પાકિસ્તાની બહેને મોદીને રાખડી બાંધી:PM મોદી હીરાબાનાં ચરણ ધોતા હોય એવા ફોટાવાળી રાખડી બાળકીઓએ બાંધી - At This Time

પાકિસ્તાની બહેને મોદીને રાખડી બાંધી:PM મોદી હીરાબાનાં ચરણ ધોતા હોય એવા ફોટાવાળી રાખડી બાળકીઓએ બાંધી


છેલ્લા બે દાયકાથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી પાકિસ્તાની મહિલા કમર શેખે આજે એટલે કે 19મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે નવી દિલ્હીમાં ફરી એકવાર વડાપ્રધાનને રાખડી બાંધી હતી. આ 30મી વખત હશે, જ્યારે તેમણે પીએમ મોદીને રાખડી બાંધી હતી. 1990માં નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર હતા ત્યારથી કમર શેખ તેમને રાખડી બાંધે છે. આ સિવાય બાળકીઓ વડાપ્રધાન આવાસ પર ગઈ હતી અને તેમણે PMને રાખડી બાંધી હતી. આ રાખડી ખાસ પ્રકારે બનાવવામાં આવી હતી, જેમાં 'એક પૈડ મા કે નામ' એવું લખ્યું હતું. રાખડીની વચ્ચે એક ફોટો મૂકવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી તેમનાં માતા હીરા બાનાં ચરણ ધોઈ રહ્યા હોય એવું દૃશ્ય છે. મોદીને રાખડી બાંધનારી બહેન કમર શેખ કોણ છે?
પાકિસ્તાની મૂળની કમર મોહસિન શેખ નરેન્દ્ર મોદીને 1990થી રાખડી બાંધી રહ્યાં છે. એ વખતે નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર્તા હતા. એ પછી ગુજરાતના મુખ્યમંત્રી હતા તોપણ કમર શેખ તેમને રાખડી બાંધવા ગુજરાત આવતાં હતાં. હવે મોદી વડાપ્રધાન છે તોપણ તેઓ દિલ્હી જઈને મોદીને રાખડી બાંધે છે. કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. 1981માં તેમણે ભારતના મોહસિન શેખ સાથે નિકાહ કરી લીધા. ત્યારથી તેઓ ભારતમાં વસે છે. 1990માં ગુજરાતના રાજ્યપાલ ડો. સ્વરૂપ સિંહ હતા. તેમના થકી જ મોદી અને કમર શેખની મુલાકાત થઈ હતી. સ્વરૂપ સિંહ કમર શેખને પોતાની દીકરી માનતા હતા. આ વાત જાણીને મોદીએ કહેલું કે તમારી દીકરીને તો હવેથી મારી બહેન માનીશ, એટલે ત્યારથી દર વર્ષે રક્ષાબંધન પર કમર શેખ મોદીને રાખડી બાંધે છે. 'આ વખતે મેં કંઈક ખાસ બનાવ્યું છે'
કમર શેખ કહે છે, તેના 30મા વર્ષ નિમિત્તે તેમણે કંઈક ખાસ બનાવ્યું છે. તેમણે કહ્યું, "મેં આ વર્ષે જે રાખડી બનાવી છે, તે મેં વેલ્વેટ પર બનાવી છે. મેં રાખડીમાં મોતી, મેટલ એમ્બ્રોઇડરી અને ટિક્કીનો ઉપયોગ કર્યો છે." તેઓ કહે છે કે તે કોવિડ -19 રોગચાળા દરમિયાન 2020, 2021 અને 2022માં મુસાફરી કરી શક્યાં નહોતાં અને તેમણે આ વર્ષથી તેઓ ફરી દિલ્હી આવ્યાં હતાં. કમર શેખ દર વર્ષે પોતાના હાથે રાખડી બનાવે છે. બાળકીઓ મોદીને રાખડી બાંધવા પહોંચી
રક્ષાબંધન નિમિત્તે શાળાની નાનકડી વિદ્યાર્થિનીઓ પીએમ આવાસ પર પહોંચી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ પર રાખડી બાંધી. વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે એના પર તેમનાં સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો છે. આ ખાસ રાખીના ફોટોમાં પીએમ મોદી માતાનાં ચરણ ધોતા જોવા મળે છે. પીએમ મોદીના હાથ પર બાળકોએ રાખડી બાંધી છે, જેમાં 'માતાના નામે એક વૃક્ષ' એવો મેસેજ લખવામાં આવ્યો છે.
PMએ રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ રક્ષાબંધનના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખે છે આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.