EDITOR'S VIEW: આ કોર્ટ છે કોફી શોપ નહીં:ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ વકીલ સામે બગડ્યા, ત્રણ અલગ અલગ કેસમાં સુપ્રિમ કોર્ટે ઓથોરિટીના કાન આમળ્યા, પ્રસાદ મામલે ચંદ્રાબાબુની ઝાટકણી કાઢી - At This Time

EDITOR’S VIEW: આ કોર્ટ છે કોફી શોપ નહીં:ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ વકીલ સામે બગડ્યા, ત્રણ અલગ અલગ કેસમાં સુપ્રિમ કોર્ટે ઓથોરિટીના કાન આમળ્યા, પ્રસાદ મામલે ચંદ્રાબાબુની ઝાટકણી કાઢી


CJI ડી.વાય.ચંદ્રચૂડે આજે ત્રણ અલગ અલગ સુનાવણીમાં અરજદારને અને આંધ્ર સરકારને ખખડાવી નાખ્યા હતા. આંધ્ર સરકારને તો એવું કહી દીધું કે, ભગવાનને રાજકારણમાં ન લાવો. તો ગરીબ સ્ટુડન્ટના એડમિશન માટે IIT ધનબાદનો કાન આમળ્યો હતો. નમસ્કાર, સુપ્રીમ કોર્ટેમાં સોમવારે ત્રણ અલગ અલગ સુનાવણી થઈ. પહેલી સુનાવણી પૂર્વ CJI જસ્ટીસ રંજન ગોગોઈના નિર્ણયો પર સવાલ ઉઠાવતી અરજી સંદર્ભે હતી. બીજી સુનાવણી તિરુપતિના લાડુ પ્રસાદમાં પશુઓની ચરબી મળવા અંગેની અરજી પર હતી. આ બંને સુનાવણીમાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ગોગોઈ સામે અરજી કરનાર અરજદારને ઝાટકી નાખ્યો હતો તો તિરુપતિ પ્રસાદ મુદ્દે આંધ્રપ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી ચંદ્રાબાબુની ઝાટકણી કાઢી હતી. ત્રીજી સુનાવણીમાં સુર્વોચ્ચ અદાલતે IIT ધનબાદના એડમિનિસ્ટ્રેશનને ખખડાવ્યું અને માનવીય રીતે એક ગરીબ-દલિત વિદ્યાર્થીને ન્યાય આપ્યો. પહેલાં તિરુપતિ લાડુ પ્રસાદની સુનાવણી વિશે જાણો...
તિરુપતિના લાડુ પ્રસાદમાં પશુઓની ચરબી હોવાનું સામે આવતાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી આજે થઈ હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે તિરુપતિ લાડુ વિવાદ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને ફટકાર લગાવીને પૂછ્યું કે, SITનો રિપોર્ટ આવે તે પહેલાં તમે મીડિયામાં કેમ ગયા? સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્યમંત્રીને કહ્યું કે તમે બંધારણીય પદ પર છો. તમારે SITના નિષ્કર્ષની રાહ જોવી જોઈતી હતી. વાંચો, કોર્ટરૂમમાં શું થયું...
એડવોકેટ રાવ: મંદિરમાં એક એવી પ્રક્રિયા છે જેમાં માત્ર શુદ્ધ સામગ્રી જ અંદર જાય છે અને તે પણ પરમિશન વગર નહીં. મુખ્યમંત્રીનું નિવેદન આ પ્રક્રિયાનું ખંડન કરે છે. મંદિરના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા? શું રિજેક્ટ થયેલા સેમ્પલમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા? સપ્લાયર કોણ હતું? શું કોઈ રાજકીય હસ્તક્ષેપને મંજૂરી આપવી જોઈએ? એડવોકેટ રાવ: તમારી પાસે કોઈ આધાર ન હોય ત્યારે પ્રસાદ ભેળસેળવાળો છે તેવું નિવેદન કરવું એ ખેદજનક છે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિ માટે શું આ જ જવાબદારી બાકી રહી છે? આજે તે ધર્મ વિશે કહે છે, કાલે તે કંઈક બીજું હશે. અરજદારઃ હું ઈચ્છું છું કે ભાવનાઓનું સન્માન કરવામાં આવે. મારી લાગણી દુભાઈ છે. અમારી માંગ છે કે બંધારણીય સમિતિની રચના કરવામાં આવે, જેની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવે. આંધ્ર સરકાર તરફથી વકીલ રોહતગીઃ આ સાચી અરજીઓ નથી. આ વર્તમાન સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ છે. તિરુપતિ મંદિરને શોકોઝ નોટિસ અપાઈ છે અને પૂછવામાં આવ્યું છે કે, ક્યા પ્રકારનો સામાન સપ્લાય થાય છે. જસ્ટિસ ગવઈ: શું તમારી પાસે કોઈ આધાર છે જેના આધારે તમે આ નિષ્કર્ષ પર