બોલીવિયામાં સત્તા પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ:સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું, આર્મી જનરલે લશ્કરી વાહન સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો, ધરપકડ - At This Time

બોલીવિયામાં સત્તા પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ:સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું, આર્મી જનરલે લશ્કરી વાહન સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો, ધરપકડ


દક્ષિણ અમેરિકાના દેશ બોલીવિયામાં બુધવારે સત્તા પલટાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.​​​​​​​ બોલીવિયાના સૈનિકોએ રાજધાની લા પાઝમાં રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો. આ પછી આર્મીના ટોપ જનરલ જોસ જ્યુનિગાએ કેટલાક સૈનિકો સાથે લશ્કરી વાહનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, 3 કલાકમાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેનું બોલીવિયન ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. વીડિયો અનુસાર, બુધવારે બોલીવિયાના સુરક્ષા દળોએ શહેરના મુખ્ય ચોકને ઘેરી લીધો હતો. આ પછી એક સૈન્ય વાહન રાષ્ટ્રપતિ ભવનના દરવાજાને ટકકર મારવા લાગ્યું. આ દરમિયાન જવાનોએ અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આર્મી ચીફ જનરલ હોજેએ કહ્યું કે તેઓ દેશમાં લોકશાહી ફરીથી લાવવા માંગે છે. તેઓ રાષ્ટ્રપતિ લુઈસ આર્સેનું સન્માન કરે છે, પરંતુ દેશની સરકારમાં પરિવર્તન લાવવાની જરૂર છે. સરકારના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સૈનિકોએ તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું- આ બોલીવિયાના લોકો અને લોકતંત્રની જીત છે
હુમલાના થોડા સમય બાદ સેના પીછેહઠ કરી અને જનરલ હોજેની ધરપકડ કરવામાં આવી. નિષ્ફળ સત્તાપલટા બાદ રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહીની રક્ષા માટે દેશની જનતાએ એકજુથ થવાની જરૂર છે. આ બોલીવિયન લોકો અને લોકશાહીની જીત છે. તેની ધરપકડ કરવામાં આવી તે પહેલાં, જનરલ હોજે આરોપ મૂક્યો હતો કે તે રાષ્ટ્રપતિ આર્સે હતા જેમણે સત્તા પલટાવાનો પ્રયાસ કરવા કહ્યું હતું. આર્મી ચીફે મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રપતિએ તેમની સાથે દેશની સ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સપ્તાહ સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેમને જનતાનો ટેકો લેવાની જરૂર છે. જો સત્તા પલટાવાનો પ્રયાસ નિષ્ફળ જાય તો તેમની લોકપ્રિયતામાં વધારો થવાની શક્યતા છે. આર્મી જનરલને થોડા દિવસ પહેલા જ બરતરફ કરવામાં આવ્યા હતા
બોલીવિયાના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જનરલ હોજેને આ અઠવાડિયે તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી સરકારે આ નિર્ણય લીધો હતો. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, સત્તા પલટાવાના પ્રયાસ દરમિયાન જનરલ હોજે થોડા સમય માટે ભવનમાં પ્રવેશ્યા હતા. તેમની સુરક્ષા માટે નજીકમાં માસ્ક પહેરેલા સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. સરકારની ટીકા કરતાં સેના પ્રમુખે ધરપકડ કરાયેલા કેટલાક રાજકારણીઓ અને સેનાના સભ્યોને મુક્ત કરવાની માંગ કરી હતી. જનરલની ધરપકડ બાદ રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે તેઓ ત્રણેય સેનાના કમાન્ડર જનરલને હટાવી દેશે. આ પછી જનરલ જોસ વિલ્સન સાંચેઝને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. દેશના એટર્ની જનરલના કાર્યાલયે માહિતી આપી હતી કે સત્તાપલટામાં સામેલ જનરલ હોજ અને અન્ય સૈન્ય અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમને કડક સજા આપવામાં આવશે. બોલીવિયામાં 200 વર્ષમાં 190 વખત સત્તાપલટો થયો છે
બોલીવિયામાં સત્તાપલટાના પ્રયાસો કંઈ નવું નથી. છેલ્લા 200 વર્ષમાં દેશમાં 190 વખત સત્તાપલટો થયો છે. બોલીવિયામાં 1.20 કરોડ લોકો રહે છે. દેશના ડાબેરી રાષ્ટ્રપતિ લુઈસ આર્સેને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોરાલેસે તેમના ઉત્તરાધીકારી તરીકે પસંદ કર્યા હતા. જો કે, તેઓ સત્તામાં આવ્યા ત્યારથી, બંને નેતાઓ પક્ષના કન્ટ્રોલ મામલે સામ-સામે રહ્યા છે. આ ઉપરાંત આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે પણ બંને વચ્ચે સ્પર્ધા છે. બોલીવિયાની અર્થવ્યવસ્થા વધુને વધુ નબળી પડી રહી છે. રાષ્ટ્રપતિ આર્સે પર સત્તામાં રહીને લોકશાહી વિરુદ્ધ અનેક પગલાં લેવાનો આરોપ છે. તેઓએ વિપક્ષ નેતા લુઈસ ફર્નાન્ડો અને પૂર્વ રાષ્ટ્રપતિ જીનીન આનેઝની ધરપકડ કરાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.