બોલિવૂડના ગોરખધંધા:અભિનેતા-નિર્માતા આખા થિયેટર બુક કરીને વધારે કમાણી બતાવે છે, રિવ્યૂઅર્સ ખરીદીને ફિલ્મનો પોઝિટિવ માહોલ ઊભો કરે છે - At This Time

બોલિવૂડના ગોરખધંધા:અભિનેતા-નિર્માતા આખા થિયેટર બુક કરીને વધારે કમાણી બતાવે છે, રિવ્યૂઅર્સ ખરીદીને ફિલ્મનો પોઝિટિવ માહોલ ઊભો કરે છે


'એક દિવસ હું મારી ઓફિસમાં બેઠો હતો. શાહરુખ ખાનની ફેન ક્લબના લોકો મારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે 'પઠાણ' રિલીઝ થઈ રહી છે, અમારે આખું થિયેટર બુક કરાવવાનું છે. મેં કહ્યું પૈસા આપો અને બુક કરો. તેમણે પૈસા આપ્યા અને આખું થિયેટર બુક કરાવ્યું.’ મુંબઈના પ્રખ્યાત મરાઠા મંદિર સહિત અનેક થિયેટરોના માલિક મનોજ દેસાઈએ અમને આ વાત જણાવી. તમે વિચારી રહ્યા હશો કે, આમાં વાંધો શું છે. હકીકતમાં આ બાબત બોક્સ ઓફિસના બ્લેક માર્કેટિંગ તરફ સીધો નિર્દેશ કરે છે. મોટા કલાકારો અને નિર્માતાઓ તેમની ફિલ્મોના રિલીઝના પ્રથમ દિવસે જથ્થાબંધ ટિકિટ ખરીદે છે અથવા આખું થિયેટર બુક કરાવે છે. આને 'કોર્પોરેટ બુકિંગ' કહેવામાં આવે છે. આમ કરીને, તેઓ તેમની ફિલ્મો માટે એક પોઝિટિવ વાતાવરણ બનાવે છે, જેનાથી પછી ફિલ્મનો ચુકાદો નક્કી થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ભ્રષ્ટાચાર આજકાલથી નહીં પરંતુ 70-80ના દાયકાથી ચાલ્યો આવે છે. ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું કે 'આજે સફળતાનું માપ બોક્સ ઓફિસના આંકડા છે. કલાકારો એટલી ઊંચી ફી વસૂલતા હોય છે કે તેમને તેમની કિંમત બતાવવા માટે​ આવી યુક્તિઓ અપનાવવી પડે છે.’ હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું દર્શકોને આનાથી છેતરાયાનો અહેસાસ થાય છે, કારણ કે તેઓને પહેલા દિવસે ફિલ્મ જોવા માટે ટિકિટ મળતી નથી. આજે, આ ખાસ સ્ટોરી દ્વારા, અમે ફિલ્મ ઉદ્યોગમાં પ્રચલિત બોક્સ ઓફિસ આંકડાઓના બ્લેક માર્કેટિંગ વિશે વાત કરીશું. આ સિવાય પેઇડ અને નેગેટિવ રિવ્યૂ દ્વારા ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સમાં જે ભ્રામક માહોલ ઊભો કરવામાં આવે છે તેની પણ વાત કરીશું. આ સંદર્ભે, અમે દેશના સૌથી મોટા ફિલ્મ વિવેચકો અને વેપાર નિષ્ણાતોમાંના એક તરણ આદર્શ, એક્ઝિબિટર અક્ષય રાઠી, ફિલ્મ નિર્દેશક વિવેક શર્મા અને મરાઠા મંદિર થિયેટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈ સાથે વાત કરી. તરણ આદર્શે કહ્યું, 'જ્યારે કોર્પોરેટ બુકિંગની વાત સામે આવે છે ત્યારે એક્ટર્સની ઈમેજને ઘણું નુકસાન થાય છે. દર્શકોમાં પણ ખોટો સંદેશ જાય છે. જેના કારણે દર્શકો છેતરાયાનો અનુભવ કરે છે.’ કોર્પોરેટ બુકિંગનો ટ્રેન્ડ ક્યારે અને ક્યાંથી શરૂ થયો?