આવ્યા છો? આંધ્ર સરકારના વકીલ રોહતગીઃ અમારી પાસે લેબ રિપોર્ટ છે. જસ્ટિસ જે વિશ્વનાથનઃ રિપોર્ટ હજુ સ્પષ્ટ નથી. જો તમે તપાસનો આદેશ આપી દીધો હતો તો મીડિયામાં જવાની શું જરૂર હતી? જુલાઈમાં રિપોર્ટ આવ્યો અને સપ્ટેમ્બરમાં નિવેદન આવ્યું. શરૂઆતનો રિપોર્ટ કહે છે કે આ તે સામગ્રી નથી જેનો ઉપયોગ પ્રસાદ બનાવવા કરવામાં આવ્યો હતો. જસ્ટિસ ગવઈ: તમે SITની રચના કરી હતી, પરિણામ આવે ત્યાં સુધી તમારે મીડિયામાં જવાની શી જરૂર હતી. તમે આમ હાલ્યા જ આવો છો. આવું બીજીવાર થયું છે. જસ્ટિસ ગવઈ: જ્યારે તમે બંધારણીય હોદ્દા પર બેઠા હો ત્યારે અમને આશા છે કે તમે આવા નિવેદનો નહીં આપો. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે ભગવાનને રાજનીતિથી દૂર રાખશો. જસ્ટિસ વિશ્વનાથન: જ્યાં સુધી તમે ચોક્કસ ન હોવ, તમે જાહેરમાં આવા નિવેદન કેવી રીતે આપી શકો? આવી સ્થિતિમાં તપાસનો અર્થ શું? આંધ્ર સરકારઃ છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓ પાસેથી ઘી ખરીદવામાં આવે છે. તેની ગુણવત્તા અંગે ફરિયાદ હતી, એ પછી અમે ટેન્ડર બહાર પાડનારાઓને નોટિસ મોકલી હતી. જસ્ટિસ ગવઈ: શું ઘી જે અસલી નહોતું તે પ્રસાદમ માટે વપરાતું હતું? આંધ્ર સરકાર: અમે તેની તપાસ કરી રહ્યા છીએ. જસ્ટિસ ગવઈ: ત્યારે મીડિયામાં બોલવાની આટલી ઉતાવળ કેમ હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈતું હતું. જસ્ટિસ વિશ્વનાથનઃ પ્રસાદમ બનાવવામાં આ જ ઘીનો ઉપયોગ થતો હોવાના શું પુરાવા છે? જસ્ટિસ વિશ્વનાથનઃ જ્યારે તમે સપ્લાયરને મંજૂરી આપો છો ત્યારે ઘી ભેળવવામાં આવે છે તો તમે તેને અલગ કેવી રીતે કરશો. તમે કેવી રીતે ઓળખશો કે કયા સપ્લાયરે ઘી મોકલ્યું છે. જસ્ટિસ ગવઈઃ તમે SITની રચના ક્યારે કરી? આંધ્ર સરકાર: 26 સપ્ટેમ્બરે. જસ્ટિસ ગવઈઃ તમારા મુખ્યમંત્રી ક્યારે મીડિયામાં ગયા? જસ્ટિસ વિશ્વનાથનઃ તમે કહી શકો છો કે ટેન્ડર ખોટી રીતે આપવામાં આવ્યા હતા, પણ તમે એમ થોડું કહી શકો કે, ઘી ભેળસેળિયું હતું. તેનો પુરાવો શું છે? જસ્ટિસ ગવઈઃ પ્રસાદમમાં ભેળસેળવાળું ઘી હતું, તેના શું પુરાવા છે? તિરુપતિ ટ્રસ્ટ: લોકોએ ફરિયાદ કરી હતી કે લાડુનો સ્વાદ બરાબર નથી. સોલિસિટર જનરલઃ આ વિશ્વાસની વાત છે. જો ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થતો હોય તો તે સ્વીકારી શકાય નહીં. કોણ જવાબદાર છે તે શોધવું જોઈએ. આની તપાસ થવી જોઈએ. જસ્ટિસ ગવઈઃ જો SITની તપાસ ચાલી રહી છે અને આવા નિવેદનો જાહેરમાં કરવામાં આવી રહ્યા છે તો SIT પર શું અસર થશે. જો કોઈ ફરિયાદ હોય તો તમારે દરેક ટેન્કરની તપાસ કરવી હતી. તિરૂપતિ ટ્રસ્ટ: તમામ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, આવું બેવાર કરવામાં આવ્યું હતું. એનડીડીબીના રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં ભેળસેળ હતી. જો પ્રોડક્ટમાં કોઈ ફરિયાદ જોવા મળે છે તો અમે તેને તપાસ માટે NDDBને મોકલીએ છીએ. તેમણે જ રિપોર્ટ આપ્યો છે, અમે નહીં. જસ્ટિસ ગવઈ: પરંતુ તે ક્યાંય સ્પષ્ટ નથી કે તેનો ઉપયોગ પ્રસાદમમાં થયો હતો. તમારા જ અધિકારી કહી રહ્યા છે કે ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થયો નથી. તિરુપતિ ટ્રસ્ટ: તે માત્ર ન્યૂઝમાં આવ્યું હતું. જસ્ટિસ ગવઈ: જવાબ આપતાં પહેલાં ધ્યાન રાખો. આની ખૂબ વ્યાપક અસર પડે છે. આજે તમારી પાસે કોઈ જવાબ નથી. 18મીએ પણ નિવેદન આપવાનો કોઇ આધાર નહોતો. હવે સુપ્રીમ કોર્ટમાં 3 ઓક્ટોબરે સુનાવણી
