EDITOR’S VIEW: કમળનો કમાલ:હરિયાણાની ‘પોલિટિકલ કુશ્તી’માં કોંગ્રેસને ધોબીપછાડ, કાશ્મીરીઓએ 370ના નિર્ણયને સ્વીકાર્યો નહીં, પરિવારવાદ મુદ્દે ચોંકાવનારો જનાદેશ
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામોએ દિવસ દરમિયાન જબરી કુશ્તી કરાવી. હરિયાણાએ તો એક્ઝિટપોલને ધોબીપછડાટ અપાવી. તો જમ્મુ-કાશ્મીરમાં ધારણા મુજબનાં પરિણામો આવ્યાં. નમસ્કાર, મંગળવારે દિવસ દરમિયાન રોલર કોસ્ટર રાઈડ જેવી ચૂંટણી પરિણામોની વિગતો મળતી રહી. શરૂઆતમાં હરિયાણામાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતીએ પહોંચી ગઈ, પછી આખું ટેબર ટર્ન થયું ને ભાજપ બહુમતી તરફ આગળ વધી ગયો. જમ્મુ કાશ્મીરમાં આમ તો અનુમાન મુજબ જ થયું. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન સત્તામાં આવશે, તે અનુમાન સાચું પડ્યું. એક વાત ઊડીને આંખે વળગે તે એવી બની કે લોકોએ હરિયાણામાં પરિવારવાદને જાકારો આપ્યો છે. પણ જમ્મુ-કાશ્મીરમાં પરિવારવાદ ફરી સ્થાપિત થયો છે. અબ્દુલ્લા પરિવાર જમ્મુ-કાશ્મીરમાં ફરી મજબૂત બન્યો છે. મુફતીના પરિવારનો સફાયો થઈ ગયો છે. ભાજપને અપેક્ષા મુજબ જમ્મુ-કાશ્મીરમાં બેઠકો નથી મળી. 370મી કલમ નાબૂદ કર્યા પછીની આ પહેલી ચૂંટણી હતી. પણ કાશ્મીરના લોકોએ કલમ 370ના નિર્ણયને જાકારો આપ્યો હોય એવું લાગે છે. કારણ કે, એમને એવું લાગે છે કે કાશ્મીરને બચાવવું હોય તો આ જ પરિવાર, અબ્દુલ્લા પરિવાર બચાવી શકે તેમ છે. દિવસ દરમિયાન વધારે ચર્ચા હરિયાણાના પરિણામમાં રહી. એક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટર એવું સામે આવ્યું કે, હરિયાણામાં કોંગ્રેસને વોટશેર વધારે મળ્યો પણ બેઠકો ઓછી મળી. પણ ભાજપને કોંગ્રેસ કરતાં ઓછા વોટશેરમાં વધારે બેઠકનો લાભ મળ્યો. એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપ હમણાં સુધી જેનો સાથી પક્ષ જેજેપી હતો, તેની તમામ વોટબેન્ક ભાજપ ગળી ગયો એવું કહી શકાય. જેજેપી હરિયાણામાંથી સાફ થઈ ગયો છે. ભાજપે એન્ટિઈન્કમબસીને ટાળવા માટે અને ઠારવા માટે મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા, તેની જગ્યાએ નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા. જો કે, સૈની પાસે વધારે સમય ન રહ્યો. ખટ્ટર સામે જબરી નારાજગી હતી એ ભાજપને ખબર પડી ગઈ હતી. બીજું, કેન્દ્ર સરકાર સામે હરિયાણામાં ત્રણ મુદ્દા હતા. જવાન, કિસાન અને પહેલવાન. આ ત્રણેય મુદ્દા એટલા કારગર ન નિવડ્યા. કોંગ્રેસે આ ત્રણ મુદ્દે જ પ્રચાર કર્યો અને બધો દારોમદાર હુડ્ડા પર રાખ્યો. છેલ્લે સુધી એવું હતું કે, આ રેસમાં હુડ્ડા જ જીતનો અશ્વ છે પણ તે કાંઠે આવીને અટકી ગયો. કોંગ્રેસમાં શૈલજા અને હુડ્ડાનો આંતરિક વિખવાદ હતો, એ પણ ચર્ચામાં રહ્યો. અગ્નિવીર અને બેકારીના મુદ્દા લોકોમાં ચર્ચામાં તો હતા જ પણ લાગે છે કે ભાજપ આ મુદ્દાઓને ચાતરી ગયો છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને