જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં આજ થી ટેકા ના ભાવે મગફળીની ખરીદી નો પ્રારંભ કરાતાં ખેડૂતો ખુશખુશાલ
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં આજ થી ટેકા ના ભાવે મગફળીની ખરીદી નો પ્રારંભ કરાતાં ખેડૂતો ખુશખુશાલ
ગુજરાત સરકાર દ્વારા દર વષની માફક આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ આજે જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિત્તિ હાપા ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારે ખુલ્લા બજાર કરતાં ખેડૂતોને વધુ ભાવ મગફળીના ટેકાના ભાવમાં મળતા હોય ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો.
જામનગર તાલુકાના ખેડૂતોને મગફળીના ઉંચા ભાવ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિત્તિ હાપા ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રારંભ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઇ સભાયા સહિતના ડાયરેક્ટરો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ખરીદી સમયે મોટી સંખ્યામાં માર્કેટીંગ યાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રારંભ પ્રસંગે ખેડૂતોએ આગેવાનોના મોં મીઠા કરાવ્યા હતાં. જામનગર તાલુકામાં આ વર્ષે વધુ સારો વરસાદ હોય જેને કારણે મગફળીનું ઉત્પાદન પણ ખૂબ થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિત્તિમાં મગફળીની આવક પુષ્કળ થઇ હોય જેને કારણે ખુલ્લા બજારમાં હરરાજીની પ્રક્રિયા ચાલુ કરાઇ છે પરંતુ વધુ આવકને કારણે યાર્ડની અંદર આવક બંધ કરવાની ફરજ પડી હતી. તેવા સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ આજથી કરાયો હતો.
જામનગર ખરીદ વેંચાણ સંઘ દ્વારા સરકારની સુચના મુજબ મગફળીની ખરીદી ટેકાના ભાવે શરૂ કરાઇ હતી. આ અંગે સંઘના મેનેજર પ્રભુલાલ મણવરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે 55 ખેડૂતોને જાણ કરાઇ હતી. જેમાંથી 11 ખેડૂતો પોતાની મગફળીના વેંચાણ અર્થે આવ્યા હતાં. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, જીણી મગફળીનો ઉતારો 13 નો અને જાડી મગફળીના 14 ના ઉતારાનો નિયમ છે. તેમજ એક બેગમાં 35 કિલોની ભરતી કરાશે. જામનગર તાલુકામાં 9000 થી ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. ટેકાના ભાવે એક મણ મગફળીની ભાવ રૂા.1356.60 જાહેર કરાયો છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત્ વર્ષે ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીની સારા ભાવ મળતાં હોય જેથી ટેકાના ભાવે મગફળીના વેંચાણમાં કોઇ સફળતા મળી ન હતી પરંતુ આ વર્ષે ખુલ્લા બજાર કરતાં ઉંચા ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરાઇ છે. જેમાં સારા ભાવ ખેડૂતોને મળશે. જેથી સારો રિસ્પોન્સ મળે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
ટેકાના ભાવે મગફળીના વેચાણ અર્થે આવેલા જામનગર તાલુકાના પશાયા ગામના ખેડૂત ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક લાભ થશે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારનો હેતુ પણ ખૂબ જ સારો છે. કારણ કે યાર્ડની અંદર ખુલ્લા બજારમાં એક મણ મગફળીનો ભાવ ખેડૂતોને રૂા.900 થી 1100 મળી રહ્યો છે. જ્યારે સરકારના દ્વારા ટેકાના ભાવે રૂા.1356 ભાવ મળી રહ્યો છે. આમ ખેડૂતોને એક મણે જ રૂા.250 જેટલો ફાયદો મળી રહ્યો છે. ભાવેશભાઇ 200 મણ મગફળીના વેચાણ અર્થે આવ્યા હતાં. તેઓએ સરકાર પ્રત્યે ખેડૂતો વતી આભારની લાગણી વ્યકત કરી હતી.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.