ભાસ્કર ખાસ:મેનપુરમાં 45 હાથીઓનો પડાવ, ભયના માર્યા 2 હજાર પરિવાર સાંજે 5 વાગ્યા પછી છત પર રહેવા મજબૂર, કામ-ધંધા ઠપ - At This Time

ભાસ્કર ખાસ:મેનપુરમાં 45 હાથીઓનો પડાવ, ભયના માર્યા 2 હજાર પરિવાર સાંજે 5 વાગ્યા પછી છત પર રહેવા મજબૂર, કામ-ધંધા ઠપ


છત્તીસગઢના મેનપુર વિસ્તારમાં હાથીઓનો આતંક અટકવાનું નામ નથી લેતો. લગભગ 45 હાથીઓનું એક ઝૂંડ આ વિસ્તારમાં પડાવ નાખીને બેઠું છે, જેથી ગ્રામીણોમાં ભયનો માહોલ છવાયેલો છે. ગ્રામીણોમાં એવો ભય ફેલાયો છે કે તેઓ બહાર કામ માટે ગ્રૂપ બનાવી જાય છે. ગ્રૂપના અડધા લોકો માત્ર સુરક્ષા માટે દેખરેખ રાખે છે. વિસ્તારમાં પડાવ નાખવા પાછળનું કારણ હાથીઓનાં ટોળાંમાં વધુ ત્રણ નવા મહેમાન આવ્યા હોવાનું જણાવી રહ્યા છે. સ્થાનિક સુખસિંહ કમારે જણાવ્યું હતું કે સાંજે લગભગ પાંચ વાગ્યા પછી આખું ગામ ઘરની છત પર ચઢી જાય છે. જેમની પાસે પાકાં મકાન નથી તેઓ અન્યના ધાબાનો આશરો લે છે. હાથીઓનો ડર એટલો ભયંકર છે આખું ગામ આ રીતે રાત વિતાવવા મજબૂર બને છે. ધોબીપરાના ભાનુ શંકર જણાવે છે કે દિવસે પણ હાથીઓ ગામમાં ઘૂસી આવે છે. હવે શાળાથી લઈ ઘર સુધીનો રસ્તો પણ સુરક્ષિત નથી. રોજગાર અને પરંપરાગત કામ ઠપ : વરસાદ બાદ રોજગાર ગેરંટીની કામગીરી શરૂ થવાની ધારણા હતી, પરંતુ હાથીઓની હાજરીથી બધું થંભી ગયું છે. છિંદૌલાના પંચ ભંવરસિંહ સોરી કહે છે કે એકલવ્ય વિદ્યાલયનો મોટો પ્રોજેક્ટ પણ અટકી ગયો છે. ખેતરનો પાક બરબાદ થયો છે. વાંસની ટોપલીઓ બનાવવા જેવું પરંપરાગત કામ પણ બંધ થઈ ગયું છે. હવે હાથીઓના ડરથી સામાજિક, ધાર્મિક કે પારિવારિક પ્રસંગો થઈ રહ્યા નથી. જીવના જોખમે બાળકીઓને બચાવી:
ફરસારાના સુંદરસિંહ તેમની બે દીકરીઓ સાથે નદીમાં નહાવા ગયા હતા એટલામાં જ હાથીઓનું ટોળું આવી પહોંચ્યું. દીકરીઓ હાથીઓની ખૂબ નજીક હતી, પરંતુ સુંદરસિંહે દૂરથી બોલાવીને હાથીનું ધ્યાન ખેંચ્યું. હાથી તેમની તરફ દોડ્યો અને તેઓએ કોઈક રીતે નાળામાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો. નુકસાનની ભરપાઈ કરાશે :
વન વિભાગના એસડીઓ રાજેન્દ્ર સોરીએ ભાસ્કરને જણાવ્યું હતું કે 12 ગામના 30 ખેડૂતોના 60 એકરમાં પાકને નુકસાન પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. સરવેની કામગીરી ચાલી રહી છે. વળતર માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.