જેલમાં થયેલ અને ઘર ખર્ચના રૂપિયા માંગી કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણાનો પડોશી પરીવાર પર હુમલો - At This Time

જેલમાં થયેલ અને ઘર ખર્ચના રૂપિયા માંગી કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણાનો પડોશી પરીવાર પર હુમલો


ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોડી રાતે બોલેરોમાં ઘસી ગયેલ કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા અને તેની સાથેના ત્રણ શખ્સોએ પાડોશી પરીવાર પર હુમલો કરતાં મહિલા સહિત ચાર લોકોને સારવારમાં ખસેડાયા હતાં.
બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.બનાવ અંગે માંડાડુંગરમાં સદગુરૂ પાર્કની બાજુમાં શિવમ સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ મહેશભાઈ ગરચર (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રતીક દિલીપ ચંદારાણા (રહે. માનસરોવર માંડાડુંગર સદગુરૂ પાર્કની બાજુમાં શિવમ સોસાયટી) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમને છેલ્લા દશેક વર્ષથી ભગંદરની તકલીફ હોય કંઇ કામ કરી શક્તો ન હોય જેથી તે ઘરે જ હોય છે. તેમના બંને નાના ભાઈઓ મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતાનું અવસાન થયા બાદ માતાએ અન્ય યુવક સાથે લગ્ન કરેલ જે તેમની સાથે રહે છે.
તેમના વિસ્તારમાં જ રહેતા પ્રતિક ચંદારાણાએ સાતેક મહીના પહેલા ફરિયાદીની સામે રહેતા નરેશભાઈ ભાલીયા સાથે મારામારી કરી માર મારેલ હોય જે બાબતે નરેશભાઇનાં બનેવીએ પ્રતિક સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તે ત્રણેક મહીના સુધી જેલમા હતો. જેલમાંથી છુટીને ઘરે આવી જતા પ્રતિકે નરેશભાઈ ભલીયા સાથેનાં તેના મારીમારીનાં કેસમાં જેલમાં ગયેલ હોય જે બાબતનો ખાર ફરિયાદી ઉપર રાખી તેને જેલમાં થયેલ ખર્ચો અને ઘરનાં ખર્ચનાં રૂપીયાની ગેરકાયદેસર માંગણી કરી અને ન આપીએ તો હેરાન કરતો હોય અને અગાઉ પણ તેમની સાથે ઝઘડો કરવા આવેલ અને મારામારી કરી માતાને ઇજા પહોંચડેલ હતી. તેનાથી ભયભીત થઈ તેઓ ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી મફતીયાપરામાં રહેતાં દાદા રમેશભાની ઘરે રોકાવવા આવી ગયેલ હતા.
ગઈકાલે તે અને તેના ભાઈઓ અને માતા તેમના દાદાના ઘરે સુઇ ગયેલ હતા તે વખતે રાત્રીનાં ત્રણેક વાગ્યાનાં અરસામાં ઘરની ડેલીએ કોઇ માણસ ડેલી ખખડાવતા હોવાનો અવાજ આવતા તેઓ બધા જાગીને ડેલી ખોલી બહાર નીકળી શેરીમાં આવતા એક નંબર પ્લેટ વગરનો કાળા કલરનો બોલેરો ગાડી ઉભેલ હતી. જેમાંથી પ્રતિક તથા તેની સાથે અજાણ્યા ત્રણ શખ્સો હતાં.
પ્રતીક ચંદારાણાએ નંબર વગરના કાળા કલરના બોલેરોમાંથી લાકડાની હોકી કાઢી તેમની માતાને કહેવા લાગેલ કે, તમારે મારા જેલના અને ઘર ખર્ચના રૂપીયા આપવા છે કે નહિ કહેતા તેમની માતાએ કહેલ કે, વગર કારણના રૂપીયા અમે શું કામ આપીએ તેમ કહીં પ્રતીક ગાળો દઈ ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ હોકી વડે મારવા દોડતા યુવાન વચ્ચે પડતા તેને હોકીથી ફટકારેલ હતો. આરોપીએ મારતા મારતા કહેલ કે, તમે રૂપીયા નહી આપો તો તમને હું શાંતિથી જીવવા નહી દઉં અને હું તમારા ત્રણેય દિકરાને જાનથી મારી નાખીશ તેમ કહીં આરોપીઓ ઢીકાપાટુનો મુઢ માર મારવા લાગેલ હતાં. બાદમાં તેમના અન્ય પરિવારજનોએ તેમને છોડાવેલ હતાં અને આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમને તેના બંને ભાઈઓ અને માતાને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી દિલીપ ચંદારણા કુખ્યાત બુટલેગર છે અને તેની વિરૂદ્ધ મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલ છે. થોડા સમય પહેલા પ્રેસ પ્રતિનિધિ બામણબોરના બાબુભાઇ ડાભી પર પણ હુમલો કર્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ફરીવાર લખણ ઝલકાવ્યા હતાં


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.