આજીડેમ ચોકડી પાસે ટ્રક હડફેટે બાઈક ચાલક વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત
રાજકોટમાં બેફામ દોડતા ટ્રક અને ડમ્પર ચાલકોની જીવલેણ ગતી અવિરત રહી હોય તેમ વધુ એક આજીડેમ ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં કાળમુખા ટ્રકની હડફેટે બાઈક ચાલક 65 વર્ષીય ભાઈલાલ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, માંડાડુંગરમાં આવેલ રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં રહેતા ભાઈલાલ પોપટભાઈ પરમાર (ઉ.65) આજે સવારે કારખાનામાં મજુરી કામે જવા ઘરેથી ટીફીન લઈ પોતાની બાઈકમાં નિકળ્યા હતા. તેઓ આજીડેમ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલ ટ્રક નં. જીજે 11 યુ 8853ના ચાલકે ઠોકરે લેતા ભાઈલાલ રોડ પર પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ ભાઈલાલ ભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલક સામે કાર્યવાહી કરી શોધખોળ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતક ચાર ભાઈ ચાર બહેનમાં મોટા અને સંતાનમાં બે પુત્ર-બે પુત્રી હોવાનું સામે આવ્યું છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.