મોબાઇલ ફોન છુપાવી દેવા મામલે ૨૦ વર્ષના હરવિરસિંહ રાજસ્‍થાનીને કુટુંબી કાકાએ મારકુટ કરી પતાવી દીધો - At This Time

મોબાઇલ ફોન છુપાવી દેવા મામલે ૨૦ વર્ષના હરવિરસિંહ રાજસ્‍થાનીને કુટુંબી કાકાએ મારકુટ કરી પતાવી દીધો


શહેરના સામા કાંઠે રણછોડનગરમાં રાત્રે વીસ વર્ષના રાજસ્‍થાની યુવાનને રૂમ પાર્ટનર એવા કુટુંબી કાકા સાથે કાકાનો મોબાઇલ ફોન છુપાવી દેવા મામલે મજાક મજાકમાં માથાકુટ થતાં બંને વચ્‍ચે ઝપાઝપી થયા બાદ કાકાએ ભત્રીજાનો કાંઠલો પકડી ખેંચતા અને એકાદ બે ઢીકા મારતાં તેની હાલત બગડી હતી અને બેશુધ્‍ધ જેવો થઇ જતાં બે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસે હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. આ યુવાનને વાઇની બિમારી પણ હતી. તેનું મોત મારકુટથી કે કાંઠલો ખેંચાતા ફાંસો આવવાથી થયું કે પછી ઝપાઝપી વખતે ગભરાઇ જતાં, વાઇ આવી જતાં કે હૃદય બેસી જતાં થયું? તે જાણવા મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું. દરમિયાન શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનો રિપોર્ટ આવતાં અને ગળાનું હાડકુ પણ બટકી ગયાનું જણાતાં આ મામલે પોલીસે હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે.
ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ રણછોડનગર-૬માં ભાડાની રૂમમાં રહેતાં મુળ રાજસ્‍થાનના ધોલપુર જીલ્લાના રેવીયાપુરા ગામના હરવિરસિંહ રામબ્રીજસિંહ પરમાર (ઉ.વ.૨૦)નેમોડી રાતે સિવિલ હોસ્‍પિટલમાં ખસડાયો હતો. તે અર્ધબેભાન જેવો હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો. પરંતુ તેનું મોત થયું હતું. તેને હોસ્‍પિટલે લાવનારાની પુછતાછ થતાં આ યુવાન સાથે તેના જ રૂમમાં રહેતાં તેના જ ગામના કુટુંબી કાકા એવા ૨૯ વર્ષના દોલતરામ દિનદયાલ પરમારે ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હોવાનું કહેવાતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્‍પિટલ ચોકીના સી. જે. ઝાલા અને જયદિપભાઇ હુદડે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પીઆઇ આર. જે. બારોટ, મહેશભાઇ રૂદાતલા, રાજાભાઇ, પીએસઆઇ મારૂ, રાજેશભાઇ બાળા, હેમેન્‍દ્રભાઇ વાધીયા તેમજ ડી. સ્‍ટાફની ટીમ હોસ્‍પિટલે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃત્‍યુ પામનાર હરવિરસિંહ પરમાર ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે સુરતમાં કૂરીયરમાં કામ કરતો હતો. રાજકોટ રણછોડનગરમાં જ પિતાંબર કૂરીયર ચલાવતાં અશ્વીની મદનમોહન શર્માનો એક કારીગર સાતેક દિવસ પહેલા તેની ઘરવાળીને ડિલીવરી આવતાં વતનમાં ગયો હોઇ અશ્વીનીએ પોતાના જ વતનના હરવિરસિંહને વાત કરતાં તે સાત દિવસ પહેલા જ રાજકોટ આવી અશ્વીનીના કૂરીયરમાં કામે જોડાયો હતો.
અહિ હરવિંરસિંહનો કુટુંબી કાકો દોલતરામ પણ અશ્વીની સાથે જ કામ કરતો હોઇ તે અને રણછોડનગરના રૂમમાં રહેતો હોઇ હરવિરસિંહ પણ ત્‍યાં જ રહેતો હતો. આ બંનેની સાથે અશ્વીની તેમજ શિશુપાલ પણ રહેતાં હતાં. અશ્વીનીના કહેવા મુજબ રાતે સવા અગિયારેક વાગ્‍યે જમી લીધા બાદ અમે ચારેય રૂમમાં સાથે હતાં. આ વખતે હરવિરસિંહે મજાક મજાકમાં દોલતરામનો મોબાઇલ છુપાવી દીધો હતો. જે બે ત્રણ મિનીટમાં પાછો આપી દીધો હતો. આ કારણે દોલતરામ ગુસ્‍સે થયો હતો અને ઝઘડો કરી હરવિરસિંહનો કાઠલો પકડી ખેંચતા તેણે વળતો પ્રહાર કરી ઢીકો માર્યો હતો. સામે દોલતરામે પણ મારકુટ કરી હતી.
જો કે આ વખતે જ હરવિરસિંહને વાઇનું દર્દ હોવાને કારણે ખેંચ આવી જતાં તે અર્ધબેભાન જેવો થઇ પડી જતાં અમે તેને રણછોડનગરની એક હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી ગોકુલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં લાવ્‍યા હતાં. પણ તેનું મોત થયું હતું. તેમ વધુમાં અશ્વિની શર્માએ જણાવ્‍યું હતું.
હરવિરસિંહનું મોત કઇ રીતે થયું? તે જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. ડીસીપીશ્રી સજ્જનસિંહ પરમાર, એસીપી જી. એસ. બારીયાની રાહબરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેમાં શ્વાસ રૂંધાવાથી મોત થયાનું જણાવાતાં પોલીસે દોલતરામ વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. મજાક મજાકમાં આ બધુ થઇ ગયાનું કહી દોલતરામે પોલીસ સ્‍ટેશનમાં પોક મુકી હતી.
પીઆઇ આર. જી. બારોટ અને સ્‍ટાફે તપાસ યથાવત રાખી હતી. બનાવની જાણ થતાં મૃતક હરવિરસિંહના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતાં. તેના બે ભાઇ પરીણીત છે અને માતા-પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. યુવાન દિકરાના અણધાર્યા મૃત્‍યુથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતો. કુટુંબી કાકા અને ભત્રીજા વચ્‍ચે મોબાઇલ ફોન છુપાવી દેવાની વાતે મજાક મજાકમાં માથાકુટ થઇ જતાં ભત્રીજાની કાકાના હાથે હત્‍યા થઇ ગઇ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.