ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં “સ્વામિનારાયણ” મહામંત્ર ૨૨૨ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહિ પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે. જ્યાં માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહિ પરંતુ જીવ પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા પણ છે. અહીં ભજન-ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે,
સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નવમીના શુભદિને પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વનવિચરણ કરી ગુજરાતમાં ઉદ્ધવજીના અવતાર એવા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીને મળે છે અને શ્રી રામાનંદ સ્વામી ધર્મધુરા શ્રી સહજાનંદ સ્વામીને સોંપે છે. થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહત્યાગ કરે છે. ગુરુના દેહત્યાગના સમાચાર જાણી ગામોગામથી સંતો, ભક્તો આવે છે અને ચૌદમાના દિવસે માગશર વદ સફલા એકાદશી ને તા. ૩૧-૧૨-૧૮૦૧ના રોજ મોટી સભા ભરાય છેઃ રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે ‘હે ભક્તજનો! હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું પણ હવે થયું કે તમને એક મંત્ર આપું છું અને હવેથી તમારે આ મંત્રનો જાપ કરવાનો છે,
એ ઐતિહાસિક વર્ણન હરિલીલામૃત(૫/૩/૫૭)માં લખાયું છે, ચૌદમાથી નવી રીત કરી સૌના અંતરમાંહી ઊતરી તે ‘નવી રીત’ કઈ ? શું આ પૂર્વે ભગવાનનું ભજન થતું જ ન હતું ? થતું તો કેવું થતું ? તેના પહેલું ભજન એમ થાતું, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું હરે નારાયણની ઉચ્ચારી સૌ કરતાં ભજન નરનારી, (હરિલીલામૃત : ૫/૩/૫૬)
શ્રી સહજાનંદ સ્વામીએ આગળ કહ્યું કે અત્યાર સુધી મારા અનેક નામ છે કોઈ નામ સંતોએ આપ્યાં તો કોઈ નામ ભક્તો એ પાડ્યાં તો વળી પૃથ્વીને વિષે જન્મને ધારણ કર્યો તો માતાપિતાએ પણ નામ પાડ્યાં અને તમે તે નામથી મારા નામનું ભજન પણ કરતા રહ્યા પણ આજ હું સ્વયં મારું નામ આપું છું, આ સર્વોપરી મંત્ર છે એમ કહી પ્રભુએ ‘સ્વામિનારાયણ’ એવો મંત્ર આપ્યો…! “હવે આજ કરું હું પ્રકાશ, તમે સાંભળો તે સહુ દાસ, સ્વામિનારાયણ મારું નામ, સંભારતાં સૌને સુખધામ; બીજા નામ લે કોઈ અપાર, તો ય આવે નહિ એની હાર સ્વામિનારાયણ નામ સાર, લિયે એકવાર નિરધાર..! "
આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સહુને આનંદ થયો અને ‘જયઘોષ’ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડે ગૂંજ્યો નાદ સ્વામિનારાયણનો સ્વામિનારાયણ નામનો મહિમા સંપ્રદાયના શાસ્ત્રોમાં…!! ‘સ્વા…મિ…ના…રા…ય…ણ…’ આ ષડક્ષરી મહામંત્રનો કેવો પ્રૌઢ પ્રતાપ છે તે આચાર્ય શ્રી વિહારીલાલજી બતાવે છે ‘જે સ્વામિનારાયણ નામ લેશે તેનાં બધા પાતક બાળી દેશે; છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક,
સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ જ એવો છે કે આધિ વ્યાધિ ઉપાધિને મિટાવી દે અને ગમે ગમે તેવા દુ:ખ દર્દથી પીડાતાને શાતા આપે આ મહામંત્રના જાપથી શીતળદાસ સમાધિમાં યમપુરી જઈને યમપુરી ખાલી કરાવે, ગોલીડાના રાણો રાજગર જમદૂતને ભગાડે અને ઝીંઝાવદર ગામના મહાણે મડદું થઈને ચિતા પાર સૂતેલા જેહલાને ફરીથી જીવતો કરે ને બોટાદના દેહાખાચરની મરેલી ઘોડીના કાનમાં આ મંત્ર પડે ને ઘોડી હાવળ દેતી ઉભી થાય. અરે! આ ખાલી એકવાર કોઈક સાંભળે ને ત્યાં તો તેના જીવન બદલાયાના પણ ઇતિહાસ છેઃ યાદ કરો એ જોબન વડતાલો, મુંજો સુરુ, ઉપલેટાનો વેરાભાઈ કે જે વેલામાંથી ચીભડું ઉપાડીએ તેમ લોકોના ધડથી માથા અલગ કરતા અને આ મંત્રના પ્રતાપે એ વરુ જેવા હેવાન, ગાય જેવું પવિત્ર જીવન જીવીને ભગવાનના ધામને પામ્યા. આ મંત્રના જાપ થકી કેટલાય પાપી જીવ પૂણ્યશાળી થયા, દીન દુ:ખિયા લોકો સુખી બન્યા, ભૂતપ્રેતના ડર રંજાડ દૂર થઇ , કાળાનાગ ના ચડેલા ઝેર પણ ઉતર્યા મરણ પથારીએથી કેટલાય ઊભા થયા. આમ, આ ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો પ્રતાપ અનેરો છે,
ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતો તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામીએ "સ્વામિનારાયણ" મહામંત્ર ૨૨૨ મી પ્રાગટ્ય જયંતીના શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું કંકુ, અક્ષત અને પુષ્પથી પૂજન, અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી. "સ્વામિનારાયણ" મહામંત્ર ૨૨૨ મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી - સફલા એકાદશી આવા શુભ અવસરોનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
Report by :- Keyur Thakkar Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.