એવો હાઈવે જેમાં હવામાં ઊડે ગાડી:રોહિત શેટ્ટીની ફિલ્મ નહીં, આ દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો વીડિયો છે; કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ
રસ્તાના નિર્માણ અને સમારકામમાં બેદરકારીના કિસ્સા દેશભરમાં અવારનવાર પ્રકાશમાં આવે છે. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે. આ વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ મામલે NHAIએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જુઓ વીડિયો... કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ
હાલમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની તપાસ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમયસર રસ્તાઓનું સમારકામ નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ લીડર-કમ-રેસિડેન્ટ એન્જિનિયર અને સાઇટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યા છે. ક્ષતિઓ માટે PD અને મેનેજર (ટેક્નિકલ)ને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. ખરાબ રસ્તાનું સમારકામ કરાયું
વીડિયોમાં લોકેશન કેપ્ચર કરવામાં આવ્યું હતું અને વિસ્તારમાં વરસાદને કારણે તરત જ સંપૂર્ણ સમારકામ થઈ શક્યું નથી. જોકે, તાત્કાલિક સમારકામની વ્યવસ્થા કરવામાં આવી હતી. IIT ખડગપુરના પ્રોફેસર કેએસ રેડ્ડી અને IIT ગાંધીનગરના પ્રોફેસર જીવી રાવ સહિત ડોમેન નિષ્ણાતોની તપાસ ટીમ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેને સુપર એક્સપ્રેસ વે પણ કહેવામાં આવે છે. આના પર વાહનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. રાજસ્થાનના અલવર અને દૌસા વિસ્તારમાં આ એક્સપ્રેસ વે પર સૌથી વધુ રોડ અકસ્માતો થાય છે. તેનાં મુખ્ય કારણોમાં રસ્તાની અસમાન ઊંચાઈ, નબળું સંતુલન અને ખાડાઓ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.