અમદાવાદમાં જીટીયુ ખાતે આગામી 26 જૂને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે - At This Time

અમદાવાદમાં જીટીયુ ખાતે આગામી 26 જૂને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉચ્ચ અભ્યાસની વિવિધ શાખાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ યોગ્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરે તે હેતુસર, જીટીયુ દ્વારા આગામી તારીખ 26 જૂનને રવિવારના રોજ ચાંદખેડા કેમ્પસ ખાતે “નિશ્ચિત ધ્યેય – સચોટ માર્ગદર્શન” વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , યોગ્ય માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ઉણપ રહી જાય છે. રૂચી આધારીત વિષયોમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે, તે અર્થે જીટીયુનો આ પ્રયાસ કારગત નિવડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ વિદ્યાર્થીઓને આ તકનો સવિશેષ લાભ લેવા માટે જણાવ્યું છે. ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસમાં જોડાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો તે દ્વિધાનો વિષય હોય છે. તેમની રૂચી આધારીત વિષયમાં ભવિષ્યમાં રહેલી તકો અને તેમની કારકિર્દી ઘડતરમાં તેનો ફાળો કેટલો રહશે તે તમામ પ્રકારના પ્રશ્નોના ઉત્તર મળી રહે, તે માટે આ માર્ગદર્શન સેમિનાર વિશેષ રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. એન્જિનિયરીંગ , ફાર્મસી , બાયોટેક્નોલોજી , મેનેજમેન્ટ , આર્કિટેક્ચર જેવી વિવિધ શાખાના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સેમીનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે સેમિનારના સફળ સંચાલન માટે કો- ઓર્ડિનેટર ડૉ. ક્રિશ્ના પરમારને શુભકામના પાઠવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.