2 લાખ આપો, ચોરીમાં ગ્રેજ્યુએટ બનો:મધ્યપ્રદેશમાં ગુનેગારોની કથિત સ્કૂલ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 117 કિલોમીટરના અંતરે આવેલાં આ ગામોમાં બાળકોને ચોરી, લૂંટ અને ધાડ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. મધ્યપ્રદેશનાં 3 ગામ કડિયા, ગુલખેડી અને દુલખેડી દેશભરમાં ગુનેગારોની નર્સરી તરીકે જાણીતાં છે. આ વિસ્તારમાં પોલીસ પણ સાવધાનીપૂર્વક કામ કરે છે. 12 કે 13 વર્ષની વયનાં બાળકોને તેમનાં માતા-પિતા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં તાલીમ આપવા માટે આ ગામોમાં મોકલવામાં આવે છે. માતા-પિતા, ગેંગના નેતાઓ સાથે મુલાકાત કર્યા પછી નક્કી કરે છે કે તેમના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ કોણ આપશે. આ અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટે પરિવારે રૂ.2થી 3 લાખ સુધીની ફી ચૂકવે છે. બાળકોને વિવિધ ગુનાહિત કૌશલ્યો શીખવવામાં આવે છે. જેમ કે પિકપોકેટિંગ, ભીડવાળી જગ્યાએ બેગ છીનવવી, ઝડપથી દોડવું, પોલીસથી બચવું અને જો પકડાઈ જાય તો માર સહન કરવો. આ ટોળકીમાં એક વર્ષ પૂર્ણ થયા બાદ બાળકનાં માતા-પિતાને ગેંગના લીડર પાસેથી વાર્ષિક રૂ. 3થી 5 લાખની ચુકવણી કરવામાં આવે છે. આ ગામો એવા ગુનેગારોને જન્મ આપે છે જે આખા દેશમાં માથાનો દુખાવા સમાન બની રહે છે. ઉદાહરણ તરીકે તા. 8 ઓગસ્ટે જયપુરની હયાત હોટલમાં હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિના લગ્નમાં એક સગીર ચોરે રૂ.1.5 કરોડનાં ઘરેણાં અને રૂ.1 લાખની રકમ ભરેલી બેગની ધોળા દિવસે ચોરી કરી હતી. આવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપીને આ લોકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયામાં ભાગી જાય છે. અહીં તેઓ સૌ પ્રથમ ચોરેલા સામાનને છુપાવવાનું કામ કરે છે અને પછી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.