આપનારા ત્રણ ભાઇઓની ધરપકડશ્રીનગર : કાશ્મીરી પંડિત સુનીલ ભટની હત્યાએ ફરી કાશ્મીરમાં પંડિતોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે. હવે એવા અહેવાલો છે કે સરહદેથી આતંકીઓ માટે મોટા પાયે હથિયારો ઘુસાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ કાશ્મીરી પંડિતોની હત્યા માટે થઇ શકે છે. હાલ રાજોરીમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, આ દરમિયાન આતંકીઓ છટકીને ભાગી ગયા હોવાથી જમ્મુમાં સૈન્યને હાઇ એલર્ટ કરાયું છે.આતંકીઓ રાજૌરીના જંગલોમાં જોવા મળ્યા હતા, ત્રણ જેટલા આતંકીઓ આ વિસ્તારમાંથી છટકીને અન્ય કોઇ સ્થળે છુપાઇ ગયા છે. જેને પગલે હાલ મોટા પાયે જમ્મુમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કાશ્મીરી પંડિતો પર હુમલા વચ્ચે આ આતંકીઓ છટકીને ભાગવામાં સફળ રહ્યા છે જેને પગલે પોલીસ અને સૈન્યને હાઇ એલર્ટ કરાયા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે કાશ્મીરી પંડિત સુનીલ ભટના હત્યારા આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેઓને કોઇ પણ રીતે છટકવા દેવામાં નહીં આવે અને આકરો જવાબ આપવામાં આવશે. સુનીલ ભટની હત્યામાં આતંકી આદિલનો હાથ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવે જમ્મુ કાશ્મીર પ્રશાસને આદિલની ઘર સહિતની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે. સાથે જ તેને શરણ આપનારા આદિલના ત્રણેય ભાઇઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન આદિલ પોતાના શોપિયાં સ્થિત ઘરે આવ્યો હતો, જોકે સુરક્ષાકર્મીઓને જોઇને તે ભાગી ગયો હતો. જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે કહ્યું છે કે આતંકીઓને આકરી સજા આપવામાં આવશે.  હાલમાં જ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા સ્વતંત્રતા દિને હુમલાનું કાવતરુ ઘડનારા જૈશના બે અને આઇએસના એક આતંકીની ધરપકડ કરી હતી. હવે એટીએસની રડારમાં ઉત્તર પ્રદેશના અન્ય શંકાસ્પદ યુવાનો હોવાના અહેવાલો છે. તેથી આગામી દિવસોમાં હજુ પણ અનેકની ધરપકડ કરવામાં આવી શકે છે. હાલ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો દ્વારા હુમલાના વિરોધમાં ઉગ્ર દેખાવો શરૂ થઇ ગયા છે. કાશ્મીરી પંડિતોએ સુરક્ષાની માગણી સાથે રેલીઓ કાઢી હતી. ખાસ કરીને જમ્મુમાં મોટા પાયે પંડિતો અને હિન્દુઓ રેલીમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.