એવું કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે કલમ 370ને ફરી લાગૂ કરીશું, જે ટેકનિકલી શક્ય નથી. કારણ કે એના માટે કેન્દ્ર સરકારમાં સત્તા જોઈએ. પણ એમના માટે આનંદની વાત એ છે કે, રાજ્યમાં ફરી નેશનલ કોન્ફરન્સને સત્તા મળી છે. ઓમર અબ્દુલ્લા આ પરિવારમાંથી ફરીવાર કાશ્મીરના મુખ્યમંત્રી બની શકે તેમ છે. ભાજપે અહીંયા લેફ્ટનન્ટ ગવર્નર મારફત ત્રણ સભ્યોની પસંદગી કરી દીધી છે. એટલે બહુમતીનો આંકડો હવે વધી ગયો છે. જો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે લાંબાગાળા માટે સરકાર ચલાવવી હોય તો તેમણે અપક્ષોનો ટેકો રાખવો પડશે. જેથી સ્થિરતા વધારે મળે. કારણ કે અગાઉ ભાજપ અને પીડીપીનું ગઠબંધન ત્રણ જ વર્ષ ચાલ્યું હતું અને પછી એ ગઠબંધન તૂટી ગયું હતું. એવું લાગતું હતું કે હરિયાણામાં ડબલ એન્જિન ફેઈલ થશે પણ એવું થયું નથી. કાશ્મીરમાં ભાજપ રાષ્ટ્રપતિ શાસન કે એલ.જી.ના શાસનથી ચલાવવા માગતો હતો પણ હવે તે શક્ય નથી. કારણ કે હવે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. ભાજપનો મોટાભાગનો જનાધાર હજી પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર ટકી રહેલો છે. વાત કરીએ હરિયાણાની...
હરિયાણામાં બાજી અચાનક પલટાઈ ગઈ, ભાજપની હેટ્રિક!
હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. પણ આદમી પાર્ટી, જેજેપી, INLD અને બસપા જેવી પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરી હતી. પરિણામની વાત કરીએ તો હરિયાણામાં ભાજપે 48 સીટો પર મેદાન માર્યું,જ્યારે કોંગ્રેસ 37ના આંકડા પર અટકાઈ ગઈ. હરિયાણા વિધાનસભામાં બહુમતનો આંકડો 46ને પાર કરી ગયો છે, ભાજપે હેટ્રિક હાંસલ કરી છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને ફ્રીહેન્ડ આપ્યો હતો, પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકેની જાહેરાત કરી નહોતી. એવું કહેવાય છે કે હુડ્ડાએ તેમના 72 સમર્થકોને ટિકિટ આપી દીધી અને કોંગ્રેસમાં જ બેઠેલા તેમના વિરોધી નેતાઓને ટિકિટ ન આપી. આ વાતોની કોંગ્રેસ હાઈકમાન્ડે અવગણના કરી. કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ કોંગ્રેસને નડી ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કિસાન, પહેલવાન અને જવાનના મુદ્દાઓની અસર ભાજપને ન થઈ ભાજપ વિરોધી મુદ્દાઓ હતા પણ કોંગ્રેસ તેને ઉઠાવી શકી નહીં
હરિયાણામાં ભાજપ વિરોધી મુદ્દાઓ મુખ્યત્વે ત્રણ હતા. આ મુદ્દાઓ કિસાન, જવાન અને પહેલવાન છે. કિસાન આંદોલન, પહેલવાનો સાથે અન્યાય અને જવાન એટલે અગ્નિવીરનો મુદ્દો પણ હરિયાણામાં ચર્ચાતો રહ્યો. આ ત્રણેય મુદ્દાઓ એવા હતા કે કોંગ્રેસ તેને ભાજપ વિરુદ્ધ હથિયાર તરીકે વાપરી શક્યો હોત પણ કોંગ્રેસ આ મુદ્દાઓને લોકો સામે સારી રીતે લાવી શકી નહીં અને ભાજપનો જોરશોરથી વિરોધ કરી શકાયો હોત તે પણ કર્યો નહીં. હરિયાણામાં કોંગ્રેસને વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ શરૂઆતમાં આત્મવિશ્વાસ ધરાવતી હતી, અને ધીમે ધીમે વધુ પડતો આત્મવિશ્વાસ આવી ગયો. 