કેમિકલકાંડ બાદ સિવિલ હોસ્પિટલનું મનોચિકિત્સક વિભાગ પણ એક્શનમાં
અમદાવાદ, તા. 27 જુલાઈ 2022 બુધવારગુજરાતમાં ફરી મિથાઈલકાંડ સર્જાયો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક 41ને પાર થયો છે અને 117 અસરગ્રસ્ત લોકો અમદાવાદ અને ભાવનગર હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. નશાખોરી ઉપર અંકુશના દાવા વચ્ચે સરકારને નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે એટલે કેમિકલ પીવાથી મૃત્યુ થયાનું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે. સરકાર આ ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ કહી રહી છે. મિથાઈલ આલ્કોહોલ કેમિકલ ચોરીને ગેરકાયદેસર રીતે વેચાયું અને તેમાં પાણી ભેળવીને લોકોને પીવા આપી દેવાયું તેમ જાહેર થયું છે.આ કેમિકલ કાંડ બાદ હવે સિવિલ હોસ્પિટલનું મનોચિકિત્સક વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 37 દર્દીઓનું કાઉન્સીલિંગ કરવામાં આવશે. આ મનોચિકિત્સક વિભાગ દર્દીઓ સહિત પરિવારને નશાથી દૂર રહેવા માટે સલાહ આપશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.