મુળીના ધર્મેન્દ્રગઢમાં એક વ્યક્તિ ઉપર પાંચ શખ્સોનો હુમલો
- ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો- વરસાદી માહોલમાં વીજતારની ટીસી પાસે ઢોર ચરાવવાની ના પાડતા મામલો બિચક્યોસુરેન્દ્રનગર : મુળી તાલુકામાં ધર્મેન્દ્રગઢ ગામે વરસાદી માહોલમાં વીજતારની ટી.સી. પાસે ઢોર ચરાવવાની ના પાડનાર યુવાન ઉપર ઢોર ચરાવતા પાંચ જેટલા શખ્સોએ લાકડીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. ધર્મેન્દ્રગઢ ગામે રહેતા પ્રવિણભાઈ ઉર્ફે અરવિંદભાઈ ઝરમરીયા બપોરના સમયે તેમના રેતીના પ્લાન્ટ ઉપર હતા. ત્યારે ગામના નવધણ કરમણભાઈ મુંધવા અને હાજા કરમણભાઈ મુંધવા ત્યાં ઢોર ચરાવતા હોઈ વરસાદી માહોલના કારણે ટી.સી પાસે ઢોર નહીં ચરાવવા પ્રવિણભાઈએ કહ્યુ હતું. તેમ છતાં ઢોર ટી.સી પાસે જતા પ્રવિણભાઈએ પાવડાથી ઢોરને આઘા કાઢ્યા હતાં. જેથી ઉશ્કેરાયેલા નવધણ અને હાજાએ લાકડીથી હુમલો કર્યો હતો. તે દરમિયાન બાઈક ઉપર ઘસી આવેલા ગોપાલ કરમણ મુંધવા અને રાકેશ મુંધવા તથા કાનાભાઈ મુંધવાએ પણ લાકડીથી આડેધડ માર મારતા પ્રવિણભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને પ્રથમ મુળી દવાખાને બાદમાં રાજકોટની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે મુળી પોલીસમાં નવધણ મુંધવા તેના ભાઈઓ હાજા અને ગોપાલ ઉપરાંત રાકેશ મુંધવા અને કાના મુંધવા સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.