તરણ આદર્શે કહ્યું, 'એવું નથી કે આ પ્રથા થોડાં વર્ષોથી જ શરૂ થઈ છે. 70, 80 અને 90ના દાયકામાં પણ આવું થતું હતું. 70-80ના દાયકામાં તેઓ ખૂબ મોટા અભિનેતા હતા. તેનો કરિયર ગ્રાફ થોડો નીચે જઈ રહ્યો હતો. અચાનક તેની કમબેક ફિલ્મ રિલીઝ થઈ. પ્રથમ દિવસે, થિયેટરોની બહાર હાઉસફુલનાં બોર્ડ લટકતાં જોવા મળ્યાં હતાં, જોકે અંદર દર્શકો ખૂબ ઓછા હતા. થોડાં વર્ષો પછી જ્યારે મેં તે જ સ્ટારને આ વિશે પૂછ્યું તો તે ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું કે તમે આ પ્રશ્ન ફક્ત મને જ કેમ પૂછો છો અને અન્ય લોકોને કેમ નહીં? તેની હતાશા જોઈને સમજાયું કે તેણે જ ગરબડ કરી છે.' તરણ આદર્શે કહ્યું કે, '70-80ના દાયકામાં તેને કોર્પોરેટ બુકિંગ નહીં પરંતુ 'ફીડિંગ' કહેવામાં આવતું હતું.' શાહરુખ ખાનના ફેન ક્લબના સભ્યોએ 'પઠાન' અને 'જવાન'ની રિલીઝ વખતે થિયેટર બુક કરાવ્યું હતું
અમે મરાઠા મંદિર અને ગેઈટી ગેલેક્સી થિયેટરના માલિક મનોજ દેસાઈને પૂછ્યું કે, શું એવું ક્યારેય બને છે કે કોઈ જૂથ આવે અને આખું થિયેટર બુક કરે? મનોજ દેસાઈએ કહ્યું, 'એવું ઘણી વાર થાય છે. 'પઠાન' અને 'જવાન' દરમિયાન શાહરુખ ખાનની ફેન ક્લબે આખું થિયેટર બુક કરાવ્યું હતું.' કોર્પોરેટ બુકિંગની જરૂર શા માટે પડી રહી છે?
તરણ આદર્શે કહ્યું, 'જે કલાકારો કરોડોમાં ફી લઈ રહ્યા છે, તેમણે પણ બદલામાં આંકડા બતાવવા પડશે. આ સિવાય એકબીજાથી આગળ વધી જવાની સ્પર્ધા પણ ચાલી રહી છે. આજે સફળતા અભિનય કરતાં બોક્સ નંબર્સ દ્વારા વધુ માપવામાં આવે છે. જો કોઈ ફિલ્મ સારી હોય પરંતુ સારી કમાણી ન કરે તો તેને નિષ્ફળ ફિલ્મ તરીકે જોવામાં આવે છે. જ્યારે ફિલ્મનો કોન્સેપ્ટ થર્ડ ક્લાસ હોય, પરંતુ તેનું બોક્સ ઓફિસ કલેક્શન મજબૂત હોય તો આવી ફિલ્મને સુપરહિટનું બિરુદ મળે છે. આવી સ્થિતિમાં, દરેકની નજર શરૂઆતના દિવસની કમાણી પર છે. જો શરૂઆતનો દિવસ સારો હોય તો ફિલ્મની આસપાસ પણ એવું જ વાતાવરણ સર્જાય છે. આ કારણથી કલાકારો પોતાની ટીમને કહીને આ બધી યુક્તિઓ અપનાવે છે. જો કે, બધા કલાકારો આવું કરતા નથી.' વિવેક શર્માએ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'ભૂતનાથ'નું ડિરેક્શન કર્યું હતું 'કલાકારો ફીના બદલામાં થિયેટર બુક કરવાનું કહે છે'
એક્ઝિબિટર અક્ષય રાઠીએ કોર્પોરેટ બુકિંગને લઈને એક અલગ વાત કહી. તેણે કહ્યું, 'તમે જાણતા હશો કે કલાકારો ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. કેટલીકવાર તેઓ તે બ્રાન્ડ કંપનીઓ પાસેથી અડધી ફી વસૂલ કરે છે, તેના બદલામાં જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેઓ એ જ કંપનીઓને પ્રથમ દિવસની ટિકિટ ખરીદવાનું કહે છે. ત્યારબાદ કલાકારો કંપનીના લોકોને તેમના કર્મચારીઓ વચ્ચે તમામ ટિકિટો વહેંચવા કહે છે.' 60-70ના દાયકામાં એક અલગ રમત હતી, મનોજકુમાર અને રાજ કપૂર એકબીજાની ફિલ્મોની ટિકિટ ખરીદતા હતા.