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો અને હરિયાણામાં જ કોંગ્રેસના લોકો પર હાઈકમાન્ડે આંખ બંધ કરીને ભરોસો કરી લીધો. જો હરિયાણામાં જાટની વસ્તી જોઈએ તો તે લગભગ 27 ટકા છે. હરિયાણાની 35-40 બેઠકો પર જાટનો સીધો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સૌથી વધુ 35 જાટ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસનો જાટ વોટબેન્ક કબજે કરવાનો આઈડિયા પણ નાકામ રહ્યો. OBC વોટબેન્કની અવગણના કોંગ્રેસને નડી ગઈ
જાટ અને દલિત મતોના હિતમાં કોંગ્રેસે ઓબીસી વોટ બેંકને ગંભીરતાથી લીધી નથી. ભાજપે સમયસર સજાગ થઈને મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબી મતદારોને ખરાબ ન લાગે તે માટે ભાજપે મનોહર લાલ ખટ્ટરને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા, પરંતુ ચૂંટણી પ્રચારમાં તેમને સામેલ કરવાનું જોખમ લીધું નહીં. એવું માનવામાં આવે છે કે હરિયાણામાં 18-20 સીટો પર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે. ઓબીસી નેતા સૈનીને મેદાનમાં ઉતારવાની સાથે ભાજપે સૌથી વધુ 24 ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ પછાત વર્ગના 20 નેતાઓને ટિકિટ આપી હતી. હરિયાણાની ચૂંટણી સભાઓમાં વડાપ્રધાન મોદીએ વારંવાર અનામતનો મુદ્દો ઉપાડ્યો હતો. એક સભામાં મોદીએ કહેલું કે, અનામતનો વિરોધ કરવો એ કોંગ્રેસના ડીએનએમાં છે. હવે વાત જમ્મુ- કાશ્મીરની....
'નયા કાશ્મીર'ના વચનથી ભાજપને ચૂંટણીલક્ષી લાભ કેમ ન મળ્યો?
જમ્મુ અને કાશ્મીરમાં પોતાના મુખ્યમંત્રીને બેસાડવા માટે ભાજપને એકલા જમ્મુમાં જ ઓછામાં ઓછી 30 થી 35 બેઠકો જીતવી જરૂરી હતી. જ્યારે, તેણે ઘાટીમાં પણ સારું પ્રદર્શન કરવું પડે. પણ આવું થયું નહીં. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે કલમ 370 હટાવવાના નિર્ણય અને 'નયા કાશ્મીર'ના વચનનો લાભ ભાજપને આ ચૂંટણીમાં કેમ ન મળ્યો? ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી અને માત્ર જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો, તેને કેન્દ્રશાસિત પ્રદેશ પણ બનાવ્યો. આ બધું કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ઘણા મહિનાઓ સુધી નિયંત્રણો લાગુ રહ્યા. જ્યારે સ્થિતિ થોડી સામાન્ય થવા લાગી ત્યારે મોદી સરકારે વિકાસ, નોકરીઓ અને સુરક્ષાના નામે 'નયા કાશ્મીર'નું વચન આપ્યું. બીજી તરફ, ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મહેબૂબા મુફ્તીની પીડીપીએ કલમ 370ને 'કાશ્મીરી ઓળખ' સાથે જોડી દીધી. ભાજપના આ પગલાંને કાશ્મીર વિરોધી ગણાવાયું હતું. માત્ર કાશ્મીર જ નહીં પરંતુ જમ્મુની પણ મોટી વસ્તી કલમ 370 હટાવવાના વિરોધમાં છે એવું ગાઈવગાડીને કહેવામાં આવ્યું. અલગતાવાદી વિરોધી કાર્યવાહી ભાજપને ભારે પડી?
