દુબઈનું સપનું બતાવ્યું ને લઈ ગયા પાકિસ્તાન:22 વર્ષ પછી કરાચીથી પરત ફરેલી ભારતીય મહિલાની દર્દનાક કહાની, યુટ્યુબર બન્યો ‘બજરંગી ભાઈજાન’
બોલિવૂડ ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ની સ્ટોરી જેવી જ એક વાસ્તવિક ઘટના સામે આવી છે. ફિલ્મમાં જ્યાં અભિનેતા સલમાન ખાનના પાત્રમાં એક ગુમ થયેલી છોકરીને સરહદ પાર પાકિસ્તાનમાં તેના પરિવાર સુધી પહોંચાડે છે, આવી જ એક રિયલ સ્ટોરીમાં પાકિસ્તાનમાં ઈમામ યુટ્યુબર વલીઉલ્લાહ મારૂફે 22 વર્ષ પહેલાં છેતરપિંડી કરીને પાકિસ્તાનમાં લઈ જવાયેલી ભારતીય મહિલા હમીદા બાનોને ભારતમાં તેના પરિવાર સાથે ભરત મિલાપ કરવામાં મદદ કરે છે. છેલ્લા 22 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી ભારતીય મહિલા હમીદા બાનો લાહોરની વાઘા બોર્ડરથી પોતાના દેશ ભારત પરત આવી હતી. હમીદાને ટ્રાવેલ એજન્ટ છેતરીને પાકિસ્તાન લઈ ગયા હતા. મૂળ મુંબઈની હમીદા 2002માં પાકિસ્તાનના હૈદરાબાદ પહોંચી હતી. બાનો અનુસાર, એક એજન્ટે તેને દુબઈમાં નોકરી અપાવવાનું વચન આપીને છેતરપિંડી કરી હતી. બાનોએ જણાવ્યું કે, એજન્ટ તેને દુબઈ લઈ જવાને બદલે પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લામાં લઈ આવ્યો. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, “સોમવારે તે કરાચીથી ફ્લાઈટ દ્વારા અહીં આવી હતી અને ત્યારબાદ તે વાઘા બોર્ડર થઈને ભારત પહોંચી હતી. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કેમને વિદાય આપી. બાનોને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશી થઈ હતી. બાનોએ કહ્યું કે તેમણે ભારત પરત ફરવાની આશા છોડી દીધી હતી, પરંતુ તેમને આ દિવસ જોવા મળ્યો તે ભાગ્યની વાત છે. ભારત પરત ફર્યા બાદ હમીદાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "મારું નામ હમીદા બાનો છે. હું પાકિસ્તાનમાં રહેતી હતી અને મને છેતરીને ત્યાં લઈ જવામાં આવી હતી. આ વાતને 23 વર્ષ થયા છે. મને ખબર ન હતી કે હું ભારત પહોંચી શકીશ કે નહીં. એક વર્ષ પહેલાં ભારતીય દૂતાવાસે મને સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ પોતાના વતન પરત ફરી શકે છે અને આખરે હું અહીંયા પહોંચી છું.' બ્લોગરના વીડિયોથી હમીદાનું લોકેશન મળ્યું
વર્ષ 2022માં, સ્થાનિક યુટ્યુબર વલીઉલ્લાહ મારૂફે તેના વ્લોગમાં શેર કર્યું હતું કે હમીદા બાનોએ 2002માં ભારત છોડી દીધું હતું જ્યારે એક રિક્રુટમેન્ટ એજન્ટે તેને દુબઈમાં રસોઈયા તરીકે નોકરી આપવાનું વચન આપ્યું હતું. જોકે, તેમને દુબઈ લઈ જવાને બદલે છેતરપિંડી કરીને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા. મારૂફના વ્લોગથી તેમને ભારતમાં તેમના પરિવાર સાથે સંપર્ક કરવામાં મદદ મળી. તેમની પુત્રી યાસ્મીને પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી. મારૂફ સાથે વાત કરતા હમીદા બાનોએ જણાવ્યું કે પાકિસ્તાન આવતા પહેલા તે તેમના પતિના મૃત્યુ બાદ ભારતમાં તેમના ચાર બાળકોને આર્થિક મદદ કરતી હતી. તેમણે અગાઉ દોહા, કતાર, દુબઈ અને સાઉદી અરેબિયામાં કોઈ સમસ્યા વિના રસોઈયા તરીકે કામ કર્યું હતું. પાકિસ્તાનમાં તેના 22 વર્ષના રોકાણ દરમિયાન, બાનોએ કરાચીના એક પાકિસ્તાની પુરુષ સાથે લગ્ન કર્યા, જેનું કોવિડ-19થી મૃત્યુ થયું હતું. ત્યારથી તે તેના સાવકા પુત્ર સાથે રહેતી હતી. હમીદાને શા માટે ફરીથી લગ્ન કરવા પડ્યા?
પત્રકારો સાથે વાત કરતી વખતે હમીદાએ જણાવ્યું કે તે પાકિસ્તાનમાં એક જીવતી લાશની જેમ જીવી રહી હતી, જ્યારે તે એક સિંધી વ્યક્તિને મળી, જેની પત્નીનું અવસાન થયું હતું અને બાળકોની સંભાળ રાખનાર કોઈ ન હતું. તેણે હમીદાને કહ્યું, "તું મારા ઘરે રહેજે, હું તને ખાવાનું અને રહેવાની જગ્યા આપીશ." શરૂઆતમાં હમીદાએ તેની વાત ન માની, પરંતુ મૌલાનાની સલાહ લીધા બાદ તે લગ્ન માટે રાજી થઈ ગઈ. તેમણે સાથે 12 વર્ષ વિતાવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.