મનોજ દેસાઈએ જણાવ્યું કે 60-70ના દાયકામાં એક અલગ રમત રમાતી હતી. એ સમયે રાજ કપૂર અને મનોજકુમારની ફિલ્મો એકસાથે રિલીઝ થતી હતી. બંને કલાકારો એકબીજાની ફિલ્મોની ઘણી ટિકિટો ખરીદતા હતા. મનોજ દેસાઈ કહે છે, 'એક દિવસ મેં રાજ કપૂરને પૂછ્યું કે તમે મનોજકુમારની ફિલ્મોની ટિકિટ કેમ ખરીદો છે? તેમણે કહ્યું કે આ બિઝનેસ છે. હું મનોજકુમારની ફિલ્મોની ટિકિટ ખરીદું છું અને થિયેટરોની સામે સસ્તા ભાવે વેચું છું અને એવી વાત ફેલાવું છું કે તેમની ફિલ્મોમાં કોઈ ભલીવાર નથી, તેથી ટિકિટ ઓછી કિંમતે મળે છે. મનોજકુમાર મારી ફિલ્મો સાથે આવું જ કરે છે.' 'કલાકારોએ તેમની ફી પર નિયંત્રણ રાખવું જોઈએ'
કોર્પોરેટ બુકિંગ રોકવા માટે કયાં પગલાં લેવાં જોઈએ? તરણ આદર્શે કહ્યું, 'અભિનેતાઓએ પહેલાં તેમની ફી પર વિચાર કરવો જોઈએ. એવું ન થવું જોઈએ કે તમે 35 કરોડ રૂપિયા ચાર્જ કરો અને ફિલ્મ 3 કરોડ રૂપિયાની ઓપનિંગ પણ ન લઈ શકે. આવી સ્થિતિમાં, તેમની ફી અને મૂલ્યને યોગ્ય ઠેરવવા, આ કલાકારો નિર્માતાઓ સાથે મળીને કોર્પોરેટ બુકિંગ જેવી યુક્તિઓ અપનાવવાનું શરૂ કરે છે.' 'દર્શકોને લલચાવીને ફિલ્મ બતાવવાની યુક્તિ પણ શરૂ થઈ ગઈ'
હવે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે - BOGO (BY ONE-GET ONE FREE) એટલે કે જો તમે એક ખરીદો તો એક મફત ટિકિટ. તરણ આદર્શે કહ્યું કે, 'આ સૌથી ખતરનાક બાબત છે. તમે ફિલ્મ જોવાના નામે દર્શકોને લોભાવી રહ્યા છો.' 'જેને જુઓ તે સમીક્ષક બનીને ફરી રહ્યા છે, તેમના પર બિસ્કિટ ફેંકો એટલે તેઓ તેમની પૂંછડી પટપટાવશે'
આજકાલ મૂવી રિવ્યૂનો ટ્રેન્ડ પણ બદલાઈ ગયો છે. કેટલાક સમીક્ષકો પોતાના ફાયદાને ધ્યાનમાં રાખીને ફિલ્મને સારી કે ખરાબ કહે છે. તાજેતરમાં, ફિલ્મ 'કલ્કિ'ના નિર્માતાઓએ કેટલાક સમીક્ષકો સામે કાયદાકીય પગલાં લેવાની તૈયારી પણ કરી હતી. આ અંગે તરણ આદર્શ કહે છે, 'પહેલાંના સમયમાં પસંદગીના ફિલ્મ વિવેચકોને રિવ્યૂ માટે બોલાવવામાં આવતા હતા. તે કેટલાંક સારાં પ્રકાશનો સાથે સંકળાયેલા હતા. તેમની સમીક્ષાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. આજકાલ 300-400 લોકો રિવ્યૂ કરવા આવે છે. તમે જેને જુઓ છો, તે સમીક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેમની પહોંચ વધુ હોવા છતાં તેમની વિશ્વસનીયતા પણ તે મુજબ હશે.' 'મેં 'આદિપુરુષ'ની નકારાત્મક સમીક્ષા કરી હતી. કેટલાક લોકોને આ વાતનું ખરાબ લાગ્યું. તેઓ બધા સ્વઘોષિત સમીક્ષકો હતા. તેઓ મારી પાછળ પડી ગયા.' 'થોડા દિવસ પહેલાં જ અક્ષય કુમાર-ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં-છોટે મિયાં' રીલિઝ થઈ હતી. હું પ્રોડ્યુસર સાથે બેસીને ફિલ્મ જોઈ રહ્યો હતો. ફિલ્મ પૂરી થતાંની સાથે જ મેં તેને કહ્યું કે તેની પાસેથી વધારે અપેક્ષા ન રાખો. મેં એમ નહોતું કહ્યું કે ફિલ્મ વાંધાજનક હતી, પરંતુ મેં કહ્યું કે, તેને વધુ સારી બનાવી શકાઈ હોત. જ્યારે મેં ફિલ્મનો રિવ્યૂ પોસ્ટ કર્યો ત્યારે કેટલાક લોકો ફરીથી મારી પાછળ પડ્યા. શક્ય છે કે તેમની સામે બિસ્કિટ ફેંકવામાં આવ્યું હોય, તેથી જ તેઓ પૂંછડી હલાવતાં મારી પાછળ પડી ગયા.' 'યુટ્યૂબર્સ કે જેઓ સમીક્ષાઓ માટે પૈસા લે છે તેમને ભાવ આપવાનું બંધ કરવું જોઈએ'