ભાજપના 'નયા કાશ્મીર'માં સુરક્ષા પર વધુ ભાર આપવામાં આવ્યો હતો. આતંકવાદ, અલગતાવાદ અને પથ્થરબાજી વિરુદ્ધ સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને લોકોએ આવકારી હતી. પરંતુ બીજી તરફ અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવામાં આવી રહી હોવાનું પણ અનુભવાયું હતું. એવી ધારણા બનાવવામાં આવી કે અસંમતિને દબાવવા માટે ધાકધમકીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર ભાજપ કાશ્મીર ઘાટીમાં અપેક્ષા મુજબ ઉભરી શકી નહીં. નોકરીનું વચન અધૂરું રહ્યું!
કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ ભાજપે નારાજગીનો અંત લાવવા નોકરીઓનું વચન આપ્યું હતું. એવું પણ વચન આપવામાં આવ્યું હતું કે સરકાર કાશ્મીરમાં રોકાણ લાવશે, જેનાથી નોકરીઓનું સર્જન થશે. જો કે, આ વચનો પર બહુ કામ થયું નહીં. જેના કારણે લોકોમાં રોષ વધ્યો હતો. આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં ખાતું ખોલ્યું
હરિયાણામાં આમ આદમી પાર્ટીને કેટલીક સીટ જીતવાની આશા હતી, તે તો ફળી નહીં પણ જમ્મુ-કાશ્મીરની ડોડા સીટ પર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી ગયું છે. AAP માટે અલગ વિસ્તારમાં નવી તક ઊભી થઈ છે. ડોડા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેરાજ મલિકની 4500 મતથી જીત થઈ છે. તેની સામે ભાજપના ઉમેદવાર ગજયસિંહ રાણાની હાર થઈ છે. 2014 કરતાં 2024ની ચૂંટણી આટલી અલગ છે કાશ્મીરના CM બનશે ઓમર અબ્દુલ્લા એનસી-કોંગ્રેસ ગઠબંધનનો લાભ મેળવી શકે છે, અપક્ષો અને નાના પક્ષો નિર્ણાયક
નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે. નેશનલ કોન્ફરન્સ (NC) 51 અને કોંગ્રેસ 32 સીટો પર ચૂંટણીલડી હતી. સીપીઆઈ (એમ) અને પેન્થર્સ પાર્ટીને એક-એક સીટ આપવામાં આવી હતી. બાકીની 5 બેઠકો પર એનસી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ચૂંટણી લડી છે. 2014માં બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. ત્યારે એનસીને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે એકસાથે ચૂંટણી લડવાથી મહાગઠબંધનને 48 સીટો મળી છે. એનસી-કોંગ્રેસ ગઠબંધનને સરકાર બનાવવા માટે અન્ય નાના પક્ષની મદદ લેવી પડી હતી. સજ્જાદ લોનની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (જેકેપીસી), અલ્તાફ બુખારીની પોતાની પાર્ટી એન્જિનિયર રાશિદ, જેમણે ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાને લોકસભામાં હરાવ્યા હતા. ભાજપ અને પીડીપીએ 2014માં સરકાર બનાવી, તે માત્ર 3 વર્ષ જ ચાલી શકી
2014ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ બહુમતી મેળવી શક્યો નહોતો. પીડીપી 28 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. આ સાથે જ ભાજપ 25 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. એનસીને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. એ વખતે ભાજપે પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી પણ 6 વર્ષના બદલે ત્રણ વર્ષ જ ચાલી હતી. છેલ્લે, હરિયાણાની એક રેલીમાં નરેન્દ્ર મોદીએ પ્રચાર વખતે એવું કહેલું કે, અત્યાર સુધી એવી પરંપરા રહી છે કેન્દ્રમાં જેની સરકાર હોય એની જ સરકાર હરિયાણામાં આવે છે. આ પરંપરા ચાલુ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.