પ્રાકૃતિક ખેતી એક નવી દિશા - At This Time

પ્રાકૃતિક ખેતી એક નવી દિશા


પ્રાકૃતિક ખેતી એક નવી દિશા ......

પ્રાકૃતિક ખેતી દ્વારા શેરડીનું મૂલ્યવર્ધન કરી દેશી ગોળનુ ઉત્પાદન કરતા સુરજપુર કંપાના ૬૮ વર્ષિય ખેડૂત શ્રી અમૃતભાઇ પટેલ
********
૨૦૦૯ થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, છેલ્લા દસ વર્ષ થી ગોળનું ઉત્પાદન કરી ઘરેથી વેચાણ કરે છે
********
ખેડૂત જગતનો તાત છે લોકોને આરોગ્યપ્રદ ભોજન મળે તેમજ પર્યાવરણને શુદ્ધ રાખવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ ઉપયોગી અને અસરકાર છે
ખેડૂત શ્રી અમૃતભાઇ પટેલ
******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ૬૮ વર્ષિય ખેડૂત શ્રી અમૃતભાઇ પટેલ ૨૦૦૯થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ઓલ્ડ એસ.એસ.સીનો અભ્યાસ કરી બાપદાદાના વ્યવસાયને અપનાવી ખેતીની શરૂઆત કરી હતી. આજે પોતાની ૧૫ વિઘા જમીનમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શેરડીનુ ઉત્પાદન કરીને તેનુ મૂલ્ય વર્ધન કરી દેશી ગોળનુ ઉત્પાદન કરીને કમાણી કરી રહ્યા છે.

૬૮ વર્ષિય અમૃતભાઈ પટેલ જણાવે છે કે, તેમના બંન્ને પુત્રો પ્રકાશભાઇ અને અલ્પેશભાઇ તેમની ૧૫ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતે પણ વ્યવસાયે ખેડૂત છે. ૨૦૦૯માં પ્રથમ વખતે જ્યારે તેમણે સુભાષ પાલેકર દ્રારા ગાય આધારીત આ ખેતી વિશે જાણકારી મળી અને ધીમે-ધીમે આ ખેતીની શરૂઆત કરી હતી. આત્મા સાથે જોડાયા બાદ તેમના બંન્ને પુત્રોએ આ ખેત પદ્ધતિ અપનાવી પોતાના પાકનું મૂલ્યવર્ધન કરી શેરડીમાંથી ગોળ બનાવવાનું શરૂ કર્યું છે.

અમૃતભાઇ જણાવે છે કે, ખેતી તેમને વારસામાં મળેલ વ્યવસાય છે. તેથી તેઓ ૨૦૦૯ પહેલા રાસાયણીક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તેમજ હાઈબ્રીડ બિયારણ નો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. આત્મા સાથે જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીના અભિગમ અને જરૂરિયાત અંગે સમજ મળી. રાસાયણિક ખેતી માં બટાટા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.
વધુમાં જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીમાં શેરડીની ખેતી એક વાર વાવ્યા પછી પાંચ થી સાત વર્ષ સુધી એ જ શેરડીની કાપણી કરાય છે. શેરડીના મૂલ્યવર્ધનથી સારી આવક મળે છે કોઇ ખર્ચ થતો નથી. વધુમાં તેઓ ૧૦૦% ડ્રિપથી કરી રહ્યા છે. જેથી પાણીની બચત થાય છે. બે વિઘા જમીનમાં પાકેલી શેરડીથી ૩૫૦૦ થી ૪૦૦૦ કિલો ગોળનું ઉત્પાદન થાય છે. કોઇ પણ જાતના ખર્ચ વગર તેઓ આ શેરડી પકવે છે અને તેનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરે છે માટે નફાનું ધોરણ વધુ રહે છે. આ ગોળના ઉત્પાદન માટે તેઓ ૨૦ જેટલા લોકોને રોજગારી આપે છે. ઘરે બેઠા લોકો આ ગોળ ખરીદી જાય છે.
આ સાથે તેઓ હળદર નું મુલ્ય વર્ધન કરી વેચાણ કરે છે. ઘઉં, મીલેટ્સ જેમાં રાગી, બંટી, બાજરી જેવા ધાન્ય, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે.
દેશી ગોળ જેમાં કેમિકલનો ઉપયોગ કર્યા વગર શેરડી ના રસમાં થી ગોળ બનાવાય છે. ગોળ કેલશિયમથી ભરપૂર અને આરોગ્ય વર્ધક છે. ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે. આ ગોળ શુદ્ધ હોય તેવા આશય થી છેલ્લા દસ વર્ષ થી ગોળ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
ખેડૂત જગતનો તાત છે લોકોને આરોગ્યપ્રદ ભોજન મળે તેમજ પર્યાવરણને શુદ્ધ રાખવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ ઉપયોગી અને અસરકાર છે. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થવાથી આજે જમીન બિન ઉપજાઉ અને બંજર બની ગઈ છે. પર્યાવરણ,પાણી દૂષિત થયા છે. કેમિકલ યુક્ત આહાર થી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ નું પ્રમાણ વધ્યું છે. આ તમામ સમસ્યાઓનો ઉકેલ માત્ર અને માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે.
ગાયનું ઘી, દૂધ આરોગ્ય માટે ગુણકારી છે. આપણા વડવાઓ ગાય પાળતા અને દેશી ખેતી કરતા જેથી તે નિરોગી અને દીર્ઘાયુ જીવન જીવતા હતા.આજે સાબરકાંઠા જિલ્લામાં ૩૪૦૦૦ થી ખેડૂતો આ ખેતી અપનાવી રહ્યા છે. આવનારા ભવિષ્યમાં આ સંખ્યા વધશે જેથી જમીનમાં અને પર્યાવરણ સ્વથ્ય બનશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને આપણા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. માટે દરેક ખેડૂત આ ખેતી અપનાવે એવી આગ્રહ ભરી અપીલ અમૃતભાઇ ખેડૂતોને કરી રહ્યા છે.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.