EDITOR'S VIEW: દિલ્હીનાં એક્સિડેન્ટલ CM:આફતને અવસરમાં પલટવા કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, આતિશી માર્લેનાને ગાદીએ બેસાડવા પાછળનાં પાંચ મજબૂત કારણો - At This Time

EDITOR’S VIEW: દિલ્હીનાં એક્સિડેન્ટલ CM:આફતને અવસરમાં પલટવા કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, આતિશી માર્લેનાને ગાદીએ બેસાડવા પાછળનાં પાંચ મજબૂત કારણો


લિકર પોલિસી કેસમાં કેજરીવાલ એપ્રિલ મહિનાથી જેલમાં હતા. વચ્ચે 21 દિવસ જામીન પર છૂટ્યા હતા પણ 15 ઓગસ્ટે તે તિહાર જેલમાં જ હતા. કેજરીવાલે જેલમાંથી લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખ્યો કે, હું જેલમાં છું તો મારા બદલે મંત્રી આતિશીને ધ્વજ વંદન કરવાની છૂટ આપવામાં આવે. ત્યારે તો LGએ ના પાડી દીધી પણ હવે એ જ આતિશીને કેજરીવાલે મુખ્યમંત્રી બનાવી દીધાં છે અને તે 26 જાન્યુઆરીનું ધ્વજ વંદન કરે તેવી શક્યતા તો છે જ. નમસ્કાર, નરેન્દ્ર મોદીના જન્મ દિવસે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી નવાં મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ પછી મનીષ સિસોદિયા અને ત્રીજા ક્રમે આતિશી માર્લેના હતાં. સિસોદિયા અને કેજરીવાલ લિકર પોલિસી કેસમાં જેલમાં હતાં. બંને જામીન પર છે એટલે દિલ્હીની AAP સરકારનો ભાર આતિશીના ખભા પર હતો, જે તેમણે સુપેરે નિભાવ્યો. આ બધું જોતાં કેજરીવાલે સર્વસંમતીથી દિલ્હીનાં નવાં મહિલા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર કર્યું છે. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી આતિશી માર્લેના હવે દિલ્હીનાં ત્રીજા મુખ્યમંત્રી હશે. આતિશીને મુખ્યમંત્રી બનાવવાનાં 5 કારણો 1. એજ્યુકેશન સિસ્ટમનાં આર્કિટેક્ટ: દિલ્હીની દરેક સરકારી સ્કૂલમાં એજ્યુકેશન સિસ્ટમ સુધારવા માટે આતિશી પ્રેરક બળ હતાં. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે સેવા આપતાં ત્યારે આતિશીએ કેટલાંક મહત્વનાં પગલાં લીધાં, જેમ કે 'એન્ટરપ્રેન્યોરશિપ માઈન્ડસેટ' અને 'હેપિનેસ' જેવા અભ્યાસક્રમો શરૂ કરાવ્યા. 2. પોલિટીકલ કરિયર: આતિશી દિલ્હીની કાલકાજી સીટ પરથી ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ રાજકારણી છે. તે પહેલાં દિલ્હી સરકારના શિક્ષણ વિભાગના સલાહકાર તરીકે જાણીતાં થયાં અને પછીથી 2020ની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય બન્યાં. 3. ઓક્સફર્ડનાં સ્ટુડન્ટ રહી ચૂક્યાં છે: આતિશીએ દિલ્હીમાં સેન્ટ સ્ટીફન કૉલેજમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂરો કર્યો અને માસ્ટર પ્રોગ્રામ માટે સ્કોલરશિપ મેળવીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયાં. સારાં એજ્યુકેશનના કારણે જ તેમણે દિલ્હીની સરકારી સ્કૂલોને રિફોર્મ કરી. 4. દિલ્હીનાં કેબિનેટ મંત્રી: કાનૂની મુશ્કેલીઓને કારણે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપ્યા પછી આતિશીને માર્ચ 2023માં દિલ્હી કેબિનેટમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં અને તેમણે શિક્ષણ, જાહેર બાંધકામ વિભાગ (PWD), પાવર અને પર્યટન મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.કેજરીવાલ અને સિસોદિયાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના મહત્વનાં કામો સંભાળ્યા અને 14 મંત્રાલયનો કારભાર પણ સંભાળ્યો. 5. પર્યાવરણનાં હિમાયતી: શિક્ષણમાં તેમના કામ ઉપરાંત, આતિશી પર્યાવરણીય મુદ્દાઓ માટે પણ મજબૂત રીતે અવાજ ઉઠાવતાં રહ્યાં છે. તેમણે દિલ્હીમાં રિન્યુએબલ એનર્જી, પોલ્યુશન કંટ્રોલ અને સસ્ટેઈનિબિલિટી સંબંધિત નીતિઓને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું. મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયા બાદ આતિશીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીની મિટિંગમાં 30 જ મિનિટમાં આતિશીના નામ પર સર્વસંમતી સધાયા બાદ આતિશી મિટિંગ કરીને બહાર આવ્યાં ને તેમણે મીડિયા સાથે લાંબી વાતચીત કરી હતી. આતિશીએ કહ્યું કે, મને ખુશી છે કે મને સીએમ બનાવાઈ. પણ દુ:ખ એ વાતનું છે કે મારા મોટા ભાઈ અરવિંદજી આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે. દિલ્હીના 2 કરોડની જનતાને હું કહેવા માંગુ છું કે દિલ્હીના મુખ્યમંત્રી તો અરવિંદ કેજરીવાલ જ છે. કેજરીવાલજી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં ભાજપે 2 વર્ષથી કોઈ કસર છોડી નથી. આવા માણસ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, CBI-EDને પાછળ દોડાવી. 