મોદી યુક્રેન પહોંચે તે પહેલાં રશિયા પર મિસાઈલ મારો:45 વર્ષમાં પહેલીવાર કોઈ PM પોલેન્ડ-યુક્રેનની મુલાકાતે, પોલેન્ડમાં જામ સાહેબના સ્મારકે પણ જશે - At This Time

મોદી યુક્રેન પહોંચે તે પહેલાં રશિયા પર મિસાઈલ મારો:45 વર્ષમાં પહેલીવાર કોઈ PM પોલેન્ડ-યુક્રેનની મુલાકાતે, પોલેન્ડમાં જામ સાહેબના સ્મારકે પણ જશે


રશિયા અને યુક્રેન વોર વધુ આક્રમક બની રહી છે. અત્યાર સુધી રશિયા આક્રમક હતું. હવે યુક્રેન આક્રમક બન્યું છે. રશિયાના છેવાડાના વિસ્તાર પર યુક્રેને કબજો જમાવી લીધો છે અને સતત મિસાઈલ હુમલા કરીને નદી પરના ત્રણ પુલ પણ તોડ્યા છે. અગાઉ બે મોટા પુલ તોડ્યા હતા પણ મોદી જ્યારે પોલેન્ડ અને યુક્રેન પ્રવાસે જવા રવાના થયા છે ત્યારે યુક્રેને રશિયા પર સતત મિસાઈલ મારો ચાલુ રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત શરૂ કરતાં પહેલાં આ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે. "પોલેન્ડ મધ્ય યુરોપમાં આપણું આર્થિક ભાગીદાર છે." ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ એમ ત્રણ વડાપ્રધાનો પોલેન્ડ જઈ ચૂક્યા છે. હવે 45 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ જઈ રહ્યા છે. યુક્રેનની મુલાકાત અંગે પીએમએ કહ્યું કે તેઓ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમના મંતવ્યો શેર કરવા આતુર છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, પીએમ મોદી 21-23 ઓગસ્ટ સુધી પોલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. પીએમ મોદી 23 ઓગસ્ટે ટ્રેનમાં યુક્રેન જવા રવાના થશે. મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ-પીએમ અને ભારતીય સમુદાયને મળશે
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. સૌથી પહેલાં પોલેન્ડની રાજધાની વારસોમાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને ત્યારબાદ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વડાપ્રધાન પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. પોલેન્ડમાં ભારતીય સમુદાયના 25 હજાર લોકો રહે છે. તેમાં 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. પીએમ મોદી જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની પણ મુલાકાત લઈ શકે છે. તે ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હજારો પોલેન્ડના શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો. મોદીની યુક્રેન મુલાકાત પહેલાં જ રશિયા પર મિસાઈલ મારો, ત્રણ પુલ તોડ્યા ​​​​​​યુક્રેને રશિયાના કુર્સ્કમાં વધુ એક મહત્વપૂર્ણ પુલને બોમ્બથી ઉડાવી દીધો છે. યુક્રેનિયન એરફોર્સ કમાન્ડર માઇકોલા ઓલેશચુકે પણ સોશિયલ મીડિયા પર આ અંગેનો એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આ પુલનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. તેને ઉડાવી દીધા બાદ રશિયાની સપ્લાય લાઇનને ઘણી અસર થશે. રશિયાનો આ ત્રીજો પુલ છે જે યુક્રેન દ્વારા નષ્ટ કરાયો છે. બે દિવસ પહેલા યુક્રેનની સેનાએ કુર્સ્કના ગ્લુશકોવોમાં બીજો પુલ તોડી પાડ્યો હતો. રોયટર્સ અનુસાર, આ પુલ સીમ નદી પર બનાવવામાં આવ્યો હતો. તે યુક્રેનિયન સરહદથી 15 કિમી દૂર છે. જો કે, રશિયન ટેલિગ્રામ ચેનલોએ દાવો કર્યો હતો કે કુર્સ્ક ગામમાં સીમ નદી પરના ત્રણ પુલ પર હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાના મેશ ન્યૂઝ અનુસાર, કુર્સ્કમાં 3 પુલ હતા. હવે માત્ર એક જ પુલ બચ્યો છે. પોલેન્ડ અને ભારત વચ્ચે વેપાર વધ્યો
