રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે સ્ટાફને તાલીમ આપી, શનિવારે આગ ભભૂકી - At This Time

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે સ્ટાફને તાલીમ આપી, શનિવારે આગ ભભૂકી


ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના મુદ્દે કોઇપણ પ્રકારની બાંધછોડ નહીં કરવા તમામ તંત્રને સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના નામે લાખો કરોડો રૂપિયાના ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કટોકટીની સ્થિતિ આવે ત્યારે તમામ સિસ્ટમ ફેલ હોય તે પ્રથા આજે પણ યથાવત્ રહી છે. આગ લાગે ત્યારે શું કરવું, આગ કેવી રીતે બુઝાવવી તે અંગેની સિવિલ હોસ્પિટલના સ્ટાફને શુક્રવારે તાલીમ આપવામાં આવી હતી. આ અંગેની હોસ્પિટલના સત્તાધીશોએ ખૂબ જ જાહેરાતો કરીને વાહવાહી લૂંટી હતી, પરંતુ ગણતરીની કલાકોમાં જ પોપલી સિસ્ટમના પરપોટા ફૂટી ગયા હતા. શનિવારે નવી ઓપીડી બિલ્ડિંગના બીજામાળે રૂમ નં.25માં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. પટાવાળાએ એસી ચાલુ કરતાં જ ધડાકો થયો હતો અને આગ ભભૂકી હતી. ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલના સ્ટાફે ફાયર એક્સટિંગ્વિસરથી આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ફાયર એક્સટિંગ્વિસર ચાલ્યા નહોતા. ફાયર સિસ્ટમની પાઇપલાઇન પણ યોગ્ય સ્થિતિમાં નહોતી. અંતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાચ તોડીને કામગીરી શરૂ કરી હતી. ધુમાડાના ગોટાથી હોસ્પિટલ કેમ્પસમાં થોડીવાર માટે ભયનું લખલખું પ્રસરી ગયું હતું. જોકે ફાયર બ્રિગેડની કામગીરીથી સદ્નસીબે મોટી દુર્ઘટના અટકી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.