આજે વર્લ્ડ કોટન ડે: જાણો શા માટે ઉજવવામાં આવે છે કપાસ દિવસ? - At This Time

આજે વર્લ્ડ કોટન ડે: જાણો શા માટે ઉજવવામાં આવે છે કપાસ દિવસ?


‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે કપાસ: ગુજરાતમાં થાય છે મબલખ વાવેતર

1843માં દેશની પહેલી કાપડ મિલ ભરૂચમાં સ્થાપિત થઈ હતી

મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાતમાં રોટી, કપડાં અને મકાનનો સમાવેશ થાય છે અને કપડાં બનાવવા માટે કપાસ ખુબ જ જરૂરી છે. આપણું ગુજરાત કપાસના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. બોટાદ જિલ્લામાં પણ દરવર્ષે કપાસનું મબલખ વાવેતર થાય છે. ત્યારે આજે આપણે જાણીશું કે ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ માટે ‘વર્લ્ડ કોટન ડે’ની ઉજવણી શા માટે કરવામાં આવે છે?

કપાસના મહત્વને વિશ્વ સુધી પહોંચાડવા દર વર્ષે 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ કપાસની વાવણી માટે પ્રોત્સાહન આપવાનો તેમજ કોટનના કપડાંના ઉપયોગના ફાયદાઓ વિશે વધુને વધુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ છે. 7 ઓક્ટોબર, 2019 ના રોજ પ્રથમ વાર વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કપાસનું વાવેતર વૈશ્વિક ધોરણે થાય છે અને કરોડો લોકો કપાસ સાથે સંકળાયેલા છે. આપણો દેશ વિશ્વમાં સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે અને આપણાં રાજ્યમાં દરવર્ષે રેકોર્ડબ્રેક કપાસનું વાવેતર થાય છે.

બોટાદ જિલ્લામાં કપાસના વાવેતરની વાત કરીએ તો, આ વર્ષે ગઢડા તાલુકામાં 53,388 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે રાણપુરમાં 35,358 હેક્ટરમાં અને બરવાળા તાલુકામાં 18,979 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું હતું. બોટાદ જિલ્લામાં કુલ 1,50,451 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું હતું.

કપાસ વિશે કેટલીક રસપ્રદ વાતો –

• દેશમાં પહેલી વાર દેશી સંકર કપાસ-7નું ઉત્પાદન થયું, જેમાં સુરતના કૃષિ ફાર્મનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. આ ફાર્મે સંકર બરજની ભેટ આપી અને કપાસની ખેતીમાં ક્રાંતિ આવી. એ પછી બીટી કપાસ પણ સુરતે વર્ષ 2002માં દેશને આપ્યું હતું. આ કપાસના આગમનથી કપાસની ખેતીમાં નવી આધુનિક ક્રાંતિ આવી હતી.
• 1843માં દેશની પહેલી કાપડ મિલ ભરૂચમાં સ્થાપિત થઈ હતી. એ સમયે કપાસની ભરૂચી-1 અને સુરતી-1 ઘોઘારી જાતિ પ્રચલિત હતી.
• સ્વતંત્રતાથી પણ પહેલાં દેશમાં દેશી કપાસની બોલબાલા હતી. લોકો ઘરે-ઘરે ચરખાની મદદથી ખાદી અને કપડાં વણીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
• કપાસ એક કુદરતી ફાઇબર છે, કપાસના છોડના બીજ સાથે વધે છે. તેનું ફાઇબર મોટેભાગે યાર્ન અથવા દોરામાં કાંતવામાં આવે છે અને તેનો ઉપયોગ નરમ, શ્વાસ લેવા યોગ્ય કાપડ બનાવવા માટે થાય છે.
• કપાસના છોડ માટે કોઈ ખાસ વાતાવરણ અને ક્ષેત્ર જરૂરી નથી. જ્યાં ઘઉં, ચણા, વટાણા, સરસવ પણ ઉગે છે ત્યાં કપાસની વાવણી થઈ શકે છે. કપાસ ખરીફ પાકની શ્રેણીમાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.