ડિરેક્ટર વિવેક શર્માએ કહેવાતા ફિલ્મ વિવેચકોને આડે હાથ લીધા હતા. તેણે કહ્યું, 'ઘણા ફિલ્મ વિવેચકો છે જેઓ પડદા પાછળ કેટલાંક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે. તેઓ તેમની ફિલ્મોને ક્યારેય 3.5 સ્ટારથી ઓછા આપતા નથી. આ વિવેચકો સંપૂર્ણપણે વેચાયેલા છે. ઉપરથી પાછા 2020 પછી, નાના YouTubers પણ જન્મ્યા છે. તેમાંના મોટા ભાગના પૈસા માટે ફિલ્મોની સમીક્ષા કરે છે અને દર્શકોને ગેરમાર્ગે દોરે છે.' 'આજના યુવાનો તેમને મોટી સંખ્યામાં જુએ છે અને અનુસરે છે, તેથી તેમણે તેમની વિશ્વસનીયતા જાળવી રાખવી જોઈએ. ઈન્ડસ્ટ્રીના લોકોએ તેમના કન્ટેન્ટ અને સ્ટોરીઝ પર વધુ કામ કરવું જોઈએ, નહીં કે,મનોરંજન માટે તેમના પૈસા અને શક્તિ ખર્ચવા જોઈએ. 'ભાડે રાખેલા લોકો થિયેટરમાં હંગામો મચાવે છે'
મનોજ દેસાઈએ કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં એવા લોકો છે જે પોતાને આગળ બતાવવા માટે બીજાને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. તેણે કહ્યું, 'તમે વિશ્વાસ નહીં કરો, એવા ઘણા ફિલ્મ મેકર્સ અને એક્ટર્સ છે જે લોકોને 300-500 રૂપિયામાં લાવે છે અને તેમને થિયેટરની અંદર મોકલી દે છે અને બળજબરીથી નેગેટિવ બૂઇંગ કરવા માટે મજબૂર કરે છે.' 'આ ભાડે રાખેલા લોકો ફિલ્મની ટીકા કરવાનું શરૂ કરે છે અને થિયેટરની અંદર દર્શકો સાથે દુર્વ્યવહાર કરે છે. આના કારણે, વાસ્તવિક દર્શકો પણ વિચારવા લાગે છે કે ફિલ્મ ખરેખર ખરાબ છે, તેથી જ લોકો આટલો ગુસ્સો બતાવી રહ્યા છે. તેનાથી ફિલ્મ વિશે ખોટું વાતાવરણ ઊભું થાય છે.' શાહરુખ અને પ્રભાસના ફેન્સ વચ્ચે ટક્કર થઈ
પ્રભાસની ફિલ્મ 'સાલાર' અને શાહરુખ ખાનની ફિલ્મ 'ડન્કી' ડિસેમ્બર 2023માં એકસાથે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોના કલેક્શનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. 'શાહરુખના ચાહકો 'ડન્કી'ને લીડ તરીકે બતાવતા હતા, જ્યારે પ્રભાસના ચાહકો 'સાલાર'ને લીડ લેતા બતાવતા હતા. હવે આ સંઘર્ષમાં દર્શકોને ચિંતા હતી કે આમાંથી કઈ ફિલ્મ જોવા જવું જોઈએ. બંને ફિલ્મોના ક્લેશને કારણે બોક્સ ઓફિસના આંકડાઓ વહેંચાઈ ગયા હતા. બંને ફિલ્મોને નુકસાન થયું.' 'વાત એ છે કે આ ઝઘડામાં સિનેમા ચાહકો પરેશાન થાય છે, તેઓ સમજી શકતા નથી કે કઈ ફિલ્મ પર પૈસા ખર્ચવા વધુ યોગ્ય રહેશે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.