તિરુપતિ પ્રસાદમ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ અમારું માનવું છે કે જ્યારે કેસની તપાસ ચાલી રહી છે ત્યારે ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકોએ નિવેદનો ન આપવા જોઈએ. જે જનતાની ભાવનાઓને પ્રભાવિત કરે છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસે ઓપિનિયન રિપોર્ટ માગ્યો છે કે શું રાજ્ય સરકારની SIT પૂરતી છે કે અન્ય કોઈએ નવેસરથી તપાસ કરવી જોઈએ? સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી 3 ઓક્ટોબરે કરશે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે રાજ્ય સરકારની SIT આ કેસની તપાસ કરે કે નવેસરથી તપાસનો આદેશ આપવો. હવે વાંચો પૂર્વ CJI રંજન ગોગોઈ સામેના કેસની સુનાવણી...
વાત એમ છે કે, મહારાષ્ટ્રનો અરજદાર છે. તેણે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી કે, પૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ જેટલા નિર્ણયો આપ્યા તેમાંથી અમુકમાં મને શંકા છે. એટલે રંજન ગોગોઈ સામે ઈનહાઉસ તપાસ થવી જોઈએ. આ સુનાવણીમાં ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ સિવાય ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રા પણ હતા. આ કેસમાં જે સુનાવણી થઈ તે વાંચો...
પહેલાં તો અરજદારના વકીલને ખરાબ અંગ્રેજી માટે ખખડાવ્યો. એડવોકેટ: ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈનો નિર્ણય વેલિડ ટર્મિનેશન નહોતો. CJI ચંદ્રચુડ: પણ શું આ અનુચ્છેદ 32ની અરજી છે? તમે જજને પક્ષકાર બનાવીને પીઆઈએલ કેવી રીતે દાખલ કરી શકો? એડવોકેટ: યા..યા.. ત્યારે CJI રંજન ગોગોઈએ મને ક્યુરેટિવ ફાઇલ કરવાનું કહ્યું. CJI ચંદ્રચુડઃ આ કોફી શોપ નથી! આ શું છે યા...યા... મને આની બહુ એલર્જી છે. આ બોલવાની મંજૂરી આપી શકાય નહીં. પછી CJIએ વકીલને મરાઠીમાં સમજાવ્યું ત્યારબાદ CJIએ વકીલને મરાઠીમાં સમજાવ્યું CJI ચંદ્રચુડ: (મરાઠીમાં) જજ આલા પાર્ટી કરત નહીં. તાસા કારણ હૈ. (તમે ન્યાયાધીશને દોષી ઠેરવી શકતા નથી. કાયદામાં આ માટે એક પ્રક્રિયા છે) જ્યારે તમે હાઈકોર્ટના નિર્ણયને પડકારો છો, ત્યારે તમે અહીં ન્યાયાધીશને દોષી ઠેરવતા નથી. એડવોકેટઃ મૈં કાય કરત સાહેબ (મારે શું કરવું જોઈએ). CJI ચંદ્રચુડઃ તુમ્હલે સુઝત નાહીં (તમે મારી વાત સમજતા નથી.) CJI ચંદ્રચુડઃ શું તમે અપીલમાંથી જસ્ટિસ ગોગોઈનું નામ હટાવી દેશો? વકીલ: હો હો (હા..હા..) હું આવું કરીશ. CJI ચંદ્રચુડ: ઠીક છે. તમે પહેલાં તેને હટાવો. પછી અમે જોઈ લેશું. પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ 2018માં અરજી દાખલ થઈ હતી
પૂર્વ CJI ગોગોઈ વિરુદ્ધ અરજી મે 2018માં દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ CJI ગોગોઈએ ગેરકાયદેસર નિવેદનના આધારે શ્રમ કાયદા હેઠળ સેવા સમાપ્તિને પડકારતી અરજી ખોટી રીતે ફગાવી દીધી હતી. તેના ચુકાદામાં મોટી ભૂલો હતી. સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડે કહ્યું કે સાચું કે ખોટું, સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય હોય છે. રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી છે. હવે તમારે ક્યુરેટિવ ફાઇલ કરવું પડશે, પરંતુ તમે તે કરવા માંગતા નથી. સીજેઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યારે હાઈકોર્ટના કોઈ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે ત્યારે આ કેસમાં નિર્ણય આપનાર હાઈકોર્ટના જજને પક્ષકાર બનાવવામાં આવતા નથી. હવે વાત ત્રીજા કેસની સુનાવણીની...
