ભાવનગરમાં કાળીયાબીડ પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરતાં નગરજનો
છેલ્લાં બે દશકામાં થયેલા સર્વાંગી વિકાસના હરણફાળની ઝાંખી કરાવવા વંદે ગુજરાત વિકાસયાત્રાનું ભાવનગરમાં કાળીયાબીડ પ્રાથમિક શાળા ખાતે આગમન થયું હતું. જેનું નગરજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બાળાઓ દ્વારા કુમકુમ, તિલક અને સામૈયા કરી રથના વધામણાં કરવામાં આવ્યાં હતાં.
આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકાસની ગાથા વર્ણવતી વંદે ગુજરાત ફિલ્મનું નિર્દશન કર્યા બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વ્હાલી દીકરી યોજના, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થી પરિવારોને વિવિધ લાભો, પ્રમાણપત્રો તથા સહાય હુકમથી લાભાન્વિત કરવામાં આવ્યાં હતાં. આઈ.સી.ડી.એસ વિભાગ તરફથી સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગી સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આ ઉપરાંત સ્વચ્છતા એવોર્ડ વિજેતા શાળાઓને ચેક આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ અવસરે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાએ સરકાર દ્વારા લોક સુવિધા અર્થે કરાયેલા વિકાસ કામો અને કલ્યાણકારી વિવિધ યોજના હેઠળ થતાં કાર્યોની વિગતો આપી હતી. આ ઉપરાંત ભાવનગરમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા વિકાસની માહિતી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાનાં લોકો માટે કામ કરતી સરકાર દ્વારા લોકોપયોગી યોજનાઓ બનાવવામાં આવે છે અને તેને ખરા અર્થમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રીમતિ વર્ષાબા પરમાર, કોર્પોરેટર શ્રીમતિ શારદાબેન મકવાણા, કોર્પોરેટરશ્રી પરેશભાઈ પંડ્યા, શાળાનો શિક્ષકગણ, આંગણવાડીની બહેનો સહિતના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.