ભારત અને પોલેન્ડ વચ્ચે 2023માં 5.72 અબજ ડોલરનો વેપાર થવાની ધારણા છે. 2013 થી 2023 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર 192% વધ્યો છે. 2023માં, ભારતે પોલેન્ડ સાથે $3.95 બિલિયનની નિકાસ અને $1.76 બિલિયનની આયાત કરી હતી. પોલેન્ડમાં ભારતનું 3 બિલિયન ડોલરથી વધુનું રોકાણ છે. ભારતીય IT કંપનીઓ પોલેન્ડમાં લગભગ 10,000 લોકોને રોજગારી આપે છે. તે જ સમયે, પોલેન્ડનું ભારતમાં 685 મિલિયન ડોલરનું રોકાણ છે. ભારત પોલેન્ડ સાથે સંરક્ષણ વેપાર કરે છે, જેમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટના પાર્ટસ અને અન્ય આર્મી હાર્ડવેરના સોદાનો સમાવેશ થાય છે. ભારતની T-72 ટેન્કના અપગ્રેડેશનમાં પોલિશ કંપની બુમર લેબેડીનો મોટો ફાળો હતો. બંને દેશોની સેનાઓએ ઘણી સંયુક્ત કવાયત પણ કરી છે. ભારત અને પોલેન્ડ વચ્ચે ઉર્જા અને ટેક્નોલોજી ક્ષેત્રે ઘણા કરારો પણ થયા છે. તાજેતરમાં, હિમાચલ ફ્યુચરિસ્ટિક કોમ્યુનિકેશન્સ લિમિટેડ (HFCL) એ ઓપ્ટિકલ ફાઈબર પ્લાન્ટ માટે રૂ. 144 કરોડની રોકાણ યોજનાની જાહેરાત કરી હતી. આવતા વર્ષે પોલેન્ડ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ બનવા જઈ રહ્યું છે. તેથી, રાજકીય પાસાથી પણ, પોલેન્ડ યુરોપિયન યુનિયનમાં મહત્વપૂર્ણ છે. પોલેન્ડના રાજદૂતે કહ્યું- ભારત વિશ્વનો અવાજ છે
પીએમ મોદીની પોલેન્ડ મુલાકાત પર પોલેન્ડના રાજદૂત સેબેસ્ટિયન ડોમઝાલ્સ્કીએ કહ્યું, “ભારત વિશ્વનો અવાજ છે. મોદીની મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે એક શક્તિશાળી સંદેશ આપશે કે ભારત શાંતિના પક્ષમાં છે. "તેમની મુલાકાત દરમિયાન, ટેક્નોલોજી, સંરક્ષણ અને સુરક્ષા ચર્ચાના મહત્વપૂર્ણ વિષયો હશે." સૌથી પહેલાં ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ 25 જૂન 1955ના રોજ પોલેન્ડ ગયા હતા. આ પછી ઈન્દિરા ગાંધી 8 ઓક્ટોબર 1967ના રોજ પોલેન્ડની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ મોરારજી દેસાઈ 14 જૂન 1979ના રોજ પોલેન્ડની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન હતા. હવે 45 વર્ષ પછી મોદી ત્યાં જઈ રહ્યા છે. પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે
પોલેન્ડની મુલાકાત બાદ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. તેઓ પોલેન્ડથી ટ્રેન દ્વારા યુક્રેન જશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. 1991માં યુક્રેન અલગ દેશ બન્યો. તે પછી કોઈ ભારતીય વડાપ્રધાને ત્યાંની મુલાકાત લીધી નથી. આ પહેલા પીએમ મોદી 8 અને 9 જુલાઈના રોજ પણ રશિયા ગયા હતા. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન થોડા દિવસોથી રશિયન બોર્ડર પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. એવી આશંકા છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.