સ્ટુડન્ટ હોંશિયાર હોય અને તેની પાસે પૈસા ન હોય તો ભણી ન શકે, એ વાત પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ છે અને IIT ધનબાદનો કાન આમળીને એક સ્ટુડન્ટને એડમિશન અપાવ્યું છે. આ કેસ એવો છે કે, એક પ્રતીભાશાળી અને હોંશિયાર સ્ટુડન્ટ્સ તેની આર્થિક સ્થિતિના કારણે IIT ધનબાદમાં સમયસર 17,500ની ફી ભરી શક્યો નહોતો. આ કારણોસર IIT ધનબાદના સત્તાધિશોએ એડમિશન આપ્યું નહીં. લાચાર વિદ્યાર્થી અતુલ અને તેના પિતાએ યુનિવર્સિટીથી લઈને એસસી-એસટી કમિશન, ઝારખંડ હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ સુધી તમામ પ્રયાસ કર્યા, પરંતુ ત્રણ મહિના સુધી દોડ્યા પછી પણ જ્યારે તેને કંઈ મળ્યું નહીં ત્યારે તેણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. મૂળ વાત એ છે કે IIT ધનબાદમાં સીટ મળ્યા બાદ ફી જમા કરાવવાની છેલ્લી તારીખમાં માત્ર 4 દિવસ બાકી હતા. પિતાએ 24 જૂને સાંજે 5 વાગ્યા સુધીમાં પુત્રની ફી જમા કરાવવાની હતી. 24 જૂને સાંજે 4:45 વાગ્યા સુધીમાં રાજેન્દ્રએ કોઈક રીતે પૈસાની વ્યવસ્થા કરી લીધી. સમય ઓછો હોવાથી તેણે અતુલના ભાઈના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા. પણ ટેકનિકલ ઈશ્યૂના કારણે આઈઆઈટીમાં પૈસા જમા થઈ શક્યા નહીં ને એડમિશન રદ્દ થયું. કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ને આજે સુનાવણી થઈ ત્યારે આ ગરીબ સ્ટુડન્ટની વહારે કોર્ટ આવી. કોર્ટે IIT ધનબાદનો ઉધડો લઈને કહ્યું કે, કોઈ સ્ટુડન્ટ પૈસાના અભાવે ફી ન ભરી શકે તો તમે થોડી રાહ ન જોઈ શકો? તારીખ જતી રહી એટલે એડમિશન નહીં આપવાનું, એ કેવો નિયમ? તમે એ તપાસ કરી કે આ સ્ટુડન્ટ કેમ ફી ન શક્યો? તેની મજબૂરી શું હતી? સુપ્રીમ કોર્ટ આ સ્ટુડન્ટને તાત્કાલિક એડમિશન આપવાનો આદેશ કરે છે. સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડની બેન્ચે જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી, IIT એડમિશન કમિટિ અને IIT મદ્રાસ પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિરાશ ન થવું જોઈએ. છેલ્લે, મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી ઈન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ એટલે મહાકાય ખિસકોલી હતું. હવે ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્ય પ્રાણી જાહેર કરી દીધું છે. ગુજરાતે તો બહુ ગાય... ગાય.. કર્યું છે પણ આ ગાયને મહારાષ્ટ્ર હાંકી ગયું છે!! સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.