ના‘પાક’ હરકત:કાશ્મીરમાં નવું આતંકી સંગઠન મળ્યું, ભરતી રેકેટ ચલાવતું હતું - At This Time

ના‘પાક’ હરકત:કાશ્મીરમાં નવું આતંકી સંગઠન મળ્યું, ભરતી રેકેટ ચલાવતું હતું


પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. ત્યાં બેઠેલા તેના આતંકવાદી કાશ્મીરમાં ભરતી રેકેટ ચલાવી રહ્યા છે તેનો ખુલાસો મંગળવારે થયો હતો. ગુપ્ત માહિતી પછી જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્ટ વિંગે ખીણના 6 જિલ્લામાં એકસાથે 10 જગ્યાએ છાપો માર્યો હતો. શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામામાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 7 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી 14 મોબાઈલ, લેપટોપ અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી. આ તમામ આતંકી સંગઠન ‘તહરીક લબેક યા મુસ્લિમ’ (ટીએલએમ)ના સભ્યો છે. ટીએલએમ એ પાકિસ્તાનતરફી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલું એક જૂથ છે, જેનું સંચાલન પાકિસ્તાનના આતંકવાદી બાબા હમાસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ સંગઠનને કાશ્મીરમાં આતંકવાદ માટે યુવાનોની ભરતી કરવાની જવાબદારી મળી છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનું કહેવું છે કે ગાંદરબલમાં ગગનગીર સુરંગના કામદારો પર હુમલો કરનારા આતંકવાદીઓએ મોંઢા પર માસ્ક પહેરેલાં હતાં. જોકે, એવું કહી શકાય નહીં કે આ કોઈ નવા આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા 1.16 લાખ કરોડના 51 મેગા પ્રોજેક્ટ
જમ્મુ-કાશ્મીરમાં હાલમાં રૂ. 1.16 લાખ કરોડના 51 મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ગગનગીરમાં ટનલ કામદારો પર આતંકવાદી હુમલા બાદ બાકીના પ્રોજેક્ટ્સની સુરક્ષા ચર્ચાનો વિષય બની રહી છે. જોકે, આ મેગા પ્રોજેક્ટ્સ બનાવતી કંપનીઓનું કહેવું છે કે હાલમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ન તો સુરક્ષા સંબંધિત તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. આંકડા અને અમલીકરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પહેલાં આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત રૂ. 76 હજાર કરોડ હતી જે 56% વધીને રૂ. 1.16 લાખ કરોડ થઈ ગઇ છે. તેમાંથી રૂ. 42,500 કરોડની ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ રેલવે બ્રિજ પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં તેની શરૂઆત કરી હતી. આ પછી ઝોઝિલા ટનલ પ્રોજેક્ટ છે, જે મેઘા એન્જિનિયરિંગ પાસે છે. કંપની સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આતંકી હુમલા બાદ અમે કોઈ ફેરફાર કર્યો નથી. જે ચાલતું હતું, એ જ રીતે ચાલે છે. તાજેતરનો હુમલો બિન-કાશ્મીરીઓ પર થયો છે, જ્યારે અમારા પ્રોજેક્ટમાં મોટા ભાગના સ્થાનિક મજૂરો છે. શાપૂરજી પાલોનજી ગ્રૂપનું એફકૉન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 1,230 કરોડના પ્રોજેક્ટ સંભાળી રહ્યું છે. તેના એમડી એસ. પરમસિવને જણાવ્યું હતું કે અમારી કંપનીના 50% કામદારો સ્થાનિક છે અને બાકીના બહારના છે. જો તમે સ્થાનિક લોકોને રોજગાર આપવા અને ગામડાઓની સંભાળ રાખવાની સ્થિતિમાં હોવ તો તમને ત્યાં કોઈ આતંકવાદી હુમલા જોવા મળશે નહીં. તાજેતરનો હુમલો એ બહુ નાની ઘટના છે. રાજ્યમાં કાર્યરત ત્રીજી સૌથી મોટી કંપની લાર્સન એન્ડ ટ્રુબો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.