5 મહિના જેલમાં રાખવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા છે. કેન્દ્ર સરકાર અને એજન્સીઓના મોઢા પર થપ્પડ સમાન છે. સુપ્રીમે તો કહ્યું હતું કે એજન્સીઓ કેદમાં પોપટ જેવી છે. આતિશીએ કહ્યું કે, દિલ્હી આજે ગુસ્સામાં છે અને કેજરીવાલ સામેના ષડયંત્રથી નારાજ છે. તેઓ જાણે છે કે જો કેજરીવાલ હવે સીએમ નહીં રહે તો તેમને મફત વીજળી નહીં મળે, સરકારી સ્કૂલો ફરી જર્જરિત થઈ જશે, હોસ્પિટલોમાં સારી સારવાર નહીં મળે, મહોલ્લા ક્લિનિક્સ બંધ થઈ જશે, મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને વૃદ્ધો માટે તીર્થયાત્રા બંધ થઈ જશે. તેમણે જોયું છે કે 22 રાજ્યોમાં ભાજપની સરકાર છે, તેમાંથી એક પણ રાજ્યમાં મફત વીજળી અથવા બસ મુસાફરી નથી. મારે કેજરીવાલજીને ફરી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવા છે અને ચૂંટણી સુધી હું તેમને મુખ્યમંત્રી બનાવવાના હેતુથી જ કામ કરીશ. આ નિર્ણય પછી કોણે શું કહ્યું? કોણ છે આતિશી માર્લેના? દિલ્હીને અત્યાર સુધીમાં ત્રણ એજ્યુકેટેડ મહિલા મુખ્યમંત્રી મળ્યાં 1. સુષ્મા સ્વરાજ : મોદી સરકારમાં કેન્દ્રીય વિદેશ મંત્રી રહી ચૂકેલાં સુષ્મા સ્વરાજ 12 ઓક્ટોબર 1998થી 3 ડિસેમ્બર 1998 સુધી 52 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતાં. તેમણે અંબાલા કેન્ટની સનાતન ધર્મ કોલેજમાંથી સંસ્કૃત અને પોલિટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એ પછી પંજાબ યુનિવર્સિટીમાંથી લૉ ભણ્યાં. એ પછી તે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પણ હતાં. 2. શીલા દીક્ષિત : દિલ્હીના સૌથી લાંબો સમય કોઈ મુખ્યમંત્રી રહ્યાં હોય તો એ શીલા દીક્ષિત છે. 3 ડિસેમ્બરથી 1998થી 28 ડિસેમ્બર 2013 વચ્ચે 3 ટર્મ CM રહ્યાં. તેનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 15 વર્ષ 25 દિવસનો હતો. શીલા દીક્ષિતનો અભ્યાસ દિલ્હીમાં જ થયો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી (ઈતિહાસ)માં માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. 3. આતિશી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ 17 સપ્ટેમ્બર, 2024ના દિવસે નવાં મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર કર્યું હતું. લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આતિશીએ હિસ્ટ્રી (ઈતિહાસ)માં માસ્ટર ડિગ્રી મેળવી છે. શીલા દીક્ષિત પણ આ જ વિષયમાં માસ્ટર થયાં હતાં. કેજરીવાલે રાજીનામું કેમ આપ્યું, આ રહ્યાં ત્રણ કારણ... 1. મુખ્યમંત્રી છે, પણ સત્તા નથ
દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ 5 મહિના બાદ જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક શરત મૂકી કે તે સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ ફાઇલ પર સહી નહીં કરે. મતલબ કે જેલમાંથી બહાર આવીને મુખ્યમંત્રી હોવા છતાં તેમની પાસે હવે સત્તા રહી નથી. 2. માત્ર 5 મહિનાનો કાર્યકાળ બાકી છે
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં પૂરો થાય છે. એટલે કે સરકાર પાસે ચૂંટણીને માત્ર 5 મહિના બાકી છે. આ સમયગાળા દરમિયાન સરકારો ચૂંટણીલક્ષી નિર્ણયો લે છે. કેજરીવાલ કોર્ટની શરતોથી બંધાયેલા છે. જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલ પ્રત્યે લોકોની સહાનુભૂતિ છે એટલે કેજરીવાલ બે-ત્રણ મહિના અગાઉ દિલ્હીમાં ચૂંટણીની માંગ કરીને આનો ફાયદો ઉઠાવવા માંગશે. 3. પ્રામાણિક નેતાની છબી મજબૂત કરશે
જ્યારથી દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમનું નામ સામે આવ્યું છે અને તેમની ધરપકડ થઈ છે, ત્યારથી ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા હતા. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપના નેતાઓને સીધું કહી શકશે કે તેમણે આરોપોને કારણે જ મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. તેમની પ્રામાણિકતા હવે જનતા નક્કી કરશે. છેલ્લે, 2015માં આમ આદમી પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિ થઈ હતી. કેજરીવાલના ડાબો-જમણો હાથ ગણાતા બે નેતા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે પાર્ટી છોડી દીધી. ત્યારે આતિશી પાર્ટી પ્રવક્તા હતાં. યોગેન્દ્ર યાદવ તેને પાર્ટીમાં લાવ્યાં હતાં. કેજરીવાલને થયું કે, આતિશી યોગેન્દ્રનો રાઈટ હેન્ડ છે એટલે તેને પણ કાઢી મૂક્યાં. પણ આતિશીએ ચાલાકી વાપરી. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને લેટર લખીને તેમની સાથે છેડો ફાડી નાખ્યો ને કેજરીવાલનો સાથ આપ્યો. 2015ના આ યુટર્ન જેવા નિર્ણયનું ફળ આતિશીને 9 વર્ષે મળ્યું ખરું. કેહવાય છે ને, ધીરજનાં ફળ મીઠાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.